પુણેમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિઃ 17નાં મૃત્યુ

27 September, 2019 01:37 PM IST  |  પુણે

પુણેમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિઃ 17નાં મૃત્યુ

પુણેમાં પૂરપ્રકોપ : પુણે શહેરમાં ભારે વરસાદને કારણે શહેરના મધ્યવર્તી વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ધસમસતા જળપ્રવાહમાં વાહનો અને ઢોર-ઢાંખર તણાયાં હતાં. કેટલાક વિસ્તારોમાં પૂર ઓસર્યા પછી નુકસાન અને તબાહીનાં ચિત્રો જોવા મળતાં હતાં. તસવીર : પી.ટી.આઇ.

પુણેમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિને લીધે ઠેકઠેકાણે વૃક્ષો અને થાંભલા તૂટી પડતાં માર્ગ વાહનવ્યવહાર અવરોધાયો હતો. વરસાદને કારણે થયેલી દુર્ઘટનાઓમાં પાંચ મહિલાઓ સહિત ૧૭ જણ મૃત્યુ પામ્યાં હતાં. એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને પોલીસ ઉપરાંત લશ્કરી દળોએ પૂરથી બચવા માટે વૃક્ષો અને છાપરાં પર ચડી ગયેલા અધવચ્ચે રસ્તામાં રઝળી પડેલા લોકો સહિત લગભગ ૧૬,૦૦૦ લોકોને બચાવ્યા હતા. પુણે શહેર અને આસપાસના સિંહગડ રોડ, ધાનકવાડી, બાલાજી નગર, આંબેગાંવ, સહકાર નગર, પાર્વતી, કોલ્હેવાડી, કિરકટવાડી અને બારામતી જેવા વિસ્તારોના નીચાણવાળા વિસ્તારોમાં બે દિવસથી પાણી ભરાયેલું રહે છે.

મુંબઈ-બૅન્ગલોર હાઇવે પર

ખેડ-શિવાપુર ગામની દરગાહમાં સૂતેલા પાંચ જણ વરસાદના જળપ્રવાહમાં તણાઈ ગયા હતા. એમાંથી ત્રણ જણના મૃતદેહો મળ્યા છે. બે મૃતદેહોની શોધ ચાલે છે. એ ઉપરાંત પાંચ મહિલાઓ સહિત બાર જણ વરસાદી દુર્ઘટનાઓમાં માર્યા ગયા હતા. અરણ્યેશ્વર વિસ્તારમાં દીવાલ તૂટવાને કારણે એક બાળક સહિત પાંચ જણ માર્યા ગયા હતા. સિંહગડ રોડ પર તણાઈ આવેલી કારમાંથી બાવન વર્ષની વ્યક્તિનો મૃતદેહ પુણેના સહકાર નગર વિસ્તારમાં મળી આવ્યો હતો. કટરાજ વિસ્તારમાં કારમાં એક જણનો મૃતદેહ મળ્યો હતો. પાર્વતી વિસ્તારમાં બે જણ તણાઈ ગયા હતા. પુણે શહેરમાં બે અને પુરંદર તાલુકામાં બે જણ ગુમ થયા હોવાનું પોલીસ તંત્રે જણાવ્યું હતું.

સરકારે બચાવ અને રાહતકાર્યો માટે પુણેમાં એનડીઆરએફની ત્રણ ટુકડીઓ મોકલી હતી. પુણેના કલેક્ટરે ગઈ કાલે જિલ્લાની શાળાઓ અને કૉલેજોમાં રજા જાહેર કરી હતી. પુણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી ૫૦૦ જણને, સોલાપુર રોડ પરથી ૩૦૦ જણને લશ્કરી દળોએ બચાવીને સલામત સ્થળે પહોંચાડ્યા હતા. બારામતીમાં જેજુરી નજીક કરહા નદી પર બાંધવામાં આવેલા નઝરે બંધમાંથી પાણી છોડવામાં આવતાં ૧૫,૦૦૦ જણને બચાવીને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. પુણેમાં અતિવર્ષા અને પૂરના મૃતકોને શ્રધ્ધાંજલિ આપતો સંદેશો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્‌વિટર પર લખ્યો હતો.

