આજથી ટેલિકૉમ યુઝરે કૉલ-ઇન્ટરનેટ માટે 50 ટકા વધારે રકમ ચૂકવવી પડશે

03 December, 2019 09:12 AM IST  |  New Delhi

આજથી ટેલિકૉમ યુઝરે કૉલ-ઇન્ટરનેટ માટે 50 ટકા વધારે રકમ ચૂકવવી પડશે

પ્રતીકાત્મક તસવીર

ફ્રી અનલિમિટેડ કૉલ અને સસ્તું ઇન્ટરનેટ યુઝ કરનારા યુઝર્સને ટેલિકૉમ કંપનીઓ તરફથી મોટો ફટકો પડ્યો છે. દેશમાં મોબાઇલ કૉલ અને ઇન્ટરનેટના ઉપયોગ માટે હવે ૫૦ ટકા વધારે રકમ ચૂકવવી પડશે. ટેલિકૉમ ક્ષેત્રમાં ટૅરિફ યુદ્ધ સાથે સરકારી રકમની ચુકવણીને લીધે પ્રાઇવેટ ટેલિકૉમ કંપની ભારતીય ઍરટેલ, વોડાફોન આઇડિયા અને જિયોએ નવા ટૅરિફ પ્લાનની જાહેરાત કરી છે.

ઍરટેલ અને વોડાફોન આઇડિયાનો નવો ટૅરિફ પ્લાન મંગળવારે રાતે ૧૨ વાગ્યાથી લાગુ પડશે. જિયો કંપની એનો નવો ટૅરિફ પ્લાન ૬ ડિસેમ્બરથી અમલી બનાવશે.

છેલ્લાં પાંચ વર્ષમાં પ્રથમ વખત પ્રિપેઇડ પ્લાનના દરમાં વધારો કરવામા આવ્યો છે. ૨૦૧૪થી મોટા ભાગના નેટવર્ક પર વૉઇસ કૉલની સુવિધા લગભગ મફત બની હતી અને સાથે જ ડેટાની કિંમત આશરે ૯૫ ટકા ઘટીને ૨૬૯ પ્રતિ GBથી ઘટીને ૧૧.૭૮ રૂપિયા પ્રતિ GB થઈ હતી.

ભારતીય ઍરટેલ અને વોડાફોન આઇડિયાએ ૫૦ ટકા વધારે કિંમત સાથે અનલિમિટેડ કૅટેગરીમા નવા રેટ સાથે ટૅરિફ પ્લાન જાહેર કર્યો છે. આ તમામ પ્લાનને હાલમાં ચાલી રહેલા પ્લાન સાથે બદલવામા આવશે.

૩ ડિસેમ્બરથી ઍરટેલ અને વોડાફોન આઇડિયા બન્ને કંપનીના પ્રિપેઇડ ગ્રાહકોએ ૪ અઠવાડિયાં સુધી મોબાઇલથી કૉલિંગ અને ઇન્ટરનેટની સુવિધાનો ઉપયોગ કરવા માટે મિનિમમ ૪૯ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. બન્ને કંપનીએ અન્ય નેટવર્ક પર કૉલિંગ માટે મર્યાદા પણ નક્કી કરી છે. ૨૮ દિવસની વેલિડિટીવાળા પ્લાનમાં ૧૦૦૦ મિનિટ, ૮૪ દિવસના પ્લાનમાં ૩૦૦૦ મિનિટ અને ૩૬૫ દિવસના પ્લાન પર ૧૨,૦૦૦ મિનિટની કૉલિંગની સુવિધા મળશે.

national news trai airtel vodafone