દિલ્હી ઠંડુંગાર : પારો ૧.૭ ડિગ્રીએ પહોંચ્યો : જનજીવન ખોરવાયું

29 December, 2019 10:22 AM IST  |  New Delhi

દિલ્હી ઠંડુંગાર : પારો ૧.૭ ડિગ્રીએ પહોંચ્યો : જનજીવન ખોરવાયું

દિલ્હી ઠંડુંગાર

ચાલુ વર્ષે સામાન્ય શિયાળા પર કલાઇમેટ ચેન્જની ઘાતક અસર થઈ હોય એમ દેશમાં રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત કાતિલ અને સાચા અર્થમાં હાડ થિજાવી દે એવી કડકડતી ઠંડીની ઝપટમાં આવી ગયું છે. કાતિલ ઠંડીથી એકલા યુપીમાં જ ૨૦ લોકો માર્યા ગયા છે. દિલ્હીમાં ૧૧૮ વર્ષમાં પહેલી વાર લોધી રોડ વિસ્તારમાં તાપમાન ૧.૭ ડિગ્રી નોંધાતાં દિલ્હીવાસીઓ ફફડી ઊઠ્યા હતા, કેમ કે દિલ્હીમાં આટલી કાતિલ ઠંડી આ અગાઉ ક્યારેય નોંધાઈ નથી.

હવામાન વિભાગે હજી ઠંડી વધવાની આગાહી કરતાં ઈશુના નવા વર્ષનો પ્રારંભ કાતિલ ઠંડીથી થાય એમ છે. જ્યાં સૌથી વધારે ઠંડી અને બરફવર્ષા થાય છે એ કાશ્મીર અને હિમાચલમાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હિમાચલના કિન્નોરમાં ઠંડાગાર હવામાનથી ઝરણું પણ થીજી ગયું તો શ્રીનગરમાં પણ દાલ સરોવર થીજી ગયાના અહેવાલ મળી રહ્યા છે. રાજસ્થાનમાં પાંચ શહેરોનું તાપમાન નીચુ ગયું હતું. તો જ્યાં ક્યારેય બરફ પડ્યો નથી એવા મધ્ય પ્રદેશમાં સિવિયર કૉલ્ડ ડેની ચેતવણી સાથે બરફવર્ષાની આગાહી કરવામાં આવી છે.

હવામાનમાં થઈ રહેલા ફેરફારો-કલાઇમેટ ચેન્જની અસર ભારતમાં ધીમે-ધીમે વધી રહી હોય એમ વર્તમાન શિયાળો ભારત માટે ખાસ કરીને સમગ્ર ઉત્તર ભારત માટે વધુ કાતિલ સાબિત થઈ રહ્યો છે. દેશના ઉત્તરી અને પૂર્વી ભાગમાં સતત ઠંડી વધી રહી છે. રાજસ્થાનનાં ૫ શહેરોમાં શુક્રવારે તાપમાન શૂન્ય નીચે પહોંચી ગયું છે. પંજાબ, હરિયાણા, બિહાર, મધ્ય પ્રદેશ સહિત ઘણાં રાજ્યોમાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. દિલ્હીમાં ગઈ કાલે લઘુતમ તાપમાન ૨.૪ સેલ્સિયલ ડિગ્રી નોંધવામાં આવ્યું હતું, જ્યારે લોધી રોડ પરનું તાપમાન ૧.૭ ડિગ્રી નોંધાયું હતું. હિમાચલ પ્રદેશના કિન્નોરમાં ઠંડીના કારણે ઝરણું જામી ગયું હતું.

આ પણ વાંચો :તામિલનાડુના આ સેલૉંમાં પુસ્તક વાંચનારા ગ્રાહકને 30 ટકા ડિસ્કાઉન્ટ મળે છે

હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હી સહિત ઉત્તરી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ઠંડો પવન ફૂંકાવાની શક્યતા જણાવી છે, જ્યારે બિહાર અને પશ્ચિમી મધ્ય પ્રદેશમાં ‘સિવિયર કૉલ્ડ ડે’ની ચેતવણી આપવામાં આવી છે. અહીં તાપમાન સામાન્યથી ૫-૮ ડિગ્રી નીચે આવી શકે છે. પશ્ચિમ બંગાળ અને સિક્કિમના હિમાલયમાં તળેટીના વિસ્તાર, પૂર્વી મધ્ય પ્રદેશ, ઝારખંડ અને ઓડિશામાં ‘કૉલ્ડ ડે’ની શક્યતા દર્શાવવામાં આવી છે.

delhi national news new delhi