દિલ્હી દંગલઃ આઠ ફેબ્રુઆરીએ મતદાન, 11મીએ પરિણામ

07 January, 2020 09:39 AM IST  |  New Delhi

દિલ્હી દંગલઃ આઠ ફેબ્રુઆરીએ મતદાન, 11મીએ પરિણામ

અરવિંદ કેજરીવાલ

આખરે આપ પાર્ટી-બીજેપી અને કૉન્ગ્રેસ પક્ષોની ઇંતેજારીનો આજે અંત આવ્યો હોય એમ ૭૦ બેઠકો ધરાવતી દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણીઓની તારીખ આજે જાહેર થઈ હતી. જે અનુસાર ૮ ફેબ્રુઆરી-૨૦૨૦ના રોજ એક જ ગઈ વખતની જેમ જ તબક્કામાં ૧૩,૭૫૦ મતદાન મથકો પર ૭૦ બેઠકો માટે મતદાનની પ્રક્રિયા ઇવીએમ-વીવીપીએટી મશીન દ્વારા હાથ ધરાશે. આ ચૂંટણી માટે કુલ ૧.૪૬ કરોડ મતદારો નોંધાયા છે. ૧૧ ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થશે ત્યારે પાંચ વર્ષ શાસન કરનાર આપ પાર્ટી ફરીથી સત્તા મેળવશે કે બીજેપીના બે ધરખમ નેતાઓ મોદી-શાહનો જાદુ ચાલ્યો કે કેમ તે પણ પુરવાર અને જાહેર થઈ જશે. ચૂંટણી પંચ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજીને ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. મુખ્ય જંગ આમ તો ગઈ વખતની જેમ આપ-બીજેપી અને કૉન્ગ્રેસ વચ્ચે યોજાવાની સાથે સપા-બસપા અને અન્ય નાના પક્ષો પણ પોતાના ઉમેદવારો અજમાવે તેમ છે. બીજેપીએ ઉપરાઉપરી રાજ્યો ગુમાવ્યાં હોવાથી દિલ્હી જીતવું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અધ્યક્ષ અમિત શાહ માટે પ્રતિષ્ઠા સમાન બની રહે તેમ છે. બીજેપી દ્વારા પક્ષના સિનિયર નેતા સ્વ. સાહિબસિંહ વર્માના પુત્ર અને સાંસદ પરવેશ શર્માને સીએમપદના ઉમેદવાર તરીકે આગળ કરાય તેમ છે. ગઇ ચૂંટણીમાં બીજેપીએ કિરણ બેદીને મુખ્ય પ્રધાનના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કર્યા હતા.

આ વખતે દિલ્હીના લોકો વચ્ચે કેજરીવાલ સરકાર પાંચ વર્ષની સિદ્ધિઓને લઈને જવાની છે. આગામી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટી તરફથી નવું સ્લોગન જાહેર કરવામાં આવ્યું છે. આપ ચૂંટણીમાં ‘અચ્છે બીતે ૫ સાલ, લગે રહો કેજરીવાલ’ના નારા સાથે મેદાનમાં ઊતરશે.

બીજી તરફ બીજેપીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી ૨૦૨૦માં સત્તાથી દૂર રહેવાનો ૨૧ વર્ષનો વનવાસ ખતમ કરવા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ‘દિલ્હી ચલે મોદી કે સાથ-૨૦૨૦’ના નારા સાથે દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડશે.

એક્ઝિટ પોલની આગાહી મુજબ આપને મળશે ૫૯ સીટ

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે બધા જ પક્ષો સારા દેખાવની આશા રાખી રહ્યા છે, પરંતુ એબીપી ન્યુઝ સી વોટરના એક્ઝિટ પોલમાં દિલ્હીમાં ફરી એક વાર આપ પાર્ટી સત્તારૂઢ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વિધાનસભાની ૭૦ બેઠકોમાંથી આપ પાર્ટીને આ ચૂંટણીમાં ૫૯ જેટલી સીટ મળી શકે છે. ગઈ ચૂંટણીમાં આપ પાર્ટીએ ૬૯ સીટ પર વિજય મેળવ્યો હતો. આમ તેની ૮ સીટ ઓછી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગત ચૂંટણીની ત્રણ સીટની તુલનાએ બીજેપી માત્ર ૮ સીટ પર જ્યારે કે કૉન્ગ્રેસ ૩ સીટ પર વિજય મેળવશે એવી આશંકા વ્યક્ત કરાઈ છે. વિધાનસભાની ૭૦ સીટમાંથી બહુમત માટે ૩૬ સીટ પર વિજય મળવો આવશ્યક છે.

બીજેપી ૨૧ વર્ષનો વનવાસ પૂરો કરવાના મૂડમાં

આપ પહેલાં દિલ્હીની ગાદી પર ૧૫ વર્ષ સુધી શીલા દીક્ષિતે શાસન કર્યું છે. બીજેપી વર્ષ ૨૦૨૦માં દિલ્હીમાં જીતનો વનવાસ પૂરો કરવાની તૈયારીમાં લાગી છે. દિલ્હી ચલો મોદીની સાથે સૂત્ર સાથે બીજેપીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારીઓ કરી છે. બીજેપીના અધ્યક્ષ અમિત શાહ ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં ૩૦ હજાર કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપે તેવી સંભાવના છે.

delhi elections narendra modi arvind kejriwal national news