હજી ઝાપટાં પડવાની આગાહી

પુણેમાં બે દિવસથી આખ્ખા રસ્તા અને સેંકડો મીટર સુધી જળબંબાકાર તથા ભેખડો-ખડકો ધસી પડવાને કારણે જનજીવન ખોરવી નાખનારા વરસાદનું પ્રમાણ આ ચોમાસે ૧૮૦ ટકા થઈ ચૂક્યું છે. દેશમાં અનેક ઠેકાણે સામાન્ય કરતાં લગભગ દોઢ ગણો કે બમણો વરસાદ પડ્યો એ પ્રમાણે પુણેમાં પણ અસાધારણ વરસાદ પડી ચૂક્યો છે તેમ છતાં હવામાન ખાતાએ હજી ઝાપટાં ચાલુ રહેવાની આગાહી કરી છે. બુધવાર અને ગુરુવારના ગાળામાં ૧૭ જણનાં મોત અને ૯ જણ ગુમ થયાની નોંધ કરવામાં આવી છે. પાળેલાં પશુઓ સહિત ૯૦૦ કરતાં વધારે જાનવરો માર્યા ગયાં છે. હવામાન ખાતાએ પુણેમાં ૨૪ અને ૨૫ સપ્ટેમ્બરના ગાળામાં ૮૭ મિલીમીટર તેમ જ ૨૫ અને ૨૬ સપ્ટેમ્બરના ગાળામાં ૫૩ મિલીમીટર વરસાદ નોંધ્યો હતો. પુણેની વેધશાળાએ વિદર્ભના નાગપુર, અકોલા અને ગડચિરોલીમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

પાર્વતી વિસ્તારમાં ૧૦ મહિનાના બાળકને બચાવાયું

પુણેના પાર્વતી વિસ્તારમાં ૧૦ મહિનાના બાળક સહિત પાંચ જણના પરિવારને ફાયર બ્રિગેડના જવાનોએ કેવી રીતે બચાવ્યા એનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. પાર્વતી વિસ્તારના મિત્ર મંડળ ચોક ખાતે એક ઘરની બહાર આ પરિવાર બચાવ ટુકડીની રાહ જોતો હતો. બાળકને લાઇફ રિન્ગ (પ્લાસ્ટિક ટ્યુબ) વડે બચાવવાની કાર્યવાહીનો વિડિયો સોશ્યલ મીડિયામાં ઘણો લોકપ્રિય થયો હતો. બાળકને બાસ્કેટમાં ગોઠવ્યા પછી એ બાસ્કેટ લાઇફ રિન્ગમાં ગોઠવવામાં આવી હતી.

પુણેમાં બચાવકાર્યને મુદ્દે એનસીપીએ મુખ્ય પ્રધાનની ટીકા કરી

પુણેમાં અતિવર્ષા અને પૂર સમાન સ્થિતિમાં રાહત અને બચાવકાર્યમાં શિથિલતાનો આરોપ રાજ્ય સરકારના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલ પર એનસીપીએ મૂક્યો હતો. એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે પુણેમાં કુદરતી આફતના રાહત અને બચાવકાર્યમાં રાજ્ય સરકારનો ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલ ઊંઘતો ઝડપાયો હોવાનું જણાવ્યું હતું. નવાબ મલિકે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન બીજેપીના કામકાજ અને ચૂંટણી સંબંધી કામગીરી તેમ જ દિલ્હીમાં પક્ષના મોવડીઓ સાથે મંત્રણામાં એટલા વ્યસ્ત રહે છે કે પુણેના પૂરપીડિતો માટે તેમની પાસે સમય નથી.

pune pune news mumbai rains mumbai indian meteorological department