લોકોને સારી સેવા જોઈતી હોય તો તેમણે ટોલ ભરવો પડશેઃ નીતિન ગડકરી

17 July, 2019 09:07 AM IST  |  નવી દિલ્હી

લોકોને સારી સેવા જોઈતી હોય તો તેમણે ટોલ ભરવો પડશેઃ નીતિન ગડકરી

નીતિન ગડકરી

તમે દિલ્હીથી મુંબઈ માત્ર ૧૨ કલાકમાં જ પહોંચી જશો અને આ સપનું નથી હકીકતમાં થવાનું છે. યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ લોકસભા સભ્યોને આ આશ્વાસન આપ્યું. તેમણે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે અંગે વિસ્તારથી જણાવતા કહ્યું કે આનાથી બે મહાનગરો વચ્ચેનું અંતર ૧૨૦ કિલોમીટરથી પણ ઓછું થઈ જશે. રોડ ટ્રાન્સપોર્ટ પ્રધાને લોકસભામાં કહ્યું કે આ ગ્રીન હાઇવેના ૬૦ ટકા કોન્ટ્રાક્ટની ફાળવણી થઈ ચૂકી છે. આથી અઢીથી ત્રણ વર્ષ બાદ ૧૨ કલાકમાં દિલ્હીથી મુંબઈ જવું શકય થઈ જશે. ગડકરીએ કહ્યું કે જનતાને સારા રસ્તા જોઈએ છે તો ટોલ ચૂકવવો જ પડશે. ગડકરીએ મંગળવારે લોકસભામાં એક સવાલના જવાબમાં કહ્યું કે ટોલ જીવનભર બંધ ન થઈ શકે, તે ઘટી કે વધી શકે છે.

ગડકરીએ કહ્યું કે દિલ્હી-મુંબઈ માર્ગ દેશભરમાં તૈયાર થઈ રહેલા ગ્રીન એક્સપ્રેસ હાઇવે નેટવર્કનો જ એક ભાગ છે. આ ગુડગાંવથી શરૂ થઈને સવાઇ માધોપુર, અલવર, રતલામ, ઝાંબુઆ, વડોદરા થઈને મુંબઈ જશે. તેમણે કહ્યું કે મંત્રાલયે આ પ્રોજેક્ટ પર માત્ર જમીન અધિગ્રહણમાં ૧૬,૦૦૦ કરોડ રૂપિયાની બચત કરી છે. તેમણે કહ્યું કે જો દિલ્હી, અમદાવાદ, વડોદરાથી મુંબઈના હાલના હાઇવેના કિનારા-કિનારા ગ્રીન એક્સપ્રેસવે બનાવવામાં આવત તો જમીન અધિગ્રહણ ઉપર ૬ કરોડ રૂપિયા એક હેકટરના દરથી ખર્ચ કરવા પડત. આથી અમે હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના પછાત વિસ્તારોનો રસ્તો કાઢ્યો, જ્યાં જમીન સસ્તામાં મળી ગઈ. આ પહેલો ગ્રીન હાઇવે છે જે આદિવાસી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો છે.

પાંચ ગણો ઓછો થઈ જશે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ

તેમણે કહ્યું કે આનાથી દિલ્હીથી મુંબઈની ટ્રાન્સપોર્ટ કોસ્ટ ખૂબ જ ઘટી જશે. આજે ૮૫ રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ અને ૬૫ રૂપિયા પ્રતિ લીટર ડીઝલ છે, ત્યાં ૧૨ થી ૧૫ રૂપિયાની વીજળી લાગશે. ટ્રક ૨૦ કિલોમીટર વીજળીથી ચાલશે અને આ દરમ્યાન તેની બેટરી ચાર્જ થતી રહેશે. પછી બેટરીથી ચાલશે અને પછી કરંટ લેશે. તેમણે કહ્યું કે દિલ્હી-મુંબઈ ગ્રીન હાઇવેની બાજુમાં લોજિસ્ટિક્સ પાર્ક પણ બનાવી રહ્યા છે.

આ પણ વાંચો : કર-નાટકઃ બળવાખોર ધારાસભ્યો મુદ્દે સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપશે

તૈયાર થઈ રહ્યું છે નવા ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરઃ ગડકરી

ગડકરીએ તેને નવા ભારતના ઈન્ફ્રાસ્ટ્રકચરની વડા પ્રધાનની વિચારણા પ્રમાણે ગણાવ્યું. તેમણે કહ્યું કે મોદી સરકારના પહેલા કાર્યકાળમાં અંદાજે ૪૦,૦૦૦ કિલોમીટરના રસ્તાનું નિર્માણ થયું અને વૈશ્વિક સ્તરના હાઇવે નેટવર્ક તૈયાર કરવા પર ૪ લાખ ૩૧ હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરાયો. આ યુપીએ બેના પાંચ વર્ષની સરખામણીમાં વધુ છે. ગડકરીએ કહ્યું કે માત્ર તેમના મંત્રાલયે છેલ્લાં પાંચ વર્ષમાં જીડીપીમાં અઢીથી ત્રણ ટકાનું યોગદાન આપ્યું છે.

nitin gadkari national news