સરકાર બન્યા પછી ભારતના દરેક ખેડૂતનું દેવું માફ કરીશું- જયપુરમાં રાહુલ

09 January, 2019 06:28 PM IST  |  જયપુર

સરકાર બન્યા પછી ભારતના દરેક ખેડૂતનું દેવું માફ કરીશું- જયપુરમાં રાહુલ

જયપુરમાં રાહુલ ગાંધીએ ખેડૂત રેલીને સંબોધી.

રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બન્યા પછી પહેલીવાર પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી આજે જયપુર પહોંચ્યા. રાહુલનો આ પ્રવાસ કોંગ્રેસ અને રાજ્ય સરકાર માટે ખાસ છે. અહીંયા વિદ્યાધરનગરમાં ખેડૂતોની રેલીને સંબોધીને રાહુલે લોકસભા ચૂંટણીનો શંખનાદ કર્યો. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે એરપોર્ટ પર રાહુલનું સ્વાગત કર્યું. રાજ્યમાં કોંગ્રેસ સરકાર આવ્યા પછી રાહુલનો આ પહેલો રાજકીય કાર્યક્રમ છે.

રાજસ્થાનના જયપુરમાં ખેડૂતોની રેલીને સંબોધતા રાહુલે વિધાનસભામાં મળે જીત અંગે કહ્યું કે આ જીત ખેડૂતો, યુવાનોની છે. માલિક જનતા, યુવા અને ખેડૂતો છે. અમારા દરવાજા રાજ્યના નબળા લોકો માટે હંમેશા ખુલ્લા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે હું હિંદુસ્તાનના યુવાનો, ખેડૂતોને કહું છું કે બેકફૂટ પર ન રમો. ફ્રન્ટફૂટ પર આવીને રમો. પીએમ પર નિશાન સાધતા રાહુલે કહ્યું કે પીએમ બેકફૂટ પર રમે છે. તેઓ વચનો આપે છે કે યુવાનોને રોજગાર આપીશું, પરંતુ જ્યારે તક મળે છે ત્યારે તેઓ બેકફૂટ પર ચાલ્યા જાય છે.

રાહુલે કહ્યું કે બે દિવસમાં રાજસ્થાન સરકારે દેવું માફ કરીને બતાવ્યું. 10 દિવસ ન લાગ્યા. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની જનતાએ નરેન્દ્ર મોદીને સંદેશ આપ્યો છે કે તેમણે આખા હિંદુસ્તાનનું દેવું માફ કરવું જ પડશે. રાહુલે રેલીને સંબોધિત કરવા દરમિયાન જનતા પાસે 'ચોકીદાર ચોર છે'ના નારા લગાવડાવ્યા. તેમણે કહ્યું કે 56 ઇંચની છાતીવાળા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મિનિટ પણ લોકસભામાં ન આવ્યા. લોકસભામાં રાફેલ પર ચર્ચા થઈ રહી હતી અને પીએમ મોદી પંજાબની એક યુનિવર્સિટીમાં ભાગી ગયા. તેમણે એક મહિલા નિર્મલા સીતારામનને કહ્યું કે તમે મારી રક્ષા કરો, હું મારી રક્ષા નથી કરી શકતો. હું કહેવા માંગું છું કે માલિક જનતા હોય છે, ન ભાડપ, ન કોંગ્રેસ, ન પીએમ અને ન તો સીએમ માલિક છે.

ભ્રષ્ટાચારની વાત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે સીબીઆઇ ડાયરેક્ટરને પીએમ મોદીએ રાતના અઢી વાગે એટલા માટે હટાવી દીધા, કારણકે તેઓ રાફેલ મુદ્દા પર તપાસ શરૂ કરવાના હતા. આખો દેશ જાણે છે કે તેમણે રાફેલ ડીલમાં અનિલ અંબાણીને હિંદુસ્તાનના યુવાનોના 30 હજાર કરોડ રૂપિયા આપ્યા છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઇ ડાયરેક્ટરને બહાલ કરી દીધા. રાફેલ ડીલની તપાસ થવી જોઇએ, જેપીસી બનવી જોઈએ. સરકારે HALને દૂર કરીને અનિલ અંબાણીને 30 હજાર કરોડ રૂપિયા અપાવી દીધા. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ કહ્યું કે અંબાણીને કોન્ટ્રાક્ટ અપાવવાનો નિર્ણય નરેન્દ્ર મોદીએ કર્યો હતો.

રાહુલે કહ્યું કે અમે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ખેડૂતોનું દેવું માફ કરી દીધું. હવે તમારે આખા હિંદુસ્તાનનું દેવું માફ કરવું પડશે. કોંગ્રેસ પાર્ટી તમને છોડવાની નથી. અમે તમને ત્યાં સુધી સૂવા નહીં દઈએ જ્યાં સુધી તમે આખા હિંદુસ્તાનના ખેડૂતોનું દેવું માફ ન કરી દો.

રાહુલની રેલીમાં મોદી અને અંબાણીના હોર્ડિંગ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની જયપુરના વિદ્યાધરનગર સ્ટેડિયમમાં થયેલી ખેડૂતોની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ અનિલ અંબાણીના ફોટોવાળા હોર્ડિંગ લગાવવામાં આવ્યા હતા. આ હોર્ડિંગ પર લખ્યું હતું ચોકીદાર કે ભાગીદાર. કાળા રંગના આ હોર્ડિંગ્સ રેલીસ્થળ ઉપરાંત શહેરના મુખ્ય માર્ગો પર પણ લગાવવામાં આવ્યા. રાજ્ય પરિવહન મંત્રી પ્રતાપસિંહ ખાચરિયાવાસે જણાવ્યું કે રાજ્યના તમામ શહેરો અને કસ્બાઓમાં આ પ્રકારના હોર્ડિંગ્સ લગાવવામાં આવશે.

આ પણ વાંચો: 1 ફેબ્રુઆરીએ રજૂ થશે વચગાળાનું બજેટ, સંસદ સત્ર ચાલશે 31 જાન્યુ.થી 1 ફેબ્રુ. સુધી

જયપુર પોલીસે પહેલા રાહુલને જણાવ્યા પીએમ, પછી સુધારી ભૂલ

રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને મંગળવાર સાંજે પોલીસે એક ગોપનીય વિભાગીય આદેશ જાહેર કર્યો, જેમાં રાહુલ ગાંધી માટે 'માનનીય પ્રધાનમંત્રી' લખી દેવામાં આવ્યું. આ આદેશ જયપુર પોલીસ કમિશ્નરેટ અને સીઆઇડીના અધિકારીઓને જાહેર થયો. ઓફિસરોએ કહ્યું કે કોપી-પેસ્ટના કારણે આ ભૂલ થઈ હતી, જે પાછળથી સુધારીને નવો આદેશ જાહેર કરવામાં આવ્યો.

rahul gandhi jaipur rajasthan