પુલવામા આતંકી હુમલો: શહીદ ભાગીરથ સિંહના પરિવારની રગોમાં વહે છે દેશભક્તિ

19 February, 2019 06:32 PM IST  |  નેશનલ ડેસ્ક

પુલવામા આતંકી હુમલો: શહીદ ભાગીરથ સિંહના પરિવારની રગોમાં વહે છે દેશભક્તિ

શહીદ ભાગીરથ

પુલવામા આતંકી હુમલામાં શહીદ થનારા 40 સીઆરપીએફ જવાનોમાંથી પાંચ રાજસ્થાનના છે. તેમાંથી એક છે ધૌલપુરમાં આવેલા જૈતપુરના વીર સપૂત ભાગીરથ સિંહ. શહીદ થવાના બે દિવસ પહેલા જ તેમણે ફોન પર પોતાના પિતા પરસરામ સાથે વાત કરીને વચન આપ્યું હતું કે તેઓ ટુંક સમયમાં ઘરે આવશે. તેના ત્રણ દિવસ પછી જ તેઓ ઘરે પરત ફર્યા પરંતુ ત્રિરંગામાં લપેટાઈને.

ભાગીરથના આખા પરિવારમાં દેશભક્તિ લોહી બનીને રગોમાં દોડે છે. ભાગીરથ સીઆરપીએફની 45મી બટાલિયનમાં છ વર્ષથી નોકરી કરી રહ્યા હતા, ત્યારે તેમનો નાનો ભાઈ બલવીર યુપી પોલીસમાં તહેનાત છે. તે પણ પોતાના મોટાભાઈની જેમ સરહદ પર જઈને દેશની સેવા કરવા માંગતો હતો. તે સેનામાં ભરતી થવા માંગતો હતો પરંતુ એવું થઈ ન શક્યું. ત્યારબાદ તેણે વર્દી પહેરવા માટે પોલીસની નોકરી કરી લીધી.

ચાર વર્ષ પહેલા થયા હતા લગ્ન

ભાગીરથ સિંહના ચાર વર્ષ પહેલા ઉત્તરપ્રદેશના પિનાહટ બ્લોકના ગામ મલ્લાપુરામાં લગ્ન થયા હતા. તેમની પત્નીનું નામ રંજનાદેવી છે. ભાગીરથસિંહના બે બાળકો છે. ત્રણ વર્ષનો એક દીકરો વિનય છે અને દોઢ વર્ષની એક દીકરી શિવાંગી છે. તેમની શહાદત પછીથી આખો પરિવાર ઊંડા આઘાતમાં છે.

ત્રણ વર્ષના માસૂમે આપ્યો મુખાગ્નિ

શનિવારે ધૌલપુરમાં શહીદ ભાગીરથ સિંહનો પાર્થિવ દેહ તેમના ઘરે પહોંચ્યો. આ દરમિયાન તેમના અંતિમ દર્શન અને અંતિમયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. આ દરમિયાન લોકોએ તેમના માટે જોરદાર નારાઓ લગાવ્યા. લોકોએ ભારતમાતાની જય અને પાકિસ્તાન મુર્દાબાદના પણ નારા લગાવ્યા. આખી ભીડ ત્યારે આંસૂઓમાં ડૂબી ગઈ જ્યારે ભાગીરથના ત્રણ વર્ષના દીકરાએ તેમને મુખાગ્નિ આપ્યો.

આ પણ વાંચો: 18 મહિનામાં રિટાયર થવાના હતા શહીદ હેમરાજ મીણા

એક મહિનાની રજા પછી ત્રણ દિવસ પહેલા જ ડ્યૂટી પર પાછા ફર્યા હતા

શહીદ ભાગીરથ સિંહ 17 જાન્યુઆરીથી રજા પર હતા. 10 ફેબ્રુઆરીના રોજ રજા પૂરી કરીને તેઓ ઘરેથી નીકળ્યા હતા અને 11 ફેબ્રુઆરીના રોજ તેમણે ડ્યુટી જોઈન કરી હતી. ઘરે જતા પહેલા તેમણે પત્ની અને વૃદ્ધ પિતાને વચન આપ્યું હતું કે તેઓ જલ્દી પાછા ફરશે. ભાગીરથ 4 વર્ષના હતા ત્યારે માતાની છત્રછાયા તેમણે ગુમાવી હતી.

pulwama district terror attack jammu and kashmir