પીઓકેમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઇક ૩.૦

21 October, 2019 10:12 AM IST  |  શ્રીનગર

પીઓકેમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઇક ૩.૦

 ભારતીય સેનાએ પીઓકેમાં તંગધાર સેક્ટર પાસે આતંકવાદીઓના અડ્ડાઓ પર મોટી કાર્યવાહી કરી છે. સેનાએ પીઓકેમાં આવેલા આતંકવાદીઓના અડ્ડાને નિશાન બનાવ્યા હતા. આ મામલે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે સેનાઅધ્યક્ષ જનરલ બિપિન રાવત સાથે વાતચીત કરી છે. ભારતીય સેનાની કાર્યવાહીમાં લશ્કરના આતંકવાદીઓના કૅમ્પ નાશ થયા છે.

ભારતીય સેનાએ બાવીસ જેટલા આતંકવાદીને ઠાર કર્યા છે. ૧૧ જેટલા પાકિસ્તાની સેનાના જવાનોને ઠાર કરવામાં આવ્યા છે. સેનાએ સાત જેટલા કૅમ્પ પર કાર્યવાહી કરી છે. સેનાએ આર્ટિલરી ગનનો ઉપયોગ કરી આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો છે. પાકિસ્તાન સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે.
પાકિસ્તાન ફાયરિંગની આડમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવે છે. એના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. આ પહેલાં પણ ભારતીય સેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી કૅમ્પ પર ઍર સ્ટ્રાઇક કરી હતી જેમાં આતંકવાદીઓનો ખાતમો બોલાવવામાં આવ્યો હતો. ફરી વાર ભારતીય સેનાએ પીઓકેમાં આવેલા આતંકવાદી કૅમ્પનો ખાતમો બોલાવ્યો છે.
ભારતીય સેનાએ જે આર્ટિલરી ગનનો ઉપયોગ પીઓકેમાં કર્યો છે. એની રેન્જ ૩૮ કિલોમીટર છે. આર્ટિલરી ગન કોઈ પણ વિસ્તારમાં દુશ્મન પર અચૂક નિશાન સાધવામાં સક્ષમ છે. આર્ટિલરી એક મિનિટમાં ૬ રાઉન્ડ ફાયરિંગ કરી શકે છે.
આપને જણાવી દઈએ કે તંગધાર સેક્ટરમાં જ પાકિસ્તાને આજે સવારે સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું એમાં જાનમાલને ખૂબ નુકસાન થયું છે. એક સામાન્ય નાગરિકનું પણ મોત થયું છે અને બીજા ત્રણ ઘાયલ થયા છે. કેટલાંય ઘર પણ પાકિસ્તાનના ગોળીબારમાં ક્ષતિગ્રસ્ત થયાં.
મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાન દ્વારા કરાયેલી નાપાક હરકત બાદ ભારતીય સેનાએ પાડોશી દેશને યોગ્ય જવાબ આપ્યો છે. શહીદોના શહાદતના માત્ર બે કલાકમાં જ ભારતીય સેનાએ દુશ્મન દેશને ધોળે દિવસે તારા દેખાડી દીધા છે. આર્ટિલરી ગન દ્વારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પેઓકે)માં ગોળીબાર ચાલુ છે. પીઓકેસ્થિત આતંકવાદી ઠેકાણાંઓને નષ્ટ કરાયાં છે. આ ઠેકાણાંઓમાં હાજર આતંકવાદીઓને ભારત મોકલવાની તૈયારી હતી.
જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના તંગધાર સેક્ટરમાં રવિવાર સવારે પાકિસ્તાને ઘૂસણખોરોને ભારતીય સરહદમાં મોકલવાની કોશિશ દરમ્યાન સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાનના ગોળીબારમાં ભારતના બે સૈનિક શહીદ થઈ ગયા હતા, જ્યારે એક સામાન્ય નાગરિકનું મોત થયું છે. પાકિસ્તાનની આ કાયરતાભરી હરકતમાં એક મકાન અને એક ચોખાનું ગોડાઉન નષ્ટ થઈ ગયું. તો બીજી બાજુ બે કાર અને બે ગૌશાળાને નુકસાન પહોંચ્યું છે. બન્ને ગૌશાળામાં ૧૯ ઘેટાં-બકરાં હતાં.

પાકિસ્તાનને થયેલા નુકસાનની આકારણી ચાલી રહી છેઃ સેના

સેનાએ એક નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાને તંગધાર સેક્ટરમાં સીઝ-ફાયરનું ઉલ્લંઘન કર્યું. ભારતીય સૈનિકોએ પ્રભાવિત રીતે જવાબી કાર્યવાહી કરી અને પાકિસ્તાનમાં જાનમાલને ભારે નુકસાન થયું છે. ભારત તરફથી જવાબી ગોળીબાર ચાલુ છે. સૈન્ય અધિકારીઓએ કહ્યું કે એક બાજુ નુકસાનની સાચી આકારણી કરાઈ રહી છે.

national news