બિહારની મુઝફ્ફરપુર હોટેલમાંથી ઈવીએમ મળી આવતાં ખળભળાટ

08 May, 2019 12:03 PM IST  |  મુઝફ્ફરપુર | (જી.એન.એસ.)

બિહારની મુઝફ્ફરપુર હોટેલમાંથી ઈવીએમ મળી આવતાં ખળભળાટ

પ્રતીકાત્મક તસવીર

સોમવારે બિહારની મુઝફ્ફરપુર લોકસભા સીટ પર ચાલી રહેલા વોટિંગ દરમ્યાન એક સ્થાનિક હોટેલમાંથી ઈવીએમ મળ્યાના સમાચારને લઈને હોબાળો થયો છે. સ્થાનિક લોકોને જેવી ઈવીએમ હોવાની જાણકારી મળી, તેઓએ હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું. જે અધિકારીની પાસે ઈવીએમ મળ્યું એ હકીકતમાં ઈવીએમ ગાર્ડિયન અને સેક્ટર મૅજિસ્ટ્રેટ હતો.

સેક્ટર મૅજિસ્ટ્રેટ અવધેશ કુમાર આ ઈવીએમના સંરક્ષક હતા. તેઓએ પોતાના બચાવમાં કહ્યું કે ‘તેમની ટીમ ૪ ઈવીએમને બૅકઅપ પર લઈને ચાલી રહી હતી જેથી કોઈ પોલિંગ-બૂથ પર ઈવીએમ ખરાબ થાય તો એને તત્કાળ બદલી શકાય. આ દરમ્યાન તેમની ગાડીના ડ્રાઇવરે નજીકના પોલિંગ-બૂથ નંબર-૧ પર જઈને મતદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. ત્યાર બાદ અવધેશ કુમાર આ મતદાન-કેન્દ્રની પાસે જ એક હોટેલમાં ઈવીએમ લઈને ઊતરી ગયા. મતદાન-કેન્દ્ર પર મોજૂદ લોકો અને પોલિંગ એજન્ટ્સને પણ સેક્ટર મૅજિસ્ટ્રેટ પાસે બે ઈવીએમ હોવાની જાણ થઈ તો તેઓએ ગરબડની આશંકા વ્યક્ત કરીને હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું હતું.

આ પણ વાંચો : અભિમાન તો દુર્યોધનનું પણ તૂટી ગયું હતું, તો મોદી શું ચીજ છે: પ્રિયંકા ગાંધી

હોબાળો થયા બાદ સ્થાનિક એસડીઓ કુંદન કુમાર ત્યાં પહોંચ્યા અને ચારેય ઈવીએમને પોતાના કબજામાં કરી લીધાં. મુઝફ્ફરપુર જિલ્લા અધિકારી આલોક રંજન ઘોષે મામલાની તપાસ કરી કાર્યવાહીની વાત કહી છે. સેક્ટર મૅજિસ્ટ્રેટ અવધેશ કુમારને આ બેદરકારી બદલ શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે કે ઈવીએમ હોટેલમાં કઈ રીતે પહોંચ્યાં.

bihar national news Election 2019