CBIએ SCમાં ખુલાસો કર્યો, બ્રજેશ ઠાકુર અને અન્યોએ 11 યુવતીઓની હત્યા કરી

05 May, 2019 07:20 AM IST  |  નવી દિલ્હી | (જી.એન.એસ.)

CBIએ SCમાં ખુલાસો કર્યો, બ્રજેશ ઠાકુર અને અન્યોએ 11 યુવતીઓની હત્યા કરી

બ્રિજેશ ઠાકુર

બિહારના મુઝફ્ફરપુર શેલ્ટરહોમ ઉત્પિડન કેસમાં સીબીઆઇએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ખુલાસો કર્યો છે. જેમાં કહ્યું છે કે, શેલ્ટર હોમમાં યૌન ઉત્પિડન મામલે મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર અને તેના સહયોગીઓએ ૧૧ છોકરીઓની કથિત રીતે હત્યા કરી હોવાની પણ તપાસ થઇ રહી છે. સીબીઆઈએ તે પણ જણાવ્યું કે, મુઝફ્ફરપુરના એક સ્મશાનઘાટમાંથી હાડકાંઓની પોટલી મળી આવી છે. જેનો ફોરેન્સિક તપાસ રિપોર્ટ હજી આવવાનો બાકી છે. તપાસ એજન્સીએ કહ્યું કે ‘એક આરોપી પાસેથી મળેલા સંકેતથી સ્મશાનઘાટમાં એક ખાસ જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું હતું. જ્યાંથી હાડકાં પણ મળ્યાં હતાં. નોંધનીય છે કે, મુઝફ્ફરપુર બાલિકાગૃહ કાંડમાં અંદાજિત ૩૪ યુવતીઓની સાથે દુષ્કર્મનો કેસ સામે આવ્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને અનેકવાર ફટકાર લગાવી છે. જેમાં તપાસ એજન્સીએ બ્રિજેશ ઠાકુર સાથે ૨૧ લોકો સામે આરોપ નોંધાયો છે.’

આ કેસમાં ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ દીપક ગુપ્તાની બેન્ચે શુક્રવારના રોજ સુનાવણી કરી. બેન્ચે કહ્યું કે અરજી પર સીબીઆઈને ઔપચારિક નોટિસ રજૂ કરાશે અને એજન્સી ચાર સપ્તાહની અંદર તેનો જવાબ આપશે. બેન્ચે સંક્ષિપ્ત દલીલો બાદ આ કેસમાં આગળની સુનાવણી માટે છ મેની તારીખ નક્કી કરી છે. આ પહેલાં અરજીકર્તા નિવેદિતા ઝાએ સીબીઆઈ પર આરોપીઓને બચાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમની દલીલ હતી કે સીબીઆઈએ ન તો આરોપીઓ પર હત્યા જેવા અપરાધની ધારાઓ નોંધી છે કે ન આમાં સામેલ બહારના લોકો પર કાર્યવાહી થઇ. સુપ્રીમ કોર્ટે આનો સીબીઆઈ પાસેથી જવાબ માગ્યો હતો.

આ પણ વાંચો : VIDEO: દિલ્હીના સીએમ કેજરીવાલને એક વ્યક્તિએ માર્યો લાફો

ઉલ્લેખનીય છે કે, બિહારના મુઝફ્ફરપુરમાં એક એનજીઓ દ્વારા સંચાલિત આશ્રય ગૃહમાં અનેક યુવતીઓ પર કથિત રીતે બળાત્કાર અને યૌન ઉત્પીડન કરવામાં આવ્યું હતું અને તાતા સામાજિક વિજ્ઞાન સંસ્થાના રિપોર્ટ બાદ આ મુદ્દો ઊછળ્યો હતો.

national news crime branch supreme court bihar