ગુજરાત કોંગ્રેસમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ, અમિત ચાવડા સામે થઈ શકે બળવો

04 February, 2019 03:33 PM IST  | 

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ, અમિત ચાવડા સામે થઈ શકે બળવો

અમિત ચાવડાની નેતાગીરીના કારણે કોંગ્રેસમાંથી નેતાઓ રાજીનામાં

લોકસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાત કોંગ્રેસમાં આંતરિક અસંતોષનો માહોલ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી વચ્ચે ચાલી રહેલા શીત યુદ્ધના કારણે પ્રદેશ કોંગ્રેસમાં અસંતોષનો માહોલ સર્જાયો છે. પહેલા અલ્પેશ ઠાકોરની નારાજગી સામે આવી હતી, બાદમાં ઉંઝાના ધારસભ્ય આશાબહેન પટેલે રાજીનામાને કારણે કોંગ્રેસનો આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે.

અમિત ચાવડા અને પરેશ ધાનાણી વચ્ચેના શીતયુદ્ધને કારણે પક્ષના ધારાસભ્યો, આગેવાનો અને કાર્યકરો પાર્ટીથી ભારે નારાજ જોવા મળી રહ્યા છે. જેના કારણે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સામે બળવો થાય તેવી શક્યાતાઓ પક્ષના આંતરિક સૂત્રો દર્શાવી રહ્યા છે. આ બાબતે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ પણ સતર્ક થયા છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અમિત ચાવડાની નેતાગીરીના કારણે કોંગ્રેસમાંથી નેતાઓ રાજીનામાં આપી રહ્યાં છે. એવી પણ ચર્ચા છે કે પ્રમુખ અમિત ચાવડા પાર્ટીમાં લેવાતા નિર્ણયોમાં જોહુકમી કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ કોંગ્રેસના પૂર્વ MLA આશાબહેન પટેલે વિરોધપક્ષના નેતા ધાનાણી સાથે સમાધાન મિટીંગમાં અમિત ચાવડાના ખાસ એવા કિર્તીસિંહ ઝાલાએ જોહુકમી કરી હોવાના આક્ષેપો લગાવ્યા છે.

 

આ પણ વાંચો: બમન ઈરાનીએ લૉન્ચ કરી gujaratimidday.com વેબસાઈટ

 

કોંગ્રેસના ધારાસભ્યો આ બાબતે ગુપ્ત મીટિંગો પણ કરતા હોવાના સમાચાર પણ આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરો દ્વારા અસંતોષના સૂર ઉઠી રહ્યાં છે. ગયા સપ્તાહે રાજીવ સાતવના ગુજરાત પ્રવાસ દરમિયાન ધારાસભ્યો અને કાર્યકરો દ્વારા અસંતોષ રજૂ કરવામાં આવ્યો હતો.