વીડિયોકોન અને ચંદા કોચરના પતિની ઓફિસ પર CBI રેડ, લોન મામલે નોંધાઈ FIR

24 January, 2019 12:35 PM IST  |  મુંબઈ

વીડિયોકોન અને ચંદા કોચરના પતિની ઓફિસ પર CBI રેડ, લોન મામલે નોંધાઈ FIR

ચંદા કોચર (ફાઇલ)

આઇસીઆઇસીઆઇ બેંક (ICICI)ની પૂર્વ સીઇઓ ચંદા કોચરના પતિ દીપક કોચર સાથે જોડાયેલા લોન કેસમાં સીબીઆઇએ એફઆઇઆર નોંધી લીધી છે. તેની સાથે જ સીબીઆઇએ મુંબઈ અને ઔરંગાબાદમાં વીડિયોકોનની મુખ્ય ઓફિસો પર પણ દરોડા પાડ્યા છે. આ આખા મામલે ચંદા કોચરની ભૂમિકા પણ શંકાસ્પદ છે.

સીબીઆઇએ આ એફઆઇઆર વેણુગોપાલ ધૂતના વીડિયોકોન ગ્રુપ અને દીપક કોચરની કંપની નૂપાવર વિરુદ્ધ હાથ ઘરી છે. એફઆઇઆર નોંધવાની સાથે સીબીઆઇની ટીમે કુલ ચાર જગ્યાઓએ દરોડા પાડ્યા છે. તેમાં નરીમાન પોઈન્ટ સ્થિત વીડિયોકોન ઓફિસ અને નૂપાવરની ઓફિસોમાં સીબીઆઇની ટીમે તપાસ કરી.

જાણો શું છે મામલો?

ICICI બેંક અને વીડિયોકોનના શેરહોલ્ડર અરવિંદ ગુપ્તાએ વડાપ્રધાન, રિઝર્વ બેંક અને સેબીને એક પત્ર લખીને વીડિયોકોનના અધ્યક્ષ વેણુગોપાલ ધૂત અને ICICIની સીઇઓ તેમજ એમડી ચંદા કોચર પર એકબીજાને લાભ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. દાવો છે કે ધૂતની કંપની વીડિયોકોનને આઇસીઆઇસીઆઇ બેંકમાંથી 3250 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી અને તેના બદલામાં ધૂતે ચંદા કોચરના પતિ દીપક કોચરની વૈકલ્પિક ઊર્જા કંપની નૂપાવરમાં પોતાના પૈસાનું રોકાણ કર્યું.

આ પણ વાંચો: બેલેટ યુગમાં પાછા નહીં જઈએ, EVMથી જ થશે ચૂંટણીઃચૂંટણી પંચ

આરોપ છે કે આ રીતે ચંદા કોચરે પોતાના પતિની કંપની માટે વેણુગોપાલ ધૂતને લાભ અપાવ્યો. વર્ષ 2018માં આ ખુલાસો થયા પછી ચંદા કોચરને બેંકમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. સીબીઆઇએ પહેલા ફેબ્રુઆરી, 2018માં આ મામલે પ્રાથમિક તપાસ (પીઇ) નોંધાવી હતી. ત્યારબાદ હવે તપાસ એજન્સીએ એફઆઇઆર નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. વીડિયોકોનને લોન આપવાના મામલે ચંદા કોચરની ભૂમિકા પર પણ સવાલ છે. ત્યારે એફઆઇઆર નોંધાયા પછી તેમની અને તેમના પરિવારની મુશ્કેલીઓ વધી શકે છે.

national news