વિજય માલ્યાને ઝટકો બૅન્કોને જપ્ત સંપત્તિ વેચીને વસૂલાત કરવાની મંજૂરી

02 January, 2020 02:06 PM IST  |  New Delhi

વિજય માલ્યાને ઝટકો બૅન્કોને જપ્ત સંપત્તિ વેચીને વસૂલાત કરવાની મંજૂરી

વિજય માલ્યા

પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ)ની સ્પેશ્યલ કોર્ટે ભારતીય સ્ટેટ બૅન્ક (એસબીઆઇ) અને અન્ય બૅન્કોને વિજય માલ્યાની જપ્ત સંપત્તિ વેચીને ધિરાણની રકમ વસૂલવાની મંજૂરી આપી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે કહ્યું કે તેમને આ પ્રમાણેની વસૂલાતથી કોઈ વાંધો નથી.

માલ્યાના વકીલોએ દલીલ કરી હતી કે આ માત્ર ડેટ રિકવરી ટ્રિબ્યુનલ જ નક્કી કરી શકે છે. જોકે સ્પેશ્યલ પીએમએલએ કોર્ટે આ નિર્ણય પર ૧૮ જાન્યુઆરી સુધીનો સ્ટે લગાવ્યો છે, જેથી માલ્યા આ આદેશની સામે બૉમ્બે હાઈ કોર્ટમાં અપીલ કરી શકે. બૅન્કોને અંદાજે ૯ હજાર કરોડની લોન ન ચૂકવવા મામલે, કૌભાંડ અને મની લૉન્ડરિંગ મામલે બ્રિટનમાં માલ્યા સામે કેસ ચાલી રહ્યો છે.

નોંધનીય છે કે ડિસેમ્બર મહિનામાં વિજય માલ્યા મામલે લંડન કોર્ટમાં ચુકાદો સુરક્ષિત રાખવામાં આવ્યો છે. કોર્ટ જાન્યુઆરીમાં માલ્યા પર ચુકાદો આપે એવી શક્યતા છે. અહીં વિજય માલ્યા પર દાખલ નાદારી જાહેર કરવાની અરજી નકારવામાં આવી શકે છે અથવા જ્યાં સુધી ભારતીય સુપ્રીમ કોર્ટમાં માલ્યાની સેટલમેન્ટ ઑફર પર સહમતી ન બને ત્યાં સુધી આ અરજી સ્થગિત પણ કરવામાં આવી શકે છે. આ મામલે યુકે કોર્ટ ભારતીય નિયમો વિશે વિચાર કરી શકે છે.
એસબીઆઇના નેતૃત્વમાં ભારતીય સરકારી બૅન્કોના એક ગ્રુપે બ્રિટનની હાઈ કોર્ટમાં ભાગેડુ વિજય માલ્યા પર અંદાજે ૧.૧૪૫ અબજ પાઉન્ડ ન ચૂકવવાના આરોપમાં તેને નાદાર જાહેર કરવાનો આદેશ આપવાની ફરીથી અપીલ કરી છે. લંડનમાં હાઈ કોર્ટની દિવાલા બ્રાન્ચમાં જજ માઇકલ બ્રિગ્સે સુનાવણી કરી છે.

હાઈ કોર્ટે પહેલાં આપેલા એક નિર્ણયમાં સમગ્ર દુનિયામાં માલ્યાની સંપત્તિની લેણદેણ પર પ્રતિબંધ લગાવવામાં આવેલા આદેશમાં ફેરફાર કરવાનો ઇનકાર કરી દીધો છે અને ભારતની એક કોર્ટના એ નિર્ણયને યથાવત રાખ્યો છે કે ૧૩ ભારતીય બૅન્કોના ગ્રુપને અંદાજે ૧.૧૪૫ અબજ પાઉન્ડનું ધિરાણ કરવા માટે અધિકૃત છે.

ત્યારપછી બેન્કોએ સંપત્તિ જપ્ત કરવાના આદેશમાં વસુલીની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ જ અંતર્ગત દેવાની ભરપાઈ કરવા માટે બ્રિટનમાં માલ્યાની સંપત્તિને જપ્ત કરવાની અપલી કરીને નાદારીની અરજી દાખલ કરી છે.

vijay mallya national news