ખેડૂતો સામે નમી મોદી સરકાર,પાંચેપાંચ માગણીઓ સ્વીકારાતાં આંદોલન સમેટાયું

22 September, 2019 04:35 PM IST  |  મુંબઈ ડેસ્ક

ખેડૂતો સામે નમી મોદી સરકાર,પાંચેપાંચ માગણીઓ સ્વીકારાતાં આંદોલન સમેટાયું

ખેડૂતો અને શ્રમિકોની સમસ્યાઓ લઈ ઉત્તરપ્રદેશના સહારનપુરથી દિલ્હી સુધી યાત્રા કરી હતી.

નવી દિલ્હી : (જી.એન.એસ.) ખેડૂતો અને શ્રામિકોની સમસ્યાઓ લઈ ઉત્તર પ્રદેશના સહારનપુરથી દિલ્હી સુધી પદયાત્રા કરી રાજધાની પહોંચેલા હજારો ખેડૂતો અને શ્રામિકોની ૧૫માંથી પાંચ માગણી કેન્દ્ર સરકારે સ્વીકારી લેતાં ખેડૂતોએ આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. શનિવારે દિલ્હી પહોંચેલા ખેડૂતોના ૧૧ સભ્યોના પ્રતિનિધિમંડળે કૃષિ ભવન ખાતે મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી પોતાની માગણીઓનું આવેદનપત્ર રજૂ કર્યું હતું. અધિકારીઓએ પાંચ માગણીઓ સ્વીકારી તાત્કાલિક ઘટતું કરવાનું આશ્વાસન આપતાં ખેડૂતોએ આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી.

શનિવારે હજારો ખેડૂતોએ દિલ્હીમાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં તેમને રાજધાનીની સરહદ પર જ સુરક્ષાદળો દ્વારા અટકાવી દેવાયાં હતાં જેના પગલે ખેડૂતોએ રાજધાનીની બહાર સડકો ચક્કાજામ કરી ધરણાં શરૂ કરી દીધાં હતાં. ખેડૂતોએ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કે સરકાર તેમની માગણીઓ સ્વીકારે અથવા તેમને કિસાન ઘાટ ખાતે કૂચ કરી જવાની પરવાનગી આપવામાં આવે. ત્યાર બાદ ખેડૂતોના પ્રતિનિધિમંડળના ૧૧ સભ્યોને દિલ્હી પોલીસ દ્વારા કૃષિ મંત્રાલય લઈ જવાયા હતા, જ્યાં તેમણે ખેડૂતોની માગણીઓનું આવેદનપત્ર રજૂ કર્યું હતું.
શનિવારે નોઇડાના ટ્રાન્સપોર્ટ નગર ખાતેથી હજારો ખેડૂતોએ દિલ્હીકૂચનો પ્રારંભ કર્યો હતો, પરંતુ પોલીસે તેમને નૅશનલ હાઇવે ૨૪ પર ગાઝીપુર નજીક જ અટકાવી દીધા હતા. ખેડૂતોને આગળ વધતા અટકાવવા મોટી સંખ્યામાં દિલ્હી પોલીસ, અર્ધલશ્કરી દળોના જવાનોને તહેનાત કરી દેવાયા હતા. ખેડૂતોએ શાંતિપૂર્ણ રીતે સડકો પર જ બેસીને ધરણાં શરૂ કરી દીધાં હતાં.
ખેડૂતોની માગણી રહી હતી કે ખેડૂતોને સિંચાઈ માટે વીજળી મફતમાં મળે. ખેડૂતો અને મજૂરોને શિક્ષણ અને સ્વાસ્થ્ય મફતમાં મળે. એ સિવાય ખેડૂતો અને મજૂરોને ૬૦ વર્ષની ઉંમર બાદ ૫૦૦૦ રૂપિયા મહિને પેન્શન મળે. એ સિવાય ખેડૂતોની સાથે-સાથે તેમના પરિવારને દુર્ઘટના વીમા યોજનાનો લાભ મળે. તમામ નદીઓને પ્રદૂષણમુક્ત કરવામાં આવે. ભારતમાં સ્વામીનાથન આયોગનો રિપોર્ટ લાગુ કરાય.

national news indian government