ગુર્જર આંદોલન બન્યું હિંસક, પોલીસના વાહનો સળગાવ્યા, કલમ 144 લાગુ

10 February, 2019 08:42 PM IST  |  ધૌલપુર

ગુર્જર આંદોલન બન્યું હિંસક, પોલીસના વાહનો સળગાવ્યા, કલમ 144 લાગુ

રાજસ્થાનમાં ગુર્જર આંદોલન બન્યું હિંસક

પાંચ ટકા અનામતની માંગને લઇને રાજસ્થાનમાં ગુર્જરોનું આંદોલન ત્રીજા દિવસે રવિવારે હિંસક થઈ ગયું. ધૌલપુરમાં મહાપંચાયત પછી ગુર્જર પ્રદર્શનકારીઓએ NH-3 પર મચકુંડ ચાર રસ્તા પર જામ લગાવી દીધો. જામ ખોલાવવા આવેલા પોલીસકર્મીઓ પર પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કરી દીધો. એટલું જ નહીં, પ્રદર્શનકારીઓએ પોલીસના ત્રણ વાહનોને આગના હવાલે કરીને હવાઈ ફાયરિંગ કરી દીધું. જે વાહનોમાં આગ લગાવી તેમાં એક ગાડી એડિશનલ પોલીસ કમિશ્નરની પણ હતી.

હિંસક પ્રદર્શનકારીઓની ભીડને કાબૂમાં કરવા માટે પોલીસે પહેલા તો ટિયર ગેસ શેલ છોડ્યા અને પછી હવામાં ફાયરિંગ કર્યું. આ દરમિયાન અડધો ડઝન પોલીસકર્મી અને કેટલાક આંદોલનકારીઓ ઘાયલ થઈ ગયા. લગભગ દોઢ કલાક સુધી હાઇવે જામ રહ્યો. જોકે પોલીસે પછી જામ ખોલાવીને વાહનોની અવરજવર શરૂ કરાવી. પોલીસે ક્ષેત્રમાં કલમ 144 લાગુ કરી દીધી છે. પોલીસ કમિશ્નર અજય સિંહનું કહેવું છે કે હવે શાંતિ બહાલ થઈ ગઈ છે. વાહનોની અવરજવર પણ થઈ રહી છે. જ્યારે બૂંદી જિલ્લાના નૈનવામાં ગુર્જરોએ મહાપંચાયત કર્યા પછી હાઇવે જામ કરી દીધો.

આ પણ વાંચો: ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા દરેકનો સંબંધ કોંગ્રેસ સાથે જ કેમ: PMનો સવાલ

અહીંયા ગુર્જર સમાજના યુવક હાઇવે પર રાજસ્થાની લોકગીતો પર નૃત્ય કરવાની સાથે જ સરકાર વિરોધી નારાઓ લગાવી રહ્યા હતા. ગુર્જર અનામત સંઘર્ષ સમિતિના સંયોજક કર્નલ કરોડીસિંહ બૈંસલા અને પ્રવક્તા શૈલેન્દ્ર સિંહે જણાવ્યું કે સોમવારે આંદોલન આખા રાજ્યમાં ફેલાશે. હવે જે પણ થશે, તેની જવાબદારી રાજ્ય સરકારની હશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે દિલ્હીથી પાછા ફર્યા પછી રવિવારે સાંજે મંત્રીઓ અને અધિકારીઓની સાથે બેઠક કરીને આખા ઘટનાક્રમ પર ચર્ચા કરી. બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું કે સરકાર એકવાર ફરી ગુર્જર નેતાઓની સમક્ષ વાર્ચાનો પ્રસ્તાવ મોકલશે. આ પહેલા શનિવારે કેબિનેટ મંત્રી વિશ્વેન્દ્રસિંહ ગુર્જર નેતાઓને મળવા ગયા હતા.

NH-21ને કાલે કરશે જામ

દૌસા જિલ્લાના ગુર્જરોએ રવિવારે મહાપંચાયત કરીને સોમવારે સવારે 11 વાગે સિકંદરા ચાર રસ્તા પર નેશનલ હાઈવે-21 જામ કરવાની જાહેરાત કરી છે. મહાપંચાયત દરમિયાન ઉગ્ર યુવાનો રવિવારથી જ જામ લગાવવા માંગતા હતા, પરંતુ સમાજના વરિષ્ઠ લોકોએ વસંતપંચમી પર મોટી સંખ્યામાં થનારા લગ્નોને ધ્યાનમાં રાખીને સોમવારથી આંદોલન શરૂ કરવાનો નિર્ણય લીધો. ગુર્જરોએ મંગળવારેથી દૌસા જિલ્લાના અરનિયામાં જયપુર-દિલ્હી રેલવે ટ્રેક જામ કરવાની ચેતવણી આપી છે.

આંદોલનના કારણે રવિવારે 20 ટ્રેનો પ્રભાવિત

આંદોલનના કારણે રવિવારે 20 ટ્રેનો પ્રભાવિત થઈ. તેમાંથી કેટલીક રદ કરવામાં આવી તો કેટલીકનો રસ્તો બદલી નાખવામાં આવ્યો. જ્યારે ગુર્જર બહુમતી વાળા વિસ્તારોમાં બિનજાહેર રીતે જ રોડવેઝ અને ખાનગી બસોનું આવાગમન બંધ થઈ ગયું છે. આ કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવેના સૂત્રો પ્રમાણે, આંદોલનના કારણે આશરે 17 હજાર લોકોએ પોતાની ટિકિટ રદ કરાવી છે.

rajasthan