૧૬મીએ કેજરીવાલની તાજપોશી: ઉપરાજ્યપાલે આપ્યું આમંત્રણ

13 February, 2020 04:03 PM IST  |  Mumbai Desk

૧૬મીએ કેજરીવાલની તાજપોશી: ઉપરાજ્યપાલે આપ્યું આમંત્રણ

૧૬, ઑગસ્ટ ૧૯૬૮ના રોજ જન્મેલા ૫૧ વર્ષના અરવિંદ કેજરીવાલ ૧૬ ફેબ્રુઆરીના રોજ સતત ત્રીજી વાર દિલ્હીની બાગડોર સંભાળશે. દિલ્હીના રામલીલા મેદાન પર આયોજિત શપથવિધિ સમારોહમાં તેમની સાથે કેટલાક પ્રધાનો પણ હોદ્દો અને ગુપ્તતાના શપથગ્રહણ કરે તેમ છે. દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ દ્વારા કેજરીવાલને સરકાર રચવાનું સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું છે. કેજરીવાલના શપથગ્રહણ સમારોહમાં વિપક્ષના કેટલાક મુખ્ય પ્રધાન અને નેતાઓ પણ હાજર રહીને વિપક્ષી એક્તાનો સંદેશો આપી શકે છે. વહીવટીતંત્ર દ્વારા સમારોહની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આપ પાર્ટીના અનેક ધારાસભ્યોએ વેલેન્ટાઇન ડે ૧૪ ફેબ્રુઆરીએ શપથ ગ્રહણનું સૂચન કર્યું હતું, પરંતુ છેવટે ૧૬ ફેબ્રુઆરી પર સહમતી સધાઈ હતી.

૮મીએ યોજાયેલી દિલ્હી વિધાનસભાની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ૭૦માંથી ૬૨ બેઠકો સાથે જંગી બહુમતી મેળવનાર આપ પાર્ટીની નેતા અરવિંદ કેજરીવાલે આજે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે સત્તાવાર મુલાકાત કરીને બહુમતી દર્શાવીને સરકાર રચવા માટેના આમંત્રણ અંગે રજૂઆત કરી હતી. આ બેઠક બાદ જાહેર થયા પ્રમાણે કેજરીવાલ ૧૬ ફેબ્રુઆરીના રોજ રામલીલા મેદાન પર આયોજિત કાર્યક્રમમાં સતત ત્રીજી વાર સીએમ પદના શપથ ગ્રહણ કરશે. ગઈ વખતે ૨૦૧૫માં પણ તેમણે રામલીલા મેદાન પર જ શપથગ્રહણ કર્યા હતા. દિલ્હી વિધાનસભા ચૂંટણી-૨૦૨૦માં બીજેપીને પરાસ્ત કરનાર અને ભારે બહુમતી સાથે જીતનાર આપ પાર્ટીના ધારાસભ્યોની એક બેઠક આજે યોજાઈ હતી જેમાં કેજરીવાલ સંસદીય પક્ષના નેતા તરીકે જાહેર થયા હતા.

arvind kejriwal national news