Chandryaan 2નું લોન્ચિંગ ટેક્નિકલ કારણોસર અટકાવાયું,નવી તારીખ થશે જાહેર

15 July, 2019 08:08 AM IST  |  શ્રીહરિકોટા

Chandryaan 2નું લોન્ચિંગ ટેક્નિકલ કારણોસર અટકાવાયું,નવી તારીખ થશે જાહેર

લાંબા સમયથી ભારતના ચંદ્રયાન 2 લોન્ચ થવા પર આખા વિશ્વની નજર હતી. મોડી રાત્રે ચંદ્રયાન 2 લોન્ચ થવાનું હતું. પરંતુ ટેક્નિકલ કારણોસર છેલ્લી ઘડીએ ચંદ્રયાન 2નું લોન્ચિંગ અટકાવી દેવાયું. શા માટે ચંદ્રયાનનું લોન્ચિંગ અટકાવાયું તેનો ખુલાસો નથી કરાયો. પરંતુ ઈસરોએ ટૂંક સમયમાં નવી તારીખ જાહેરાત કરવાનું કહ્યું છે.

મોડી રાત્રે ઈસરોએ ટ્વિટ કરીને કહ્યું હતું કે આજે ચંદ્રયાન 2નું લોન્ચિંગ નહીં થાય. ઈસરોએ ટ્વિટ કરીને કહ્યું,'વ્હિકલના મશીનમાં ટેક્નિકલ ખામી સર્જાઇ છે. સાવચેતીના ભાગરૂપે આજે ચંદ્રયાન 2નું લોન્ચિંગ કરવામાં નહીં આવે. લોન્ચિંગની આગામી તારીખ પછી જાહેર કરવામાં આવશે.' ઇસરો તરફથી અપાયેલી માહિતી પ્રમાણે રોકેટમાં ક્રાયોજેનિક ઇંધણ ભરતા સમયે મુશ્કેલી સર્જાઈ હતી. હવે આ ફ્યુલર સંપૂર્ણપણે ખાલી કરવું પડશે. 10 દિવસ પછી આગળની રણનીતિ નક્કી થશે.

આખો દેશ ચંદ્રયાન 2ના લોન્ચિંગની રાહ જોઈને બેઠો હતો. તેનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ચૂક્યુ હતું. જો કે લોન્ચ થવાના એક કલાક કરતા પણ ઓછા સમય પહેલા કાઉન્ટ ડાઉન અટકાવી દેવાયું. ચંદ્રયાન 2 લોન્ચ થવાની 56 મિનિટ અને 24 સેકન્ડ પહેલાં જ કાઉન્ટડાઉન રોકી દેવામાં આવ્યું હતું. આજે રાત્રે 2:51 વાગ્યે ચંદ્રયાન 2 લોન્ચ થવાનું હતું, પરંતુ ટેક્નિકલ ખામીને કારણે લોન્ચિંગ રોકી દેવાયું છે.

isro national news