પેટ્રોલ-ડીઝલ વાહનો પર પ્રતિબંધ લાવવાનો ઇરાદો નથી : ગડકરી

06 September, 2019 12:32 PM IST  |  નવી દિલ્હી

પેટ્રોલ-ડીઝલ વાહનો પર પ્રતિબંધ લાવવાનો ઇરાદો નથી : ગડકરી

નીતિન ગડકરી

રોડ અને ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરીએ ગુરુવારે કહ્યું કે સરકારનો પેટ્રોલ અને ડીઝલ વાહનો પર પ્રતિબંધ લગાવવાનો કોઈ વિચાર નથી. તેઓ સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મૅન્યુફૅક્ચર્સ (સિયામ)ના વાર્ષિક કન્વેન્શનમાં હાજર રહ્યા હતા. ઑટો સેક્ટરમાં મંદીના મામલે તેમણે કહ્યું છે કે હાલના આંકડાથી સ્પષ્ટ છે કે ઑટોમોબાઇલ સેક્ટરમાં હજી તકલીફ છે.

ગડકરીએ કહ્યું કે સરકાર વીજળી અને વૈકલ્પિક ઈંધણથી ચાલતાં વાહનોના ઉપયોગ માટે પ્રોત્સાહન આપી રહી છે. એનું એક કારણ એ છે કે દેશ પર પેટ્રોલિયમ આયાતનો ૭ લાખ કરોડ રૂપિયાનો બોજો છે. એ સિવાય દેશને પ્રદૂષણની ગંભીર સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.

કેન્દ્રીય પ્રધાને ઉદ્યોગને સરકાર તરફથી શક્ય એટલી મદદ આપવાનું આશ્વાસન આપ્યું છે. વાહનોના વેચાણ વધારવા માટે ગડકરીએ કહ્યું કે બૅન્કોમાંથી લોન ન મળવાની સ્થિતિમાં ઑટો કંપની ઇચ્છે તો એનબીએફસી બનાવીને વેહિકલ લોન આપી શકે છે. એનાથી વેચાણમાં પણ વધારો થશે. સરકાર પોતાના તરફથી વાહન અને અન્ય લોન વધારવાનો પ્રયત્ન કરી રહી છે.
તેમણે કહ્યું કે વેપારમાં તો ઉતાર-ચડાવ, નફો-નુકસાન આવ્યા કરે છે. એનાથી નિરાશ થવાની જરૂર નથી. ઑટોમોબાઇલ સેક્ટરમાં તેજી પણ સારી જોવા મળી હતી. આત્મવિશ્વાસની મદદથી તેઓ આ સમયમાંથી પણ પસાર થઈ જશે. નિકાસ વધારીને સ્થાનિક બજારમાં થયેલા ઓછા વેચાણને સરભર કરી શકાય છે. એ માટે સરકાર પણ જરૂરી પ્રોત્સાહન યોજના બનાવી રહી છે.

આ પણ વાંચો : મોદી સરકાર 2.0ના 100 દિવસ પૂરા, સરકારે લીધા આ મહત્વના નિર્ણયો

આ મહિનાથી લાગુ કરવામાં આવેલા નવા મોટર વાહિકલ કાયદાનો બચાવ કરતાં ગડકરીએ કહ્યું કે સરકારનો હેતુ લોકો પર વધારે દંડ લગાવવાનો બિલકુલ નથી. અમે ઇચ્છીએ છીએ કે ઍક્સિડન્ટ ઓછા થાય જેથી લોકોના જીવ બચી શકે. દેશમાં દર વર્ષે પાંચ લાખ રોડ-ઍક્સિડન્ટ થાય છે જેમાં દોઢ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે.

nitin gadkari national news