હૈદરાબાદ એન્કાઉન્ટરઃ સુપ્રીમે તપાસ માટે નિવૃત્ત જજની નિમણૂક કરી

12 December, 2019 10:29 AM IST  |  Mumbai Desk

હૈદરાબાદ એન્કાઉન્ટરઃ સુપ્રીમે તપાસ માટે નિવૃત્ત જજની નિમણૂક કરી

તેલંગણામાં વેટરિનરી ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના ૪ આરોપીના એન્કાઉન્ટર વિશે દાખલ કરવામાં આવેલી અરજી મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ એ. એસ. બોબડેની આગેવાનીવાળી બેન્ચે કહ્યું કે આ કેસ અત્યારે તેલંગણા હાઈ કોર્ટમાં છે તેથી અમે હાઈ કોર્ટના ભૂતપૂર્વ જજની એન્કાઉન્ટરની તપાસ માટે નિમણૂક કરીએ છીએ. આગામી સુનાવણી ગુરુવારે કરાશે.

અરજીમાં એન્કાઉન્ટરની સ્વતંત્ર તપાસ અને એન્કાઉન્ટરમાં સામેલ પોલીસકર્મીઓ વિરુદ્ધ એફઆઇઆર કરવાની માગણી કરવામાં આવી છે. અરજીમાં અૅડ્‌વોકેટ જી. એસ. મણિ અને પ્રદીપકુમાર યાદવે કહ્યું છે કે આ મામલે પોલીસે ૨૦૧૪ની સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનનું પાલન નથી કર્યું.
બીજી બાજુ તેલંગણા હાઈ કોર્ટે ગયા સોમવારે અરજી વિશે સુનાવણી કરતાં કહ્યું કે દરેક આરોપીઓની લાશ ૧૩ ડિસેમ્બર સુધી સુરક્ષિત રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ આર. એસ. ચૌહાણની અધ્યક્ષતાવાળી બેન્ચે પૂછ્યું કે પોલીસે આ મામલે એન્કાઉન્ટર માટે જાહેર કરેલી ગાઇડલાઇનનું પાલન કર્યું છે કે નહીં? તે સાથે જ પોસ્ટમૉર્ટમ સાથે જોડાયેલા વિડિયોની સીડી અથવા પેનડ્રાઈવ મહેબૂબનગરના મુખ્ય જિલ્લા જજને સોંપવાનો આદેશ આપ્યો છે. હાઈ કોર્ટ ગુરુવારે આ મામલે સુનાવણી કરશે.

Crime News supreme court hyderabad national news