જર્મનીનાં ચાન્સેલર અન્ગેલા મર્કેલ ભારતના પ્રવાસે

02 November, 2019 03:40 PM IST  |  મુંબઈ ડેસ્ક

જર્મનીનાં ચાન્સેલર અન્ગેલા મર્કેલ ભારતના પ્રવાસે

જર્મનીનાં ચાન્સેલર અન્ગેલા મર્કેલ અને નરેન્દ્ર મોદી

નવી દિલ્હી : (જી.એન.એસ.) જર્મનીનાં ચાન્સેલર અન્ગેલા મર્કેલ શુક્રવારે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બન્ને નેતાઓએ અહીં દ્વિપક્ષી ચર્ચા કરી હતી અને આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં એકબીજાનો સાથ આપવાની વાત કરી હતી. ભારત અને જર્મની વચ્ચે અંતરિક્ષ, નાગરિક ઉડ્ડયન, નવી ટેક્નૉલૉજી, ચિકિત્સા અને શિક્ષા ક્ષેત્રોમાં ૧૭ સમજૂતી-કરાર કર્યા છે. મોદીએ કહ્યું કે ભારત-જર્મની આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં સાથે છે.

ભારતમાં બે દિવસીય પ્રવાસ માટે આવેલાં અન્ગેલા મર્કેલ અને નરેન્દ્ર મોદીએ સંયુક્ત પ્રેસ-કૉન્ફરન્સ યોજી હતી. મુલાકાત દરમ્યાન બન્ને દેશો વચ્ચે સહયોગ વધારવા વિશે વાતચીત થઈ હતી.
આ દરમ્યાન મોદીએ કહ્યું કે ‘ચાન્સેલર ડૉ. મર્કેલ અને તેમના ડેલિગેશનનું ભારતમાં હાર્દિક સ્વાગત કરતાં મને અત્યંત ખુશી થઈ રહી છે. મેર્કલની ગણતરી જર્મની અને યુરોપનાં નેતા તરીકે જ નહીં, વિશ્વમાં સૌથી વધારે લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્ય નેતાઓમાં થાય છે. છેલ્લા લગભગ દોઢ દાયકાથી ચાન્સેલર રૂપે તેમણે ભારત-જર્મનીના સંબંધોને વધારે મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો છે. એ માટે હું તેમનો આભારી છું.’
વડા પ્રધાને કહ્યું કે ‘દર બે વર્ષના સમયાંતરે યોજાનારી બેઠકોમાં ચાન્સલર મેર્કલ સાથે ભાગ લેવાનું સૌભાગ્ય મને મળતું રહ્યું છે. આ એક અલગ જ પ્રકારના મિકૅનિઝમ દ્વારા દરેક ક્ષેત્રમાં અમારો સહયોગ વધુ ને વધુ ગાઢ બની રહ્યો છે. આજે જે સમજૂતી-કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે એ આ વાતની સાબિતી છે. મને ખૂબ જ આનંદ છે કે ભારત અને જર્મની વચ્ચે દરેક ક્ષેત્રમાં અને ખાસ કરીને નવી અને ઍડ્વાન્સ ટેક્નૉલૉજીમાં અંતર અને સ્ટ્રૅટેજિક કૉર્પોરેશન આગળ વધી રહ્યું છે.’
વડા પ્રધાન મોદીએ જર્મની અને ભારત વચ્ચે રોકાણ વધારવાની વાત પર ભાર મૂકતાં કહ્યું કે ‘બન્ને દેશોના મુખ્ય બિઝનેસ-લીડર્સ સાથે આજે મુલાકાત થશે. ડિફેન્સ કૉરિડોરમાં જર્મનીના બિઝનેસ-લીડર્સના લાભ ઉઠાવવાની આશા રાખીએ છીએ. વિશ્વના ગંભીર પડકારો વિશે અમારા દૃષ્ટિકોણમાં સમાનતા છે. આતંકવાદના જોખમને પહોંચી વળવા માટે અમે દ્વિપક્ષી અને બહુપક્ષી સહયોગ વધારીશું. બન્ને દેશો સુરક્ષા પરિષદ સંયુક્ત રાષ્ટ્રમાં પોતાનો સહયોગ આપશે.’
મેર્કલે કહ્યું કે ‘જર્મનીમાં ૨૦,૦૦૦ ભારતીય વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. અમારી ઇચ્છા છે કે આ સંખ્યા હજી વધે. અમે ઇચ્છીએ છીએ કે વૉકેશનલ ટ્રેઇનિંગ માટે ટીચર્સ એક્સચેન્જ પ્રોગ્રામ પણ શરૂ થાય.’
બીજી બાજુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘ભારત અને જર્મનીનું ધ્યાન નવી અને ઍડ્વાન્સ ટેક્નૉલૉજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્કિલ્સ, એજ્યુકેશન તથા સાઇબર સિક્યૉરિટી જેવી બાબત વિશે સહયોગ વધારવા પર છે.

મર્કેલ રાષ્ટગીત દરમિયાન શું કામ બેઠાં હતાં?
ભારત આવેલાં જર્મન ચાન્સેલર અન્જેલા મર્કેલ રાષ્ટ્રપતિભવનમાં આજે સ્વાગત સમારંભ દરમ્યાન બન્ને દેશોના રાષ્ટ્રગાન દરમ્યાન બેઠેલાં જોવા મળ્યાં હતાં. ચાન્સેલરના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને કારણે જર્મનીએ ભારતને મર્કેલને રાષ્ટ્રગાન દરમ્યાન બેસવા માટે મંજૂરી આપવાનો અનુરોધ કર્યો હતો, જેનો ભારતે સ્વીકાર કર્યો હતો. મર્કેલને કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની મદદ લીધા વિના વધુ સમય એકલાં ઊભાં રહેવામાં ખૂબ તકલીફ પડે છે.
છેલ્લા ઘણા સમયથી તેઓ દેશ-વિદેશના સ્વાગત-સમારંભમાં રાષ્ટ્રગાન દરમ્યાન બેઠેલાં જોવા મળી રહ્યાં છે જેમાં સામાન્ય રીતે ઊભાં રહીને તેમને સન્માન આપવામાં આવતું હોય છે.

national news narendra modi germany