જૂનું વાહન સ્ક્રેપ કરશો તો નવા વાહનની ખરીદ સમયે થશે આ લાભ, જાણો વિગત

18 August, 2021 02:33 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

જૂના વાહનને સ્ક્રેપ કર્યા બાદ નવા વાહનોની ખરીદી પર રાજ્યોએ રોડ ટેક્સ 25 ટકા સુધી ફરજિયાતપણે ઘટાડવો પડશે.

નિતિન ગડકરી. ફાઇલ ફોટો

કેન્દ્ર સરકારે રાજ્યોને રોડ ટેક્સ ઘટાડવા સંબોધિત કર્યા છે જેથી લોકોને તેમના જૂના વાહનોને સ્ક્રેપ કરવા પ્રોત્સાહિત કરી શકાય, તેવી માહિતી પત્રકાર પરિષદમાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ આપી છે. તેમણે કહ્યું કે જૂના વાહનને સ્ક્રેપ કર્યા બાદ નવા વાહનોની ખરીદી પર રાજ્યોએ રોડ ટેક્સ 25 ટકા સુધી ફરજિયાતપણે ઘટાડવો પડશે.

રાજ્યો ડિસ્કાઉન્ટની ટકાવારી નક્કી કરવા માટે સ્વતંત્ર રહેશે, પરંતુ ડિસ્કાઉન્ટની ઉપલી મર્યાદા કેન્દ્ર સરકારે નક્કી કરી છે. એક અધિકારીએ ઉમેર્યું હતું કે, અંતિમ નિયમો જે ટૂંક સમયમાં જાહેર થશે, તે મુજબ કેન્દ્ર સરકારે હવે રાજ્યોને વ્યક્તિગત વાહનો માટે 25 ટકા સુધીનો રોડ ટેક્સ અને વ્યાપારી વાહનો માટે 15 ટકા સુધીનો રોડ ટેક્સ ઘટાડવાનો આદેશ આપ્યો છે.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે “અમે આ બાબતમાં કાનૂની અભિપ્રાય લીધો છે. સહવર્તી સૂચિના ભાગ રૂપે, અમે કરવેરાના સિદ્ધાંત પર નિર્ણય લેવા માટે અધિકૃત છીએ. તેથી, આને અંતિમ નિયમોમાં સૂચિત કરવામાં આવશે, જ ટૂંક સમયમાં બહારપાડવામાં આવશે.”

અધિકારીએ ઉમેર્યું કે, જ્યારે કેટલાક રાજ્યો રોડ ટેક્સ ઘટાડવાની યોજનામાં છે, અન્ય લોકોએ આ સંદર્ભે સંકોચ દર્શાવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સરકાર સપ્ટેમ્બરના અંત સુધીમાં વાહન સ્ક્રેપેજ નીતિના અંતિમ નિયમોને સૂચિત કરવાની યોજના બનાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે માર્ચ 2021માં માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરી દ્વારા સ્વૈચ્છિક વાહન સ્ક્રેપેજ નીતિ લોન્ચ કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 13 ઓગસ્ટના રોજ ગુજરાતમાં એક રોકાણકાર સમિટમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા નીતિની શરૂઆત કરી હતી.

વાહન સ્ક્રેપિંગ નીતિ હેઠળ વાહન સ્ક્રેપિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે રોકાણને આમંત્રણ આપવા માટે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું.

National News nitin gadkari scrappage policy