જાણો આસામના બોગિબિલ બ્રિજની ખાસિયતો, થયો છે 5800 કરોડનો ખર્ચ

25 December, 2018 12:39 PM IST  |  Assam

જાણો આસામના બોગિબિલ બ્રિજની ખાસિયતો, થયો છે 5800 કરોડનો ખર્ચ

આ બ્રિજના લીધે ચીનની સરહદ સુધી પહોંચવું પણ બનશે સરળ. (ફાઇલ)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામનાં દિબ્રુગઢમાં બ્રહ્મપુત્ર નદીનાં ઉત્તર અને દક્ષિણ કિનારાને જોડનારા દેશનાં સૌથી લાંબા પુલનું ઉદ્ધાટન કરશે. આ પુલની લંબાઈ 4.94 કિમી છે. સરકાર જનતાને ગુડ ગવર્નન્સ દિવસની ઉજવણી સ્વરૂપે અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે આ પુલની ભેટ આપી રહી છે. ત્યારે અમે તમને જણાવી રહ્યા છે આ પુલની ખાસિયતો અને તેને બનાવવામાં આવેલી અડચણો વિશે.

5800 કરોડના ખર્ચે તૈયાર થયો બ્રિજ

ચીફ એન્જિનિયર મોહિંદર સિંહે જણાવ્યું કે ડિબ્રુગઢ શહેરથી 17 કિલોમીટરના અંતરે બ્રહ્મપુત્રા નદી પર બનેલા બોગિબિલ બ્રિજનો અંદાજિત ખર્ચ 5800 કરોડ રૂપિયા છે. આ પુલનું નિર્માણ આધુનિક ટેક્નોલોજીથી કરવામાં આવ્યું છે. તેના બની જવાથી બ્રહ્મપુત્રાના દક્ષિણી અને ઉત્તર કિનારાઓ પર આવેલી રેલવે લાઇન્સનું જોડાણ થશે. પુલની સાથે બ્રહ્મપુત્રાના દક્ષિણ કિનારે આવેલું ધમાલ ગામ અને તંગની રેલવે સ્ટેશન પણ તૈયાર થઈ ચૂક્યાં છે.

ઘણી અડચણો પછી પૂરો થયો આ પુલ

છેલ્લાં 21 વર્ષોમાં આ પુલનું બાંધકામ પૂરું કરવા માટે ઘણીવાર સમયમર્યાદા નક્કી કરવામાં આવી, પરંતુ અપૂરતું ફંડ, ટેક્નીકલ મુશ્કેલીઓને કારણે કામ પૂરું ન થઈ શક્યું. ઘણીવાર નિષ્ફળ થયા પછી આખરે એક વર્ષના એક ડિસેમ્બરના રોજ પહેલી માલગાડી આ પુલ પરથી પસાર થવાની સાથે નિર્માણકાર્ય પૂર્ણ જાહેર કરવામાં આવ્યું. ત્રણ લેનનો રસ્તો અને બે રેલવે ટ્રેક વાળા આ પુલના નિર્માણથી અરૂણાચલપ્રદેશમાં ચીન પાસે આવેલી સરહદ સુધી પહોંચવું સરળ બની જશે. તેના કારણે શસ્ત્ર-સરંજામ પહોંચાડવામાં પણ સરળતા રહેશે.

રેલ, રોડનું અંતર થશે ઓછું

આ પુલ બનવાથી ડિબ્રુગઢ અને અરૂણાચલપ્રદેશ વચ્ચે રેલવેનું અંતર 500 કિલોમીટર ઘટીને 400 કિલોમીટર થઈ જશે. જ્યારે ઇટાનગર માટે રોડનું અંતર 150 કિલોમીટર જેટલું ઓછું થઈ જશે. આ પુલની સાથે ઘણા કનેક્ટિંગ રસ્તાઓ તેમજ લિંક લાઇન્સનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. તેમાં બ્રહ્મપુત્રાના ઉત્તર કિનારા પર ટ્રાન્સ અરૂણાચલ હાઇવે અને મુખ્ય નદી અને તેની સહાયક નદીઓ જેવીકે દિબાંગ, લોહિત, સુબનસિરી અને કામેંગ પર નવી સડકો તથા રેલ લિંકનું નિર્માણ પણ સામેલ છે.

દિલ્હીથી વધશે રેલ કનેક્ટિવિટી

તિનસુકિયાના ડિવિઝનલ મેનેજર શુભમકુમારના જણાવ્યા પ્રમાણે, આ પુલના બનવાથી દિલ્હીથી ડિબ્રુગઢનું રેલવેનું અંતર ત્રણ કલાક ઓછું થઈ જશે. હવે ટ્રેન ડિબ્રુગઢથી ગુવાહાટી થઈને નાહરલગુન (અરૂણાચલ) પહોંચાડશે. વધુ ટ્રેન ચાલી શકશે. હવે દિલ્હીથી નાહરલગુન વીકલી ટ્રેન ચાલે છે.

assam narendra modi