વોટર્સ-ઍમ્બૅસૅડર ચેતેશ્વર પુજારાને ત્યાં જ વોટિંગ-સ્લિપ નથી પહોંચી

22 April, 2019 10:43 AM IST  |  | રશ્મિન શાહ

વોટર્સ-ઍમ્બૅસૅડર ચેતેશ્વર પુજારાને ત્યાં જ વોટિંગ-સ્લિપ નથી પહોંચી

ચેતેશ્વર પુજારા

મતદાર જાગૃતિ અભિયાનના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર અને ટીમ ઇન્ડિયાના આધારભૂત બૅટ્સમૅન ચેતેશ્વર પુજારા બધાને મતદાન માટે જાગ્રત કરે છે, જ્યારે તેના જ ઘરે મતદાન કરવા માટે જરૂરી હોય એ વોટિંગ-સ્લિપ હજી સુધી પહોંચી નથી. આવતી કાલે ગુજરાતમાં લોકસભા ઇલેક્શનનું વોટિંગ છે ત્યારે ચેતેશ્વર જ વોટથી વંચિત રહી જાય એવી પરિસ્થિતિ ઊભી થતાં સ્વાભાવિક રીતે ચેતેશ્વર અને તેના પપ્પા અરવિંદભાઈ પુજારા બન્ને માટે વિમાસણ ઊભી થઈ છે. જોકે એ પછી રાજકોટના કલેક્ટર અને રાજકોટના ઇલેક્શન ઑફિસરે તેમને ખાતરી આપી છે કે કોઈ પણ ઓળખકાર્ડ અને વોટર-આઇડી સાથે બધાનું વોટિંગ થઈ જાય એ પ્રકારની સૂચના આપવામાં આવશે.

ચેતેશ્વર જ્યારે વોટર્સ બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર છે ત્યારે સ્વાભાવિક રીતે તે વોટ આપવા જાય એ કવર કરવા માટે લોકલ મીડિયાથી માંડીને ન્યુઝ-ચૅનલ સુધ્ધાં પહોંચે એવા સમયે ચેતેશ્વરનું નામ વોટર્સ-લિસ્ટમાં ન હોય તો ફિયાસ્કો થાય અને એવું ન બને એ માટે નૅચરલી સ્થાનિક અધિકારીઓએ આ જવાબદારી ઉપાડી લીધી છે.

આ પણ વાંચો : સાઠ મિનિટ શું કામ તમારે તમારા મોબાઇલ-સોશ્યલ મીડિયાથી દૂર રહેવું જોઈએ

જાડેજા અને ઉનડકટ નહીં કરે વોટિંગ

ટીમ ઇન્ડિયાના ઑલરાઉન્ડર બૅટ્સમૅન રવીન્દ્ર જાડેજાનું નામ જામનગરના વોટર્સ-લિસ્ટમાં અને ઇન્ડિયન ટીમના આશાસ્પદ મીડિયમ પેસ બોલર જયદેવ ઉનડકટનું નામ પોરબંદરના વોટર્સ-લિસ્ટમાં છે, પણ જાડેજા કે ઉનડકટ બેમાંથી એક પણ પ્લેયર આવતી કાલે વોટિંગ નથી કરી શકવાના. જાડેજાની ચેન્નઈ સુપર કિંગ્સની મૅચ આવતી કાલે ચેન્નઈમાં છે જે માટે જાડેજાએ આજે જ ચેન્નઈ પહોંચી જવું પડશે તો રાજસ્થાન રૉયલ્સના જયદેવ ઉનડકટની આજે દિલ્હી કૅપિટલ્સ સામે દિલ્હીમાં મૅચ છે અને દિલ્હીથી પોરબંદર તાત્કાલિક પહોંચવા માટે તેને કોઈ ફ્લાઇટ મળી ન હોવાથી તે પણ વોટિંગ માટે પોરબંદર પહોંચી શકવાનો નથી.

cheteshwar pujara national news Election 2019