ચિદમ્બરમે જેલમાં જ રહેવું પડશેઃ દિલ્હી હાઈ કોર્ટે જામીન અરજી ફગાવી

01 October, 2019 02:07 PM IST  |  મુંબઈ

ચિદમ્બરમે જેલમાં જ રહેવું પડશેઃ દિલ્હી હાઈ કોર્ટે જામીન અરજી ફગાવી

ચિદમ્બરમ

નવી દિલ્હી : (જી.એન.એસ.) કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અંગેના આઇએનએક્સ મીડિયા કેસમાં આરોપી તરીકે પકડાયેલા ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં અને ગૃહપ્રધાન પી. ચિદમ્બરમે જામીન માટે નોંધાવેલી અરજી આજે દિલ્હી હાઈ કોર્ટે ફગાવી દીધી છે. આ કેસમાં ચિદમ્બરમની સીબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તે હાલ તિહાર જેલમાં છે. ન્યાયમૂર્તિ સુરેશ કૈતે કૉન્ગ્રેસના ૭૪ વર્ષીય નેતા ચિદમ્બરમને જામીન પર છોડવાનો ઈનકાર કર્યો હતો.

જજે કહ્યું કે જામીન પર છૂટીને ચિદમ્બરમ પુરાવા સાથે ચેડાં કરે એવી કોઈ શક્યતા નથી, પરંતુ એ સાક્ષીઓને પોતાની તરફેણમાં પ્રભાવિત કરે એવી શક્યતાને નકારી શકાય નહીં.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે જામીન પર છૂટીને ચિદમ્બરમ સાક્ષીઓને લલચાવે અથવા ધમકાવે એવી પૂરી શક્યતા છે એટલે એમને જામીન પર છોડવા ન જોઈએ.
સીબીઆઇ દ્વારા ગઈ ૨૧ ઑગસ્ટે ધરપકડ કરવામાં આવી ત્યારથી ચિદમ્બરમ જેલમાં છે અને સીબીઆઇની કસ્ટડીમાં છે. એમણે જામીન માટે ટ્રાયલ કોર્ટનો સંપર્ક કર્યો નહોતો, પણ સીધા હાઈ કોર્ટમાં જ ગયા છે. એમણે હાઈ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી નોંધાવી છે.
સીબીઆઇના અમલદારોએ ચિદમ્બરમને દિલ્હીમાં જોર બાગ વિસ્તારસ્થિત એમના નિવાસસ્થાનેથી પકડ્યા હતા અને ૩ ઑક્ટોબર સુધી એ અદાલતી કસ્ટડીમાં છે.

delhi high court p chidambaram