બિપિન રાવત દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બનશે

31 December, 2019 01:52 PM IST  |  New Delhi

બિપિન રાવત દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બનશે

બિપિન રાવત

ભારતીય સેનાના ઇતિહાસમાં પહેલી વાર ઊભી કરાયેલી ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ)ની જગ્યા માટે વર્તમાન થલ સેના અધ્યક્ષ જનરલ બિપિન રાવતની નિમણૂક કરવામાં આવી છે. તેઓ હવે પાયદળ, હવાઈદળ અને નૌકાદળ એમ ત્રણેય સેનાની કમાન સંભાળશે. સેનાના અધ્યક્ષ જનરલ રાવત આવતી કાલે ૩૧ ડિસેમ્બરે વયમર્યાદાને કારણે નિવૃત્ત થાય એ પહેલાં આજે કેન્દ્ર સરકાર દ્વારા તેમની નવી નિમણૂકને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. એ સાથે તેઓ ૬૫ વર્ષની વય સુધી પદભાર સંભાળી શકે એવી જોગવાઈ પણ કાયદામાં સુધારો કરીને કરવામાં આવી છે.

મોદી સરકારની ગુડ બુકમાં રહેલા જનરલ રાવત તાજેતરમાં નાગરિકતા કાયદા સામેના આંદોલન વિશે નેતાગીરીના મામલે ટિપ્પણી કરીને વિરોધ પક્ષોની આલોચનાના શિકાર બનીને વિવાદમાં આવ્યા હતા. તેમના કાર્યકાળ દરમ્યાન જ પુલવામાની આતંકવાદી હુમલાની ઘટના બની હતી. નવા કાર્યભાર બાદ તેઓ સંરક્ષણ સચિવની મંજૂરી વગર જ સીધા સંરક્ષણ પ્રધાનને મળી શકે એવી સત્તા પણ તેમને આપવામાં આવી છે. તેમનું આ પદ ‘ફોર સ્ટાર’ જનરલની સમકક્ષ હશે અને તમામ સેનાઓના પ્રમુખોમાં સૌથી ઉપર હશે.

indian army national news