લોકસભામાં PM મોદીના પક્ષમાં મુલાયમસિંહ, કહ્યું- ફરી બનો વડાપ્રધાન

13 February, 2019 06:58 PM IST  |  નવી દિલ્હી

લોકસભામાં PM મોદીના પક્ષમાં મુલાયમસિંહ, કહ્યું- ફરી બનો વડાપ્રધાન

મોદી-મુલાયમ સિંહ (ફાઇલ ફોટો)

લોકસભા ચૂંટણી પહેલા દેશમાં ચાલી રહેલા રાજકીય હોબાળાની વચ્ચે મુલાયમસિંહ યાદવે એક બહુ મોટું નિવેદન આપ્યું છે. સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને લોકસભા સાંસદ મુલાયમસિંહ યાદવે બુધવારે લોકસભામાં કહ્યું કે, 'તેમની ઈચ્છા છે કે નરેન્દ્ર મોદી ફરી એકવખત દેશના વડાપ્રધાન બને. મુલાયમે પોતાની પાર્ટી અને વિપક્ષ તરફ ઈશારો કરતા કહ્યું કે, અમે લોકો તો એટલી બહુમતી નહીં લાવી શકીએ, એટલે તમે (નરેન્દ્ર મોદી) ફરીથી દેશના વડાપ્રધાન બનો.' બજેટસત્રના છેલ્લા દિવસે તેમણે આ વાત કરી છે. તેમણે આ કહ્યું ત્યારે વડાપ્રધાન મોદી પણ સંસદમાં હાજર હતા.

મુલાયમે સંસદમાં શું કહ્યું?

મુલાયમે કહ્યું કે, ‘અમે વડાપ્રધાનજીને અભિનંદન આપવા ઈચ્છીએ છીએ કે, તમે બધા સાથે હળીમળીને કામ કર્યું. એ સાચું છે કે, અમે જ્યારે-જ્યારે તમને કોઈ કામ માટે કહ્યું તો તમે એ જ વખતે આદેશ આપી દીધો. તેના માટે અમે તમારું સન્માન કરીએ છીએ.’ મુલાયમે આગળ કહ્યું કે, ‘હું કહેવા ઈચ્છું છું કે, મારી ઈચ્છા છે કે, બધા સભ્યો ફરીથી જીતીને આવે. હું કહેવા ઈચ્છું છું કે, અમે લોકો તો એટલી બહુમતી લાવી શકીએ તેમ નથી તો તમે ફરીથી વડાપ્રધાન બનો.’ તેના પર પીએમ મોદીએ હાથ જોડીને આભાર વ્યક્ત કર્યો અને સંસદે પાટલી થપથપાવી મુલાયમ સિંહ યાદવની વાતનું સમર્થન કર્યું.

આ પણ વાંચો: રાફેલ ડીલ પર વિપક્ષનો હલ્લાબોલ, સોનિયા ગાંધીએ કહ્યું: PM બ્લફમાસ્ટર

મુલાયમના જવાબમાં મોદીની પ્રતિક્રિયા

મુલાયમ સિંહે જ્યારે કહ્યું કે, 'ફરીથી તમે વડાપ્રધાન બનો તેવી શુભેચ્છા.' આ સાંભળતાની સાથે જ નરેન્દ્ર મોદીએ તેમની શુભેચ્છાઓ સ્વીકારતા બે હાથ જોડી આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ ગૃહના સભ્યોએ પણ આ વાતનું બેન્ચ થપથપાવીને સમર્થન કર્યું હતું. સમાજવાદી પાર્ટીના સુપ્રીમોએ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનના પણ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, તમે ખુબ સારી રીત ગૃહ ચલાવ્યું. બધાને સાથે લઈને ચાલવું ઘણું મુશ્કેલ છે. તેમ છતાં તમે બધાને સાથે લઈને ચાલ્યા અને તમને બધા માનની દ્રષ્ટિથી જોવે છે તે માટે તમને પણ શુભેચ્છા સાથે અભિનંદન પાઠવું છે.

mulayam singh yadav narendra modi delhi