મેવાડ રાજ પરિવાર ભગવાન રામના પુત્ર લવનો વંશજ છે: મહેન્દ્રસિંહ મેવાડ

13 August, 2019 11:28 AM IST  |  નવી દિલ્હી

મેવાડ રાજ પરિવાર ભગવાન રામના પુત્ર લવનો વંશજ છે: મહેન્દ્રસિંહ મેવાડ

મહેન્દ્રસિંહ મેવાડ

અયોધ્યા જમીનવિવાદના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે ત્યાં રાજસ્થાનમાં એક નવો સંગ્રામ શરૂ થઈ ગયો કે ભગવાન શ્રીરામના અસલી વંશજ કોણ? રાજસ્થાનના રાજસમંદથી બીજેપીનાં સાંસદ દિયાકુમારીએ દાવો કર્યો છે કે તેઓ શ્રીરામનાં વંશજ છે અને શ્રીરામના પુત્ર કુશથી તેમનો રજવાડો ચાલે છે. ત્યાર બાદ હવે રાજસ્થાનના મેવાડ રાજઘરાના પણ ભગવાન શ્રીરામના વંશજ હોવાની લડતમાં કૂદ્યું છે.

મેવાડ રાજઘરાનાના મહેન્દ્રસિંહ મેવાડે કહ્યું કે મેવાડ રાજ પરિવાર ભગવાન રામના પુત્ર લવનો વંશજ છે. મેવાડના પૂર્વ રાજકુમાર લક્ષ્યરાજસિંહ મેવાડનું કહેવું છે કે કર્નલ જેમ્સ ટોડે પોતાનું પુસ્તક ‘એનલ્સ ઍન્ડ ઍન્ટિક્વિટીઝ ઑફ રાજસ્થાન’માં લખ્યું છે કે શ્રીરામની રાજધાની અયોધ્યા હતી અને તેમના પુત્ર લવે લવકોટ એટલે કે લાહોર વસાવ્યું હતું. લવના વંશજ બાદમાં ગુજરાતથી મેવાડ આવ્યા જ્યાં સિસોદિયા રાજ્યની સ્થાપના થઈ. મેવાડનું રાજપ્રતીક સૂર્ય છે. શ્રીરામ પણ શિવના ઉપાસક હતા અને મેવાડપરિવાર પણ ભગવાન શિવના ઉપાસક છે. આ મેવાડ આજે શ્રીરામના વંશજ હોવાને પ્રમાણીત કરે છે.

આ પણ વાંચો : હાફિઝ સઈદે ભારતમાં હુમલા કરવા માટે આતંકવાદી સંગઠનો સાથે હાથ મિલાવ્યા

કૉન્ગ્રેસના પ્રવક્તા સત્યેન્દ્રસિંહ રાઘવે પણ ભગવાન રામના વંશજ હોવા પર પોતાની દાવેદારી દર્શાવી છે. રાઘવે કહ્યું કે લવ અને કુશ રામ અને સીતાના જોડિયા પુત્ર હતા. કુશને દક્ષિણ કૌશલ એટલે કે છત્તીસગઢમાં અને લવનો ઉત્તર કૌશલમાં અભિષેક કરવામાં આવ્યો હતો. આના પ્રમાણમાં તેમણે વાલ્મીકિ રામાયણના પેજ-નંબર ૧૬૭૧નો ઉલ્લેખ કર્યો છે.

rajasthan national news