દિલ્હી, પંજાબ, હરિયાણામાં ધુમ્મસ અને ઠંડીથી જીવનવ્યવહાર ખોરવાયો

03 February, 2019 08:59 AM IST  | 

દિલ્હી, પંજાબ, હરિયાણામાં ધુમ્મસ અને ઠંડીથી જીવનવ્યવહાર ખોરવાયો

પ્રતીકાત્મક તસવીર

ગઈ કાલે દિલ્હી તરફ જતી ૧૩ ટ્રેનોના શેડ્યુલમાં અસાધારણ વિલંબ થયો હતો. કેટલીક ફ્લાઇટ્સની અવરજવરમાં પણ વિલંબ થયો હતો. દિલ્હીનાં નાઇટ શેલ્ટર્સમાં ભીડ વધી હતી. ગઈ કાલે મહત્તમ તાપમાન બાવીસ ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન ૯ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે ભારે વાયુપ્રદૂષણને કારણે પાટનગર તથા આસપાસના પ્રાંતોમાં સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું હતું.

પંજાબ અને હરિયાણામાં પણ ધુમ્મસનો ભારે પ્રભાવ હતો. ગઈ કાલે અંબાલા અને કર્નાલમાં પચાસ મીટરથી વધારે અંતરે જોઈ શકાતું નહોતું. હિસાર અને હલવારામાં લઘુતમ ઉષ્ણતામાન ૩.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢમાં લઘુતમ ઉષ્ણતામાન ૬.૩ ડિગ્રી સેલ્સિયસ હતું. અમિþતસર, પઠાનકોટ અને ભટીંડા જેવાં સીમાવર્તી ક્ષેત્રોમાં લઘુતમ ઉષ્ણતામાન ૪ ડિગ્રીથી ૪.૫ ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું.

હિમાચલ પ્રદેશના કુલુ અને શિમલામાં માઇનસ ૩.૦થી માઇનસ ૧.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બરફવર્ષાને કારણે કેટલાક દિવસોથી રાજ્યના ૪૧૩ માર્ગો બંધ રહેતાં સરકારને ૬૯.૨૨ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવે છે. ભારે બરફવર્ષા વચ્ચે પણ સ્કૂલો અને કૉલેજો ચાલુ હતી અને સવારે વિદ્યાર્થીઓ મુશ્કેલીઓ સહન કરીને સ્કૂલો અને કૉલેજોમાં ગયા હતા. આવતા અઠવાડિયા દરમ્યાન પણ ઠંડીમાં વધારા સાથે બરફવર્ષા ચાલુ રહેવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. હિમાચલ પ્રદેશ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડનાં ૧૭૬૦ ટ્રાન્સફૉર્મર્સ શુક્રવારે રાતથી શનિવારના ગાળામાં ઠપ થઈ જતાં વીજપુરવઠો ખોરવાયો હતો. જોકે ગઈ કાલે બપોર સુધીમાં ૧૩૦૦ ટ્રાન્સફૉર્મર્સ રિપેર થઈ ગયાં હતાં. ભેખડો અને હિમશિલાઓ ધસી પડવાની આગાહીને કારણે લોકોને ખાસ કારણ ન હોય તો બહાર નીકળવાનું ટાળવાની સૂચના મનાલીસ્થિત સ્નો ઍન્ડ એવલેન્ચ સ્ટડી એસ્ટૅબ્લિશમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી છે.

ગુજરાતમાં ૪૮ કલાક ભારે, પછી મળશે મામૂલી રાહત

ઉત્તર ભારતમાં થઈ રહેલી એકધારી હિમવષાર્ની સીધી અસર વચ્ચે ગુજરાતમાં શરૂ થયેલી કોલ્ડ-વેવમાં કોઈ રાહત મળે એવી શક્યતા નથી. ગુજરાતના હવામાન વિભાગની આગાહી મુજબ આવતા ૪૮ કલાક હજી પણ કોલ્ડ-વેવમાં વધારો થઈ શકે છે અને એ પછી મામૂલી રાહત મળે એવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતા બે દિવસમાં ગુજરાતની ઠંડીમાં હજી પણ એકથી બે ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે.

ગઈ કાલે ગુજરાતમાં સૌથી ઠંડું શહેર નલિયા રહ્યું હતું. નલિયામાં લઘુતમ તાપમાન ૭.૮ ડિગ્રી હતું; જ્યારે ગાંધીનગર અને રાજકોટમાં ૯.૫ ડિગ્રી, ભુજમાં ૧૦.૨ ડિગ્રી, અમદાવાદમાં ૧૦.૬ ડિગ્રી, અમરેલીમાં ૧૦.૮ ડિગ્રી, વડોદરામાં ૧૩.૬ ડિગ્રી અને સુરતમાં ૧૩.૯ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

એકધારી કોલ્ડ-વેવને લીધે સ્વાઇન ફ્લુ પણ ગુજરાતમાં બેકાબૂ બન્યો હતો. ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં ગુજરાતમાં સ્વાઇન ફ્લુમાં ૪૧ મોત થયાં છે. વધી રહેલા સ્વાઇન ફ્લુને કારણે ગુજરાતનાં ૧૪ શહેરોની સરકારી હૉસ્પિટલમાં સ્વાઇન ફ્લુના વૉર્ડ શરૂ કરવામાં આવ્યા છે.

અમેરિકામાં ઠંડીનો પ્રકોપ : ન્યુ યૉર્કની હડસન નદી બરફની પાટ બની ગઈ

અમેરિકાના કેટલાક પ્રાંતોમાં ઠંડીના મહાપ્રકોપને કારણે માઇનસ ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધીના ઉષ્ણતામાનમાં નદીઓ, તળાવો અને ઝરણાં થીજી ગયાં છે. લોકોનાં રહેઠાણોમાં પાણીપુરવઠાની પાઇપલાઇનોમાં પાણી થીજી ગયું છે. સતત બરફવર્ષા અને હિમકણો ધરાવતા તોફાની પવનને કારણે લોકો માટે રોજબરોજનો વ્યવહાર મુશ્કેલ બની ગયો છે.

આ પણ વાંચો : બિહારમાં સીમાંચલ એક્સપ્રેસના 9 ડબ્બા પલટી, આઠના મોત

ઉત્તર ધ્રુવ તરફથી બર્ફીલા વંટોળિયા (પોલર ર્વોટેક્સ)ને કારણે અમેરિકાના અનેક પ્રદેશો ઠૂંઠવાઈ રહ્યા છે. અમેરિકાના મધ્ય અને પશ્ચિમના પ્રાંતોમાં અનેક ઠેકાણે બરફના જાડા થર જામી ગયા છે. ઠંડીનો પ્રકોપ એટલો બધો છે કે ચૂલા-સગડી પર ગરમ કરેલું પાણી ઉતારવામાં થોડી વધારે સેકન્ડ્સ લાગે તો એ બરફ બની જાય છે. શિકાગોમાં માઇનસ ૪૦ ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન છે. સોશ્યલ મીડિયા પર ઠંડી અને બરફવર્ષાની આત્યંતિક સ્થિતિની તસવીરો અને ફિલ્મો જોવા મળે છે. શિકાગોમાં રેલવેના પાટા પર બરફના થર એટલા બધા જામ્યા છે કે ટ્રેનો વ્યવસ્થિત ચલાવવા માટે મોટાં તાપણાં કરીને બરફ પિગાળવવામાં આવે છે. બગીચા અને સાર્વજનિક સ્થળો પર લોકોની અવરજવર પાંખી થઈ ગઈ છે.

delhi punjab haryana national news