બિહારમાં જૂનિયર એન્જિનિયર્સની પરીક્ષામાં સની લિયોનીએ કર્યું ટોપ?

20 February, 2019 05:51 PM IST  |  પટના, બિહાર

બિહારમાં જૂનિયર એન્જિનિયર્સની પરીક્ષામાં સની લિયોનીએ કર્યું ટોપ?

સની લિયોની (ફાઇલ ફોટો)

બિહારમાં હવે સની લિયોની જૂનિયર એન્જિનિયરની નોકરી કરશે. આ સાંભળીને તમને આશ્ચર્ય થશે, પરંતુ આ એકદમ સાચા સમાચાર છે. એવું એટલા માટે કે પીએચડીઇ વિભાગમાં જૂનિયર એન્જિનિયર માટે કાઢવામાં આવેલી વેકેન્સી માટે કરવામાં આવેલી અરજીમાં મેરિટ લિસ્ટમાં સની લિયોનીનું નામ સૌથી ટોપ પર છે.

હકીકતમાં બિહારમાં જૂનિયર એન્જિનિયરના મેરિટ લિસ્ટમાં સની લિયોની નામની વિદ્યાર્થિની પહેલા નંબરે આવી છે. મેરિટ લિસ્ટનું માનીએ તો તેણે પરીક્ષામાં 98.5 ટકાનો સ્કોર કર્યો છે અને એજ્યુકેશન પોઇન્ટમાં 73.50 અંક મળ્યા છે. એક્સપિરિયન્સ પોઇન્ટના રૂપમાં 25 નંબર મળ્યા છે. પરિણામે તે રિઝલ્ટના મેરિટ લિસ્ટમાં ટોપ પર છે.

આ વિશે બિહાર સરકારમાં મંત્રી વિનોદ નારાયણ ઝાએ કહ્યું કે વિભાગમાં સની લિયોનીના નામ પર અરજી આપવી આ કોઈ તોફાની તત્વની કરતૂત છે અને આ મામલાને વિભાગ ચકાસી રહ્યો છે. કોઇ ગરબડ થઈ તો કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે જૂનિયર એન્જિનિયર માટે ઘણા લોકોએ અરજી મોકલી હતી.

તો હવે એ પણ જાણી લો કે આ બોલિવુડની અભિનેત્રી સની લિયોની નહીં, પરંતુ 13 મે, 1991ના રોજ જન્મેલી સની લિયોન નામની મહિલા વિદ્યાર્થિની છે, જેનું એપ્લિકેશન આઇડી જેઇસી/0031211 છે અને તેના પિતાનું નામ લિયોના લિયોન લખ્યું છે.

બિહાર જૂનિયર એન્જિનિયર્સનું મેરિટ લિસ્ટ

જોકે આ નામ સાચું છે કે નહીં તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. કારણકે મેરિટ લિસ્ટમાં ત્રીજા નંબર પર BVCXZ નામનો એક વિદ્યાર્થી છે, જેણે 92.89 ટકાનો સ્કોર કર્યો છે. જોકે પીએચઇડી વિભાગનું કહેવું છે કે આ લિસ્ટ પર દાવો અને વાંધો ઉઠાવવા માટે 24 ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે.

આ દાવો અને વાંધો રજૂ થયા પછી લિસ્ટને એક વાર ફરીથી જાહેર કરવામાં આવશે અને છેલ્લા લિસ્ટમાં રજિસ્ટર્ડ કેન્ડિડેટને સર્ટિફિકેટ વેરિફિકેશન માટે બોલાવીને તેમને છેલ્લા તબક્કામાં સિલેક્ટ કરવામાં આવશે.

જોકે વિભાગના સંયુક્ત સચિવ અશોક કુમારે કહ્યું કે ખોટા નામથી રજિસ્ટ્રેશન કરીને અરજી કરવી એ ઓનલાઈન અરજી પ્રક્રિયાની સુવિધાનો દુરુપયોગ છે. તેમનું કહેવું છે કે તે તમામ સર્ટિફિકેટ વેરિફિકેશનમાં નહીં આવે, ત્યારબાદ નકલી ડેટા એન્ટ્રી કરવાવાળાઓ પર કાર્યવાહી પર પણ વિચાર કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો: અયોધ્યા કેસમાં સુનાવણીની તારીખ નક્કી, પાછા ફર્યા જસ્ટિસ બોબડે

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ 214 સિવિલ એન્જિનિયરની પોસ્ટ્સ માટે કોન્ટ્રાક્ટ પર આ વેકેન્સી કાઢવામાં આવી હતી, જેમાં જૂનિયર એન્જિનિયર્સ પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. તેની મેરિટ લિસ્ટ 15 ફેબ્રુઆરીના રોજ બહાર પાડવામાં આવી હતી અને ત્યારબાદ આ વાત સામે આવી હતી.

bihar sunny leone