દિલ્હી સહિત અનેક શહેરોમાં હિંસા ભડકાવવા પાછળ આઇએસઆઇનો હાથ

27 February, 2020 10:50 AM IST  |  Mumbai Desk

દિલ્હી સહિત અનેક શહેરોમાં હિંસા ભડકાવવા પાછળ આઇએસઆઇનો હાથ

રાજધાની દિલ્હીના ઉત્તર-પૂર્વના કેટલાક વિસ્તારો ભડકે બળી રહ્યા છે. અહીં થયેલાં તોફાનોમાં અત્યાર સુધીમાં ૨૦ જણ મોતને ભેટ્યાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી રહ્યા હતા ત્યારે અચાનક જ રાતોરાત આ તોફાનો ભડકી ઊઠ્યાં હતાં. દિલ્હીમાં આ પ્રકારનાં તોફાનોનો સમય અને તેની ગતિ જોતા આ એક સુયોજિત કાવતરું હોવાની આશંકા સેવાઈ રહી છે.

ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ભડકેલી હિંસાને લઈને ગુપ્તચર એજન્સીઓએ શંકાની સોય પાકિસ્તાન પર ચીંધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હી હિંસા પાછળ આઇએસઆઇનો હાથ હોવાની આશંકા છે. દિલ્હી સહિત અનેક શહેરોમાં હિંસા ભડકાવવા પાછળ આઇએસઆઇ છે. સૂત્રોના જણાવ્યા મુજબ સોશ્યલ મીડિયા પર ફૅક વિડિયો અપલોડ કરાયા છે જે પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહ્યા છે. પાકિસ્તાન સરકારના અધિકૃત ટ્‌વિટર અકાઉન્ટથી ભારતમાં મુસલમાનોને ભડકાવવાનો ભરપૂર પ્રયાસ થઈ રહ્યો છે.

ઉત્તર-પૂર્વ દિલ્હીમાં નાગરિકતા કાયદાને લઈને થયેલી હિંસામાં અત્યાર સુધી ૨૦ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ૧૮૦થી વધુ લોકો ઘાયલ થયા છે. સોમવારે શરૂ થયેલું ઉપદ્રવીઓનું તાંડવ મંગળવારે પણ ચાલુ રહ્યું હતું. જેના પગલે કેન્દ્ર સરકારે જાફરાબાદથી લઈને મૌજપુર અને તેની આસપાસના વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને કર્ફ્યુ લગાવ્યો છે અને દેખો ત્યાં ઠારના આદેશ આપ્યા છે.

હિંસાના પગલે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ સક્રિય બન્યા છે અને હિંસાગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા માટે ડીસીપી નોર્થ ઈસ્ટની ઑફિસ પહોંચ્યા હતા. તેમની સાથે મીટિંગમાં સ્પેશિયલ કમિશનર સતીષ ગોલચા, જોઈન્ટ કમિશનર આલોક કુમાર અને અને ડીસીપી વેદ પ્રકાશ સૂર્યા હાજર હતા.

આ તોફાનો ટ્રમ્પના આગમન ટાણે જ ભડકાવવામાં આવતા સુરક્ષા એજન્સીઓના કાન સરવા થયા હતા અને તેમાં પાકિસ્તાનની આઇએસઆઇનો હાથ હોવાના પુરાવા પણ હાથ લાગ્યા છે. આ દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

national news Crime News delhi violence delhi news