મુંબઈ: મ્હાડાના દરેક બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી ઑડિટ ફરજિયાત

11 January, 2019 07:52 AM IST  |  | Mamta Padia

મુંબઈ: મ્હાડાના દરેક બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી ઑડિટ ફરજિયાત

પ્રતીકાત્મક તસવીર

થોડા દિવસ પહેલાં ચેમ્બુરમાં મ્હાડાની સરગમ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં પાંચ જણનાં મૃત્યુને પગલે બેસાડેલી તપાસમાં જાણ થઈ હતી કે બિલ્ડિંગમાં ફાયર ફાઇટિંગ સિસ્ટમ તો હતી, પરંતુ એ બંધ હતી. આ બાબતની ગંભીર નોંધ લેતાં મ્હાડાએ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી ઑડિટ ફરજિયાત કર્યું છે. મ્હાડાનાં નવાં કે જૂનાં બિલ્ડિંગને ઑક્યુપેશન સર્ટિફિકેટ આપવાનો કાયદો કડક કરવામાં આવ્યો છે. એ અંતર્ગત સોસાયટીમાં ફાયર સેફ્ટી સિસ્ટમ છે કે નહીં તેમ જ એનું ફાયર ઑડિટ થયું હશે તો જ ઑક્યુપેશન સર્ટિફિકેટ આપવામાં આવશે એવો નિર્ણય મ્હાડાએ લીધો છે.

ફાયર ઑડિટ કરવા માટે સોસાયટીને એક મહિનાની મુદત આપવામાં આવશે એમ જણાવીને મ્હાડાના અધિકારીએ કહ્યું હતું કે ‘ભવિષ્યમાં પણ ફાયર ઑડિટ કરવાની ખાતરી આપનાર બિલ્ડિંગને જ ઑક્યુપેશન સર્ટિફિકેટ આપવામાં આવશે. ચેમ્બુરની સરગમ સોસાયટીમાં આગની ઘટનામાં પાંચ જણ મૃત્યુ પામ્યા હોવાથી તત્કાળ તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિના અહેવાલ મુજબ બિલ્ડિંગમાં આગ લાગી ત્યારે ફાયર સેફ્ટી સિસ્ટમ બંધ હતી.

આ પણ વાંચો : મુંબઈ: પોલીસ-સ્ટેશનની દીવાલોને બનાવ્યું સામાજિક સંદેશનું માધ્યમ

આગ લાગી ત્યારે ઇમર્જન્સી દરવાજો પણ બંધ હતો, જેને લીધે રહેવાસીઓ બહાર ન નીકળી શક્યા અને મૃત્યુના મુખમાં સપડાયા હતા. એ ઉપરાંત ફાયર સેફ્ટી સિસ્ટમ સાથે પાણીની પાઇપ જોડી નહોતી. આ આખો અહેવાલ મ્હાડા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. એમા દોષી અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.

chembur mumbai news