મધ્ય પ્રદેશમાં મસમોટા સેક્સ કાંડનો પર્દાફાશ

28 September, 2019 02:06 PM IST  |  ભોપાલ

મધ્ય પ્રદેશમાં મસમોટા સેક્સ કાંડનો પર્દાફાશ

પ્રતીકાત્મક તસવીર

ભોપાલ : મધ્ય પ્રદેશના ડઝનબંધ ટોચના અધિકારીઓ તથા આઠ ભૂતપૂર્વ મંત્રીઓની એક હાઇપ્રોફાઇલ બળજબરીપૂર્વક વસૂલાતના રેકેટ મામલે તપાસ ચાલી રહી છે. આ મામલામાં કમ્પ્યુટર અને મોબાઇલ ફોન દ્વારા પ્રાપ્ત કરાયેલી ૧,૦૦૦થી વધુ સેક્સ ચેટની ક્લિપ, વીડિયો અને ઓડિયોના પુરાવા માટે તપાસ હાથ ધરાઇ છે. હની ટ્રેપનું આ રેકેટ ધનવાન લોકોને નિશાન બનાવતું હતું. તેમના નિશાના પર રાજકારણીઓ અને અમલદારો રહેતા હતા. આ રેકેટમાં પાંચ મહિલાઓ સામેલ હતી, જેમાં કોંગ્રેસના એક ભૂતપૂર્વ આઇટી સેલના અધિકારીના પત્નીનો પણ સમાવેશ થાય છે. પોલીસના દરોડામાં સામે આવેલા ૨૦૦થી વધુ મોબાઇલ ફોનના સંપર્કોથી જાણવા મળ્યું છે કે આ રેકેટ મધ્ય પ્રદેશની બહાર પણ સક્રિય હતું.

એસઆઇટીનું સુકાન સંભાળી રહેલા સંજીવ શમીના જણાવ્યા પ્રમાણે, “આ આરોપીઓ સાથેની સાંઠગાંઠને પગલે ૧૦ વરિષ્ઠ અધિકારીઓની તપાસ ચાલી રહી છે.” તેમાં કથિત રીતે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોના નેતાઓ સામેલ છે. શું છે આ કૌભાંડ જાણીએ.
પાંચ મહિલાઓની ગેંગને ઝબ્બે કરવામાં આવી હતી. પોલીસે તેમની ઓળખ શ્વેતા જૈન (૩૯), સમાન નામ ધરાવતી શ્વેતા જૈન (૪૮), બરખા સોની (૩૫), આરતી દયાળ (૩૪) અને ૧૮ વર્ષની એક કોલેજની વિદ્યાર્થિની તરીકે કરી હતી. આરતી દયાળના ડ્રાઇવરની પણ ધરપકડ કરવામાં આવી છે.
બરખા સોની કોંગ્રેસ આઇટી સેલના ભૂતપૂર્વ અધિકારી અમિત સોનીની પત્ની છે.
ભાજપના ધારાસભ્ય બ્રિજેન્દ્ર સિંહનું ઘર ભાડે લઇને એનજીઓ ચલાવનારી શ્વેતા જૈન આ રેકેટની લીડર હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં રાજકારણીઓ સાથેના સંબંધો ઉપરાંત શ્વેતા મહારાષ્ટ્રના મરાઠવાડા પ્રદેશના એક વગદાર નેતા સાથે પણ ઘરોબો ધરાવતી હતી. એવું માનવામાં આવે છે કે તેણે મધ્ય પ્રદેશના એક ભૂતપૂર્વ મંત્રીની મદદથી રાજકારણીઓ સાથે સંબંધો વિકસાવ્યા હતા.
પૂછપરછના આધારે શ્વેતા જૈને કથિત રીતે જણાવ્યું છે કે, મધ્યમ વર્ગની તથા કોલેજ જનારી બે ડઝન છોકરીઓને આ રેકેટમાં સામેલ કરવામાં આવી હતી, જે ટોચના અધિકારીઓને અને રાજકારણીઓને લલચાવતી હતી. તેણે કથિત રીતે કબૂલ્યું છે કે, તેણે કોલેજની ઘણી વિદ્યાર્થીનીઓને નોકરી અપાવવાનું વચન આપીને ફોસલાવી હતી અને ઓડી કાર અને ફાઇવસ્ટાર હોટેલની વૈભવી જીવનશૈલીથી પ્રભાવિત કરી હતી.
પ્રત્યેક મહિલા કથિત રીતે પોતાની ગેંગ ચલાવી રહી હતી.
તેમાંથી એક ગેંગે તાજેતરમાં જ ટોચના આઇએએસ અધિકારીને ફસાવ્યો હતો. વિડિયો ડિલીટ કરવા માટે અધિકારી પાસેથી બે કરોડ રૂપિયાની માગણી કરી હતી.
ઇન્દોર નગર નિગમના અધિકારીએ આરતી દયાળ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી, ત્યાર બાદ આ ગેંગનો પર્દાફાશ થયો. આરતી દયાળે અધિકારી પાસેથી ત્રણ કરોડ રૂપિયા માગ્યા હતા.
જ્યારે આરતી વસૂલાતના ૫૦ લાખનો પહેલો હપ્તો લેવા માટે ઇન્દોર ગઇ, ત્યારે તેને પકડી લેવામાં આવી. તેની પૂછપરછના આધારે અન્ય આરોપીઓને પકડવામાં આવ્યાં.
આ ગેંગે ધનવાન લોકોને બ્લેકમેઇલ કરવા માટે ૧,૦૦૦ કરતાં વધારે વિડિયો ક્લિપ બનાવી છે. પોલીસે શ્વેતા જૈનના ઘરેથી લેપટોપ, મોબાઇલ ફોન તથા વિડિયોના પુરાવા જપ્ત કર્યા છે.

