સપા-બસપા ગઠબંધનમાંથી કોંગ્રેસની બાદબાકી!

19 December, 2018 02:29 PM IST  |  Uttar Pradesh

સપા-બસપા ગઠબંધનમાંથી કોંગ્રેસની બાદબાકી!

સપા અને બસપા, આ બંને પાર્ટીઓ કોંગ્રેસ સાથે યુપીમાં ગઠબંધન કરવાના મૂડમાં નથી. (ફાઇલ)


દેશના ત્રણ રાજ્યોમાં સત્તામાં પાછા ફર્યા બાદ કોંગ્રેસ માટે આશા જાગી હતી કે ઉત્તરપ્રદેશમાં થનારા મહાગઠબંધનમાં તેમની દાવેદારી મજબૂત હશે, પરંતુ પાર્ટીના અરમાનો પર પાણી ફરી વળતું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં સપા-બસપાની સાથે થનારા ગઠબંધનમાં કોંગ્રેસને સાઇડલાઇન કરવામાં આવી શકે છે. સપા-બસપા ગઠબંધનમાં ફોર્મ્યુલા લગભગ નક્કી થઈ ગયો છે. માનવામાં આવી રહ્યું છે કે ગઠબંધનનું ઔપચારિક એલાન માયાવતીના જન્મદિવસે થઈ શકે છે.

બસપાના સૂત્રો પ્રમાણે યુપીમાં સપા-બસપાની સાથે ગઠબંધન અને સીટ્સનો ફોર્મ્યુલા નક્કી થઈ ગયો છે. આ ફોર્મ્યુલા હેઠળ કોંગ્રેસ માટે અમેઠી અને રાયબરેલી છોડી શકે છે. આ ઉપરાંત ચૌધરી અજીતસિંહની પાર્ટી આરએલડીને 2થી 3 સીટ્સ મળી શકે છે. આરએલડીના ખાતામાં બાગપત, મુઝફ્ફરનગર અને કૈરાના સંસદીય સીટો આપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બંને પાર્ટીઓએ રાજ્યની 80 લોકસભા સીટ્સમાં પોતાના માટે સીટ્સ નક્કી કરી લીધી છે. એક ફોર્મ્યુલા પ્રમાણે બીએસપી 38 અને સપા 37 સીટ્સ પર ચૂંટણી લડશે, જ્યારે બીજા ફોર્મ્યુલા હેઠળ બસપા 39 અને સપા 37 સીટ્સ પર ચૂંટણી લડશે. આ પરિસ્થિતિમાં આરએલડીને 2 સીટ્સ મળી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફોર્મ્યુલા પર બંને પાર્ટીઓના ટોચના નેતાઓ વચ્ચે સંમતિ પણ સધાઈ ચૂકી છે.

સપા અને બસપા, આ બંને પાર્ટીઓ કોંગ્રેસ સાથે યુપીમાં ગઠબંધન કરવાના મૂડમાં નથી. તાજેતરમાં થયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પણ બંને પાર્ટીઓ કોંગ્રેસની સાથે મળીને ચૂંટણી નહોતી લડી. જોકે પરિણામો પછી બંને પાર્ટીઓએ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસને સપોર્ટ કર્યો છે.

આ સ્થિતિમાં કોંગ્રેસને ઉત્તરપ્રદેશમાં એકલા જ ચૂંટણી મેદાનમાં ઉતરવું પડી શકે છે. જોકે ગઠબંધનની ગુંજાઈશ જળવાઈ રહે તે માટે સપા-બસપા કોંગ્રેસના ગઢ અમેઠી અને રાયબરેલીમાં ગઠબંધનના ઉમેદવારો નહીં ઉતારે. સાથે જ સપા પોતાના ક્વોટાની કેટલીક સીટ્સ પણ અન્ય નાના દળો જેવાંતે નિષાદ પાર્ટી, પીસ પાર્ટીને આપી શકે છે.

બસપા દર વર્ષે માયાવતીનો જન્મદિવસ બહુ ધામધૂમથી મનાવે છે. આ જ દિવસે માયાવતી એક બ્લુ બુક જાહેર કરે છે જેમાં દર વર્ષના તેમના કામ અને બીએસપીના વૈચારિક દ્રષ્ટિકોણને સામે રાખવામાં આવે છે. લોકસભા ચૂંટણીની દ્રષ્ટિએ આ વખતે એક મોટું આયોજન પાર્ટી કરી શકે છે. આ કાર્યક્રમ બિનકોંગ્રેસી અને બિનબીજેપી પક્ષોના નેતાઓને આમંત્રિત કરવામાં આવી શકે છે. સૂત્રોનું કહેવું છે કે આ જ દિવસે રાજ્યમાં ગઠબંધનનું એલાન થઈ શકે છે.

mayawati akhilesh yadav rahul gandhi uttar pradesh