શારદા ચિટફંડ કૌભાંડમાં ચિદમ્બરમના પત્ની વિરુદ્ધ CBIએ દાખલ કરી ચાર્જશીટ

11 January, 2019 08:34 PM IST  |  કોલકાતા

શારદા ચિટફંડ કૌભાંડમાં ચિદમ્બરમના પત્ની વિરુદ્ધ CBIએ દાખલ કરી ચાર્જશીટ

ફાઇલ ફોટો


શારદા ચિટફંડ કૌભાંડ મામલે પૂર્વ નાણામંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમની પત્ની નલિની ચિદમ્બરમની મુશ્કેલીઓ વધી શકે છે. સીબીઆઇએ આ કૌભાંડના સિલસિલામાં શુક્રવારે નલિની ચિદમ્બરમ વિરુદ્ધ કોલકાતા પાસે આવેલા ઉત્તર 24 પરગણા જિલ્લાની બારાસાત કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી. તેમાં સીબીઆઇએ આરોપ લગાવ્યો છે કે નલિનીએ ચિટફંડ કૌભાંડમાં સામેલ શારદા ગ્રુપ ઑફ કંપનીઝ પાસેથી 2010-12 દરમિયાન 1 કરોડ 40 લાખ રૂપિયાની રકમ મેળવી હતી. તેમના પર શારદા ગ્રુપના પ્રમુખ સુદીપ્ત સેનની સાથે મળીને લોકો સાથે છેતરપિંડી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

સીબીઆઇ પ્રવક્તા અભિષેક દયાલે જણાવ્યું કે આરોપ છે કે શારદા ગ્રુપના માલિક સુદીપ્ત સેન અને અન્ય આરોપીઓની સાથે કંપનીના નાણાની ઉચાપત, હેરાફેરી અને બનાવટ કરવાના ઇરાદાથી ગુનાઇત ષડ્યંત્ર રચવામાં નલિની સામેલ હતી.

ચાર્જશીટમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા મતંગસિંહની પૂર્વ પત્ની મનોરંજના સિંહનો પણ ઉલ્લેખ છે. સીબીઆઇએ આરોપ લગાવ્યો છે કે મનોરંજનાએ જ નલિનીની મુલાકાત શારદા ગ્રુપના માલિક સુદીપ્ત સેનની સાથે કરાવી હતી, જેથી તે સુદીપ્ત અને તેની કંપનીઓ વિરુદ્ધ ચાલી રહેલી સેબી, રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ વગેરે જેવી વિભિન્ન એજન્સીઓની તપાસને મેનેજ કરી શકે તેમજ તેને ઇન્ફ્લુએન્સ કરી શકે અને આ માટે તેમની કંપનીઓ દ્વારા 2010-12 દરમિયાન તેમને કથિત રીતે એક કરોડ ચાલીસ લાખ રૂપિયા મળ્યા. આ પહેલા પૂછપરછ દરમિયાન સુદીપ્ત સેને નલિનીને વકીલ તરીકે રાખી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સેને એમ પણ જણાવ્યું હતું કે મનોરંજના સિંહના કહેવા પર જ તેમણે નલિનીને પોતાના વકીલ તરીકે રાખ્યા હતા.

ઉલ્લેખનીય છે કે શારદા કૌભાંડમાં સીબઆઇની આ છઠ્ઠી ચાર્જશીટ છે. 2014માં સુપ્રીમ કોર્ટે સીબીઆઇને આ કૌભાંડની તપાસની જવાબદારી સોંપી હતી. શારદા ગ્રુપે આકર્ષક વ્યાજની લાલચ આપીને લોકો પાસેથી 2500 કરોડ રૂપિયાથી વધારે રકમ ભેગી કરી હતી પરંતુ લોકોના પૈસા પાછા આપ્યા નહોતા. ચૂકવણી ન કરી શક્યાને કારણે સેને 2013માં કંપનીનું કામકાજ સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું.

આ પણ વાંચો: વિપક્ષનું ગઠબંધન એક નાટક, યુપીમાં 73 નહીં 74 સીટ્સ લાવીશું- અમિત શાહ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ આ મામલાની તપાસ કરી રહ્યું છે. આ કૌભાંડમાં ઇડી પહેલા જ નલિનીની પૂછપરછ કરી ચૂક્યું છે. પી. ચિદમ્બરમના દીકરા કાર્તિ ચિદમ્બરમ પણ ઇડી અને સીબીઆઇ તપાસનો સામનો કરી રહ્યા છે. કાર્તિ પર 2006માં એરસેલ-મેક્સિસ સોદામાં લાંચ લેવાનો આરોપ છે.

p chidambaram