કેન્દ્રના પ્રધાનનો દીકરો અને ભોપાલના મોટા વેપારીઓ પણ આમાં સંડોવાયા છે

ભોપાલ : મધ્ય પ્રદેશના હની ટ્રૅપ કૌભાંડમાં કેન્દ્ર સરકારના એક પ્રધાનનો પુત્ર પણ સંડોવાયો હોવાનું અને એ પ્રધાને મોટી રકમ ચૂકવીને દીકરાનો છૂટકારો કરાવ્યો હોવાનું ચર્ચાય છે. એ કૌભાંડમાં ભોપાલના ન્યુ માર્કેટના ૧૦ વેપારી સહિત અનેક મોટા વેપારીઓ પણ સંડોવાયા હોવાનું કહેવાય છે.કેસની તપાસમાં પહેલેથી અનેક આઇપીએસ અને આઇએએસ અમલદારોના નામો ચર્ચાઈ રહ્યા છે.
કહેવાય છે કે હની ટ્રૅપ કૌભાંડમાં ભોપાલમાં રહેતી એક મહિલા કેન્દ્રના એક પ્રધાનના પુત્રનો વિડિયો બનાવીને એને બ્લૅક મેઇલ કરતી હતી. એ બ્લૅક મેઇલર મહિલાઓ પાસેથી જપ્ત કરવામાં આવેલા ઇલેક્ટ્રોનિક સાધનમાંથી પ્રધાન પુત્રનો અશ્લીલ વિડિયો મળ્યો હતો. આ કેસ માટેની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમને મોબાઇલ ફોન્સની કૉલ ડિટેઇલ્સમાં ઘણા વેપારીઔઓના ફોન નંબર્સ મળ્યા છે.
તપાસ અધિકારીઓ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર હની ટ્રૅપ ગૅન્ગની આરોપી મહિલાઓએ ટ્રેનોના પ્રવાસમાં અનેક પુરુષોના વિડિયો બનાવ્યા હતા.એમના ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં મળેલા વિડિયો ક્લિપ્સ દિલ્હી અને મુંબઈ ઉપરાંત હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢની હોટલોમાં બનાવેલા હતા. સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે વિડિયો ક્લિપ્સ ફોરેન્સિક તપાસ માટે મોકલી છે.

કૉંગ્રેસી નેતા માનક અગરવાલના આકરા પ્રહારો : સંઘના લોકો લગ્ન નથી કરતા, મોહન ભાગવત પણ પરણી જાય

ભોપાલ : (જી.એન.એસ.) મધ્ય પ્રદેશના બહુચર્ચિત હનીટ્રેપ કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ કેસમાં રાજ્યના એક ડઝન મોટા અધિકારીઓ અને ૮ ભૂતપૂર્વ પ્રધાનોની પણ તપાસ કરવામાં આવી રહી છે. હવે કૉન્ગ્રેસી નેતા માનક અગ્રવાલે બીજેપી અને આરએસએસ પર નિશાન સાધતા શુક્રવારે કહ્યું કે એસઆઇટી તપાસ કરી રહી છે. આ બધું શિવરાજજીના સમયથી શરૂ થયું. આમાં મોટી સંખ્યામાં બીજેપીના નેતા સામેલ છે. આ હવે ૫-૬ રાજ્યો સુધી ફેલાઈ ગયું છે. માનક અગ્રવાલે આરએસએસને નિશાન બનાવતા કહ્યું કે આનું એક સૌથી મોટું કારણ એ છે કે આરએસએસના લોકો લગ્ન નથી કરતા. આરએસએસના લોકોએ લગ્ન કરવા જોઈએ. મોહન ભાગવતે પણ લગ્ન કરવા જોઈએ.
દેશનું સૌથી મોટું બ્લેક-મેઇલિંગ સેક્સ સ્કેન્ડલ કહેવાતા આ કેસ સાથે જોડાયેલી ૪૦૦૦ ફાઈલો તપાસ એજન્સીઓને મળી ચૂકી છે અને ફાઈલોના મળવાનો સિલસિલો હજી ચાલુ છે.

bhopal Crime News sexual crime