ગોવામાં રાજકીય ઘમાસાણ: એમજીપીના બે ધારાસભ્ય ભાજપમાં જોડાયા

28 March, 2019 10:42 AM IST  |  ગોવા

ગોવામાં રાજકીય ઘમાસાણ: એમજીપીના બે ધારાસભ્ય ભાજપમાં જોડાયા

પ્રમોદ સાવંત

ગોવામાં મંગળવારે મધરાતે પૉલિટિકલ ડ્રામા સર્જા‍યો અને ભાજપની સહયોગી મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટી (એમજીપી)ના બે તૃતીયાંશ ધારાસભ્ય વિધાનસભા અધ્યક્ષ પાસે પહોંચી ગયા અને કહ્યું કે તેમણે પોતાની પાર્ટીનો ભાજપમાં વિલય કરવાનો નિર્ણય લીધો છે.

ત્રણ ધારાસભ્યો ધરાવતી આ પાર્ટીના બે ધારાસભ્યોએ પોતાના હસ્તાક્ષરવાળો પત્ર પણ સ્પીકર માઇકલ લોબોને સોંપ્યો. એમજીપીના જે એક માત્ર ધારાસભ્યના આ પત્રમાં હસ્તાક્ષર નહોતા એ હાલ ભાજપની સરકારમાં સહયોગી દળના ક્વોટામાંથી નાયબ મુખ્યમંત્રી બનેલા સુદીન ધવલીકર છે.

નિયમો અનુસાર જો કોઈ પાર્ટીના બે તૃતીયાંશ ધારાસભ્ય જુદા થઈને નવો પક્ષ બનાવે તો પક્ષપલટા કાયદો લાગુ થતો નથી અને ધારાસભ્યોની માન્યતા રદ નથી થતી. આ મામલામાં પણ કુલ ત્રણમાંથી બે ધારાસભ્યો જુદા થવાના કારણે પક્ષપલટા કાયદા અંર્તગત કાર્યવાહી નહીં થઈ શકે.

એમજીપી ધારાસભ્ય મનોહર અજાંવકર અને દીપકે વિધાનસભા અધ્યક્ષને એક પત્ર સોંપ્યો અને કહ્યું કે તેઓ મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટીનો ભાજપમાં વિલય કરવા સંમત થયા છે. ભાજપે આ ગતિવિધિની પુષ્ટિ કરતાં કહ્યું કે બે તૃતીયાંશ ધારાસભ્યોએ અલગ પાર્ટી બનાવીને ભાજપમાં વિલય કરી દીધો છે.

આ પણ વાંચો : ફેસબુક પર ઉમેદવારોની ઓળખ માટે બે સર્વિસ શરૂ કરવામાં આવી

બંધારણ અનુસાર તમામ ઔપચારિકતાઓ પૂરી કરી દેવામાં આવી છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પણ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે પાર્ટીના બે ધારાસભ્યો મનોહર અજાંવકર અને દીપક ભાજપમાં જોડાઈ ગયા છે. હવે ગોવામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા ૧૪ થઈ ગઈ છે. (જી.એન.એસ.)

goa bharatiya janata party national news