તમામ પ્રકારના કાંદાની નિકાસ પર મોદી સરકારે પ્રતિબંધ લાદ્યો

30 September, 2019 12:58 PM IST  |  નવી દિલ્હી

તમામ પ્રકારના કાંદાની નિકાસ પર મોદી સરકારે પ્રતિબંધ લાદ્યો

બૅન્ગલોરમાં ગઈ કાલે કાંદાના ભાવમાં ‌વધારાનો વિરોધ કરતાં મહિલા કૉન્ગ્રેસનાં કાર્યકરો.

કાંદાના ભાવ કાબૂમાં લેવા કેન્દ્ર સરકારે તમામ પ્રકારની કાંદાની નિકાસ પર તાત્કાલિક અસરથી રોક લગાવી છે. કાંદાના સતત વધી રહેલા ભાવોની વચ્ચે મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. કાંદા નિકાસ કરવાની નીતિમાં ફેરફાર કરતાં સરકારે બીજા આદેશ સુધી નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય મુજબ તમામ પ્રકારના કાંદાના નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે, આની આશા કેટલાક દિવસોથી વ્યક્ત કરવામાં આવતી હતી કે સરકાર કાંદાની નિકાસસંબંધી નીતિ વિશે કોઈ મહત્ત્વપૂર્ણ પગલું ભરી શકે છે.

સમગ્ર દેશમાં કાંદાની ઘટ બાદ તેની કિંમતોમાં ભારે ઉછાળો જોતાં તેની નિકાસ પર રોક લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલાં કેન્દ્રીય ખાદ્ય આપૂર્તિ પ્રધાન રામવિલાસ પાસવાને કહ્યું હતું કે કેન્દ્રની પાસે પૂરતી માત્રામાં કાંદાનો સ્ટૉક છે અને તેને વિભિન્ન રાજ્યોમાં આપૂર્તિ કરવા જઈ રહી છે જેથી ભાવ ઘટશે.
દેશમાં છેલ્લા એક માસમાં મહારાષ્ટ્ર સહિત કાંદા પકવતા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી પાક બગડ્યો છે. જેને પગલે દિલ્હી સહિતની બજારમાં કાંદાનો ભાવ પ્રતિ કિલો ૬૦-૮૦ સુધી પહોંચ્યો હતો. તહેવારો સમયે દેશવાસીઓને કાંદાના ઊંચા ભાવથી રાહત આપવા સરકારે ૫૦ હજાર ટનનો બફર સ્ટોક વેચવા કાઢ્યો છે.

સરકારે કાંદાના વધતા ભાવને પગલે સંગ્રહખોરો અને ભાવ વધારવા માટે કારણભૂત પરિબળો સામે લાલ આંખ કરી હતી. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં મોટાપાયે કાંદાની ખેતી થાય છે. જો કે આ રાજ્યોમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ પડતા પાક બગડવાથી પુરવઠો ખોરવાયો છે.
કેન્દ્ર સરકારે જે ભાવ જાહેર કર્યા છે તે પ્રમાણે દિલ્હી, મુંબઈ અને લખનઉમાં કાંદાની કિંમત ૬૦ રૂપિયા કિલો છે. ચેન્નઈમાં ૪૨ રૂપિયે અને પોર્ટ બ્લેરમાં ૮૦ રૂપિયે કિલો છે.

કાંદા પકવતાં રાજ્યોમાં વરસાદ અને પૂરની સ્થિતિના કારણે કાંદાના સપ્લાય પર અસર પડી છે. જેના કારણે કાંદાના ભાવમાં થઈ રહેલો વધારો લોકોને રડાવી રહ્યો છે.

ram vilas paswan onion prices national news