હાઈ કોર્ટના જજ મુરલીધરની એકાએક બદલીથી વિવાદ

28 February, 2020 10:06 AM IST  |  Mumbai Desk

હાઈ કોર્ટના જજ મુરલીધરની એકાએક બદલીથી વિવાદ

બીજેપીના નેતાઓનાં કથિત ઉશ્કેરણીજનક ભાષણોને લઈને તેમની સામે ફોજદારી કેસ નોંધવા અને દિલ્હીમાં ફાટી નિકળેલાં કોમી તોફાનોને ડામવામાં નિષ્ફળતા બદલ બુધવારે જ દિલ્હી પોલીસને ફટકાર લગાવી ગઈ કાલે એનો જવાબ આપવાનો આદેશ કરનાર દિલ્હી હાઈ કોર્ટના જસ્ટિસ એસ. મુરલીધરની ગઈ કાલે જ રાતોરાત બદલી કરી દેવાતાં કાયદાકીય અને રાજકીય ક્ષેત્રે એના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. જોકે કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે એને વહીવટી પ્રક્રિયા અને સુપ્રીમ કોર્ટના કૉલેજિયમ (જજોની સમિતિ)ની ૧૨ ફેબ્રુઆરીએ કરાયેલી ભલામણના આધારે તેમની બદલી કરવામાં આવી હોવાનો બચાવ કર્યો હતો. શું હિંસા ભડકાવનારાઓ પર તાત્કાલિક એફઆઇઆર નોંધવાની જરૂર નથી? હિંસા રોકવા માટે તાત્કાલિક પગલાં ભરવાની જરૂર છે. અમે દિલ્હીમાં ૧૯૮૪ જેવી સ્થિતિ બનવા દઈશું નહીં એવું અવલોકન જજ દ્વારા કરવામાં આવ્યું હતું અને બીજેપી નેતા કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માની વિરુદ્ધ એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. તોફાનગ્રસ્ત વિસ્તારમાંથી પોલીસ પહેરા હેઠળ ઈજાગ્રસ્ત દરદીઓને ઍમ્બ્યુલન્સમાં લઈ જવા માનવતાને ધ્યાનમાં રાખીને અડધી રાત્રે આદેશ પણ આ જ જજે આપ્યો હતો.
જોકે બીજેપીના નેતા કપિલ મિશ્રાના ભાષણનો વિડિયો કોર્ટમાં દર્શાવી દિલ્હી પોલીસને તેમની ફરજ યાદ કરાવીને શરમજનક અને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી નેતાઓ સામે ત્વરિત એફઆઇઆરનાં પગલાં લેવા જણાવનાર આ જજની એકાએક બદલીનો સમય એટલે કે ટાઇમિંગને લઈને કેન્દ્ર સરકારની ટીકાઓ પણ થઈ રહી હતી. આ જજને પંજાબ-હરિયાણા હાઈ કોર્ટના જજ તરીકે મૂકવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે બુધવારે રાતે આ અંગેનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું.
દિલ્હી હાઈ કોર્ટના જજ એસ. મુરલીધરની ટ્રાન્સફર થતાં રાજકારણ ગરમાયું છે. સરકાર દ્વારા કરાયેલી બદલી સામે કૉન્ગ્રેસ લાલઘૂમ થઈ છે. કૉન્ગ્રેસે કેન્દ્ર સરકાર પર બીજેપીના નેતાઓને છાવરવા માટે ન્યાયાધીશની બદલી કરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે. કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે હું બહાદુર ન્યાયાધીશ લોયાને યાદ કરું છું જેની બદલી કરવામાં નહોતી આવી.
કૉન્ગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ દિલ્હી હાઈ કોર્ટના જજની બદલી વિશે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. પ્રિયંકાએ જણાવ્યું કે જજની બદલી એ ન્યાયના મોઢે ડૂમો મારવા જેવું છે તેમ જ ન્યાય પ્રત્યે લોકોની આસ્થાને તોડવું ઘણું દુઃખકારક છે.

સુપ્રીમની ભલામણ અનુસાર જજની બદલી કરાઈ : કાયદાપ્રધાન
દિલ્હી હાઈ કોર્ટના જસ્ટિસ એસ. મુરલીધરની બદલી પર કૉન્ગ્રેસે કેન્દ્ર સરકાર પર બીજેપીના નેતાઓનો બચાવ કરવાનો આરોપ લગાવ્ચો છે. કેન્દ્રીય કાયદાપ્રધાને આ મામલે કહ્યું કે હાઈ કોર્ટના જસ્ટિસની બદલી કૉલેજિયમની ભલામણના આધારે કરવામાં આવી છે. કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે મુરલીધરની બદલી ભારતના ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટના કૉલેજિયમની ભલામણના આધારે કરવામાં આવી છે. એક રેગ્યુલર ટ્રાન્સ્ફરનું પણ કૉન્ગ્રેસે રાજકીયકરણ કરી નાખ્યું છે. ભારતના લોકોએ કૉન્ગ્રેસને નકારી દીધી છે જેના કારણે હવે એ ભારતની સંવિધાનિક સંસ્થાઓને બરબાદ કરવા માગે છે.

delhi news national news