આખરે ઈરાને કબૂલાત કરી, ‘હા, અમારી જ મિસાઇલે ભૂલથી વિમાન તોડી પાડ્યું’

12 January, 2020 02:38 PM IST  |  Mumbai Desk

આખરે ઈરાને કબૂલાત કરી, ‘હા, અમારી જ મિસાઇલે ભૂલથી વિમાન તોડી પાડ્યું’

ઈરાનના રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને માફી માગી, ભૂલ કરનારને સજા આપવાની ખાતરી પણ વિશ્વને આપી અમેરિકા-કૅનેડા અને બ્રિટને દાવો કર્યો હતો કે આ વિમાનને ઈરાને જ તોડ્યું છે, પણ ઇરાદાપૂર્વક નહીં

આખરે શનિવારે દુનિયા સમક્ષ એ બાબતનો ખુલાસો થયો કે ૮ જાન્યુઆરીએ ઈરાનમાં તૂટી પડેલું યુક્રેનનું પૅસેન્જર વિમાન કોઈ ટેક્નિકલ કારણસર નહીં પરંતુ ઈરાને છોડેલી મિસાઇલનો ભોગ બન્યું હતું અને તેમાં ઈરાનના ૮૨ નાગરિકો સહિત અન્ય દેશોના મળીને કુલ ૧૭૬ મુસાફરો માર્યા ગયા હતા. અમેરિકા સામે યુદ્ધે ચડનાર ઇસ્લામિક દેશ ઈરાને વિમાન તોડી પાડ્યાના લગભગ ૩-૪ દિવસ પછી આજે શનિવારે જાહેરાત કરી હતી કે બુધવારે ૮મીએ તેમની સેનાએ ભૂલથી યુક્રેનના પેસેન્જર વિમાન બોંઇગ ૭૩૭-૮૦૦ પર મિસાઈલ છોડી હતી જેમાં વિમાનમાં સવાર તમામ ૧૭૬ લોકો માર્યા ગયા હતા. ઈરાન સરકાર તરફથી આપવામાં આવેલા નિવેદનમાં તેને માનવીય ભૂલ ગણાવવામાં આવી છે. યુક્રેન અૅરલાઈન્સનું બોઈંગ ૭૩૭-૮૦૦ વિમાન બુધવારે ઈરાનથી ઉડાન ભર્યાની ૩ મિનિટમાં જ ક્રેશ થઈ ગયું હતું.
આ પહેલાં ઈરાને ઘટનાના બે દિવસ સુધી વિમાન પર મિસાઇલ છોડી હોવાની વાતનો સતત ઈનકાર કર્યો હતો, પરંતુ અમેરિકા દ્વારા અને શુક્રવારે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને બ્રિટિશ પીએમ બોરિસ જૉન્સને ખાનગી સૂત્રોથી દાવો કર્યો હતો કે વિમાન ઈરાનની મિસાઈલ અથડાવાના કારણે દુર્ઘટનાગ્રસ્ત થયું છે. ઈરાને પહેલાં બન્ને નેતાઓને આ દાવો કરતાં પુરાવા આપવા કહ્યું હતું, પરંતુ શનિવારે સવારે ઈરાની સરકારે આખરે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. યુક્રેનનું વિમાન બુધવારે સવારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેમાં ૧૭૬ લોકોનાં મોત થયાં હતાં.
ઈરાનના લશ્કરી દળના સત્તાવાળાઓ દ્વારા વિમાન પર ભૂલથી મિસાઇલ છોડવાની જાહેરાત બાદ ઇરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ ટ્વીટ કરીને આ ઘટનાને ભયાનક ભૂલ ગણાવી હતી, ‘સશસ્ત્ર દળોની આંતરિક તપાસમાં એવું તારણ નીકળ્યું છે કે મિસાઇલે યુક્રેનિયન વિમાનને માનવીય ભૂલને કારણે નિશાન બનાવ્યું હતું, જેના કારણે વિમાન ક્રેશ થયું હતું અને ૧૭૬ લોકોએ જીવ ગુમાવ્યો, આ દુર્ઘટનાની તપાસ અને અક્ષમ્ય ભૂલ કરનારની સામે તપાસ ચાલુ રહેશે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.’

કાસીમ સુલેમાની અમેરિકાની ચાર એમ્બેસીને ટાર્ગેટ કરવાનો હતો : ડોનલ્ડ ટ્રમ્પ
વૉશિગ્ટન : (જી.એન.એસ.) અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાની કમાન્ડર જનરલ કાસીમ સુલેમાની અમેરિકાની ચાર એમ્બેસીને ટાર્ગેટ કરવાનો હતો. તેમણે કહ્યું કે મને લાગે છે કે તેઓ ચાર એમ્બેસી પર હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા. કદાચ તેઓ બગદાદમાં આવેલી એમ્બેસી ઉપર જ હુમલો કરવાના હતા. જોકે સુલેમાનીની હત્યાના એક સપ્તાહ પછી ટ્રમ્પે આ દાવો કોઈ પણ પુરાવા વગર અથવા અન્ય માહિતી આપ્યા વગર કર્યો છે.

national news iran