55 મિનિટની ફ્લાઇટ માટે ઇન્ડિગોના પ્રવાસીઓની અઢી કલાકથી વધુ પ્રતીક્ષા

02 November, 2019 02:14 PM IST  |  મુંબઈ ડેસ્ક | ગૌરવ સરકાર

55 મિનિટની ફ્લાઇટ માટે ઇન્ડિગોના પ્રવાસીઓની અઢી કલાકથી વધુ પ્રતીક્ષા

મુંબઇઃ ગયા બુધવારે ઇન્ડિગો ઍરલાઇન્સની મુંબઈ અને ગોવા વચ્ચે પંચાવન મિનિટની ફ્લાઇટ માટે મુસાફરોને ૨.૪૦ કલાકની પ્રતીક્ષા કરવાની ફરજ પડી હતી. પ્રવાસીઓ સવા કલાક વિમાનની અંદર ઍરકન્ડિશનિંગ વગર બેસી રહ્યા હતા. ત્યાર પછી વિમાન ખોટકાયું હોવાનું સમજાતાં એન્જિનિયર્સ રિપેરિંગમાં જોતરાયા ત્યારે લોકોને ઍરપોર્ટની બે બસમાં બેસી રહેવાની ફરજ પડી હતી. 

સવારે ૧૧.૨૦ વાગ્યાની ફ્લાઇટ ક્યારે રવાના થશે એની કોઈ ખબર વગર પરસેવે રેબઝેબ મુસાફરો માટે હાર જોવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. છેવટે બપોરે ૧.૪૮ વાગ્યે ફ્લાઇટ રવાના થઈ ત્યારે સૌને રાહત થઈ હતી. ઇન્ડિગોની ફ્લાઇટ નંબર ૬-ઈ ૧૭૯ના મુસાફર જપાનમાં કાર્યરત ૫૩ વર્ષના બ્રિટિશ પત્રકાર માર્ક ઑસ્ટિને જણાવ્યું હતું કે ‘પહેલાં ૧૧.૨૦ વાગ્યાની ફ્લાઇટની રવાનગી ૧૧.૫૦ વાગ્યા પર મુલતવી રાખવામાં આવી હોવાનું બોર્ડિંગ ગેટ પાસેના ફ્લાઇટ ઇન્ફર્મેશન ડિસ્પ્લે બોર્ડ પર જણાવવામાં આવ્યું, પરંતુ મુસાફરોએ લગભગ બાર વાગ્યાની આસપાસ ફ્લાઇટમાં બોર્ડિંગ શરૂ કર્યું હતું. અમે લગભગ ૭૫ મિનિટ સુધી વિમાનની અંદર પડી રહ્યા. અતિશય ગરમીમાં ખૂબ બેચેની થતી હતી. અગાઉ ફ્લાઇટ કૅપ્ટને અમને કહ્યું હતું કે કોઈ ટેક્નિકલ ખામી પેદા થઈ હોવાથી રિપેરિંગ ચાલે છે. ૭૫ મિનિટ પછી એન્જિનિયર પણ બહાર આવ્યો ત્યારે એની કૅપ્ટન સાથે બોલાચાલી થઈ હતી. ત્યાર પછી ઊભી થયેલી સમસ્યાની જવાબદારી એન્જિનિયરે લીધી અને કૅપ્ટને માફી માગ્યા પછી પ્રવાસીઓને પાછા બોર્ડિંગ ગેટ સુધી લઈ જવામાં આવ્યા હતા. મુસાફરોને ઍરપોર્ટની બે બસોમાં બેસાડી રાખવામાં આવ્યા. બસમાં પોણો કલાક બેસી રહ્યા પછી રિપેરિંગ થઈ ગયું હોવાનું જાણવા મળતાં લગભગ બે વાગ્યે ફ્લાઇટ રવાના થઈ હતી. ઇન્ડિગો ઍરલાઇનના પ્રવક્તાએ આ ઘટના બની હોવાનું સ્વીકાર્યું હતું.

indigo travel news