BSPના ઉપાધ્યક્ષ આનંદકુમાર પર આઇટીના દરોડાઃ 400 કરોડનો પ્લૉટ જપ્ત

19 July, 2019 10:42 AM IST  |  લખનઉ

BSPના ઉપાધ્યક્ષ આનંદકુમાર પર આઇટીના દરોડાઃ 400 કરોડનો પ્લૉટ જપ્ત

માયાવતી અને આનંદકુમાર

આયકર વિભાગે બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીના પરિવારજનો પર કાર્યવાહી કરી છે. આઇ. ટી. વિભાગે માયાવતીના ભાઈ અને બીએસપીના ઉપાધ્યક્ષ આનંદકુમાર અને તેની પત્ની વિરુદ્ધ પગલાં લીધાં છે. આયકર વિભાગે આનંદકુમારના ૪૦૦ કરોડના પ્લૉટને જપ્ત કર્યો છે. તેમની સંપત્તિમાં માત્ર ૭ વર્ષમાં ૧૮,૦૦૦ ગણો વધારો થયો છે.

માયાવતીના ભાઈ આનંદકુમાર અને તેની પત્ની વિરુદ્ધ ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટ તપાસ કરી રહ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ દંપતીનો દિલ્હી પાસેના નોએડામાં ૨૮,૩૨૮ સ્ક્વેર મીટરનો બેનામી પ્લૉટ છે. સાત એકર જમીનના આ પ્લૉટની માર્કેટ વૅલ્યુ ૪૦૦ કરોડ છે. આનંદકુમાર અને તેની પત્ની વિચિત્રલતાના આ બેનામી પ્લૉટને જપ્ત કરવા આદેશ અપાયો હતો જેથી આજે ગુરુવારે આ પ્લૉટ કબજે લેવાયો હતો.

આયકર વિભાગનાં સૂત્રોના જાણાવ્યા અનુસાર આનંદકુમારની હજી પણ ઘણી બેનામી સંપત્તિઓ છે, જેની તપાસ કરી ભવિષ્યમાં જપ્ત કરાશે. આનંદકુમાર સામે થયેલી આ કાર્યવાહીની અસર માયાવતીના રાજકરણ પર પણ પડી શકે છે. આંનદકુમાર પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ પણ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : અયોધ્યા કેસઃ માત્ર 31 જુલાઈ સુધી મધ્યસ્થતા, બીજી ઑગસ્ટથી દરરોજ સુનાવણી

ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે માયાવતીના ભાઈ આનંદકુમારની ૧૩૦૦ કરોડની બેનામી સંપત્તિની તપાસ ચાલી રહી છે. આયકર વિભાગની તપાસમાં ખુલાસો થયો છે કે ૨૦૦૭થી ૨૦૧૪ સુધીમાં આનંદકુમારની સંપત્તિમાં ૧૮,૦૦૦ ગણો વધારો થયો છે. તેમની સંપત્તિ ૭.૧ કરોડથી વધીને ૧૩,૦૦૦ કરોડની થઈ ગઈ છે. તેમની ૧૨ કંપનીઓની પણ તપાસ ચાલી રહી છે.

mayawati national news bahujan samaj party