મેઘાલયની કોલસાની ખાણમાં ફસાયેલા ૧૫ મજૂરો જીવતા બચવાની શક્યતા નથી

30 December, 2018 09:16 AM IST  | 

મેઘાલયની કોલસાની ખાણમાં ફસાયેલા ૧૫ મજૂરો જીવતા બચવાની શક્યતા નથી

રેસ્ક્યુ-ઑપરેશન : ૧૩ ડિસેમ્બરે મેઘાલયના જેન્તિયા હિલ્સ જિલ્લાની કોલસાની ખાણમાં પાણી ભરાતાં ફસાઈ ગયેલા ૧૫થી ૧૭ મજૂરોને બહાર કાઢવાનું રેસ્ક્યુ ઑપરેશન હજી ચાલી રહ્યું છે. જોકે એ મજૂરો જીવતા બચવાની શક્યતા નહીંવત છે.

૧૩ ડિસેમ્બરે એ ખાણમાં પાણી ભરાયું ત્યારે માંડ-માંડ બચી ગયેલા પાંચ ખાણિયામાંથી એક જણે કહ્યું હતું કે અંદર ફસાયેલા ૧૫ જણમાંથી કોઈ જીવતા બહાર આવવાની શક્યતા જણાતી નથી.

આસામના રહેવાસી સાહિબ અલીએ જણાવ્યું હતું કે ‘અમે બાવીસ જણ એ દિવસે ખાણમાં ગયા હતા. મેં બે અઠવાડિયાં કામ કર્યું હતું. ખોદકામ કરનારા અનેક મજૂરો ખાણની અંદર લાંબે સુધી આગળ વધ્યા હતા. એમાં કેટલાક મારા જેવા હાથગાડી ખેંચનારા છે. અમે એકાદ માણસ સમાય એવા મર્યાદિત ભાગમાં બધા સુયોજિત પદ્ધતિએ સમન્વયથી કામ કરીએ છીએ. બચી ગયેલા પાંચ જણમાંથી ચાર જણ કોલસા મેટલ બૉક્સમાં ભરવાનું કામ કરનારા હતા.’

આ પણ વાંચો : મેઘાલય: કોલસા ખાણમાં 15 દિવસથી ફસાયા મજૂરો, બચાવ માટે સ્પેશિયલ વિમાન રવાના

૧૩ ડિસેમ્બરનો અનુભવ યાદ કરતાં સાહિબ અલીએ જણાવ્યું હતું કે ‘અમે પરોઢિયે પાંચ વાગ્યે કામ શરૂ કર્યું હતું. સવારે સાત વાગ્યા સુધીમાં આખી ખાણમાં પાણી ભરાઈ ગયું હતું. હું કોલસા ભરેલી હાથગાડી ખેંચતો ખાણની અંદર લગભગ પાંચથી છ ફુટ ઊંડે હતો. કોઈ અગમ્ય કારણોસર અચાનક ખાણમાં હવાની લહેર ફરી વળી હતી. એવું ભાગ્યે જ બને છે. ત્યાર પછી પાણીનો પ્રવાહ ખાણની અંદર ધસી આવવાનો અવાજ સંભળાયો. હું માંડ-માંડ ખાણના દરવાજે પહોંચ્યો હતો. એ સંજોગોમાં અંદર ગયેલા ખાણિયાઓ જીવતા બચવાની શક્યતા નથી. અમે બાવીસ જણ અંદર ગયા હતા એમાંથી પાંચ જણ બચ્યા હોવાથી અંદર ૧૫ નહીં પણ ૧૭ જણ હોવા જોઈએ.’

meghalaya national news