સીએએ નાગરિકતા આપવા માટે છે, છીનવવા માટે નહીં: નરેન્દ્ર મોદી

13 January, 2020 04:26 PM IST  |  Mumbai Desk

સીએએ નાગરિકતા આપવા માટે છે, છીનવવા માટે નહીં: નરેન્દ્ર મોદી

ગઈ કાલે બેલૂરનાં મઠમાં ધ્યાન ધરીને સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી. તસવીર : પી.ટી.આઈ.

ગાંધીજી જે કહીને ગયા એનું જ અમે પાલન કર્યું, રાજનીતિનો ગંદો ખેલ ખેલનારા નાગરિકતા કાયદાનો ખોટો ભ્રમ ફેલાવી રહ્યા છે, ભારતના યુવાનો જે અભિયાનમાં જોડાય એની સફળતા નક્કી

નાગરિકતા સંશોધન કાયદાને લઈને દેશના વિવિધ ભાગોમાં વિરોધ- પ્રદર્શનો થઈ રહ્યાં છે ત્યારે પશ્ચિમ બંગાળે એનઆરસી તેમ જ સીએએને લાગુ કરવાનો સ્પષ્ટ રીતે ઈનકાર કરી દીધો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની મુલાકાતે છે અને રવિવારે તેમણે બેલૂર મઠની મુલાકાત દરમ્યાન આ મામલે કેન્દ્ર સરકાર તરફથી સીએએ અંગે કેટલીક સ્પષ્ટતા કરી છે. રાજ્યની મમતા બૅનરજી સરકાર પર પણ તેમણે આડકતરી રીતે નિશાન સાધ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદો વ્યક્તિને દેશનું નાગરિકત્વ આપવા માટે છે, નહીં કે કોઈનું નાગરિકત્વ છીનવી લેવા માટે. આ કાયદો રાતોરાત નથી ઘડાયો પરંતુ સમજી વિચારીને તૈયાર કર્યો છે.
વડા પ્રધાને પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષો પર પ્રહાર કરતાં જણાવ્યું કે વિપક્ષ આ મુદ્દે જાણીજોઈને વિરોધ કરી રહ્યો છે અને તે કાયદાને સમજવા માટે જ તૈયાર નથી. તેઓ કહે છે કે આ કાયદો ઘડાયા પછી હવે પાકિસ્તાને જવાબ આપવો પડશે કે તેમણે લઘુમતીઓ પર જુલમ શા માટે કર્યા. વિપક્ષ આ કાયદાને લઈને ખોટી નિરાશા તેમ જ ભ્રમ ફેલાવી રહ્યો છે તેમ મોદીએ જાહેરસભામાં જણાવ્યું હતું.
આ કાયદો નાગરિકતા આપવા માટેનો છે, કોઈની નાગરિકતા છીનવી લેવા માટેનો નથી. નાગરિકતા સંશોધન કાયદો એ અગાઉના કાયદામાં કરાયેલું સંશોધન છે. કાયદો પહેલેથી અમલમાં જ હતો. દેશના ભાગલા વખતે જે લોકોને સંકટનો સામનો કરવો પડ્યો, તેવા લોકો જે ધર્મના આધારે અત્યાચારનો ભોગ બન્યા, તેમને પૂજ્ય મહાત્મા ગાંધીથી લઈને તમામ દિગ્ગજ નેતાઓનું તે સમયે કહેવું હતું કે ભારતે આવા લોકોને નાગરિકત્વ આપવું જોઈએ, તેમ વડા પ્રધાને જણાવ્યું હતું.
ગાંધીજી જે કહીને ગયા તેનું જ અમે પાલન કર્યું છે. આજે પણ દેશની કોઈ પણ ધર્મની વ્યક્તિ કે નાસ્તિક પણ જો ભારતના બંધારણમાં વિશ્વાસ રાખે છે તો તે નિર્ધારિત પ્રક્રિયા મુજબ ભારતનું નાગરિકત્વ લઈ શકે છે. મોદીએ વધુમાં કહ્યું કે રાજકારણની રમત રમનારા લોકો આને સમજવા તૈયાર જ નથી. તેઓ જાણી જોઈને અણસમજુ બની રહ્યા છે.

વડા પ્રધાન મોદીએ મમતા બૅનરજીને કમિશન એજન્ટ ગણાવ્યાં!
વડા પ્રધાને પશ્ચિમ બંગાળની મમતા બૅનરજી સરકાર પર હુમલો કરતાં કહ્યું કે કેન્દ્રની યોજનાઓ અહીં લાગુ કરવામાં નથી આવી રહી, કારણ કે આ યોજનાઓમાં ન તો કટકી મારી શકાય અને ન તો કમિશન મળે. પીએમ મોદીએ મમતા બૅનરજી પર વ્યંગ કરતાં કહ્યું કે મને આશા છે કે તેઓ આયુષ્માન યોજના અને કિસાન સન્માન યોજનાને પોતાના રાજ્યમાં લાગુ કરવાની પરવાનગી આપી દેશે. તેમણે કહ્યું જ્યારે પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર આયુષ્માન ભારત યોજના, પીએમ કિસાન સન્માન માટે સ્વીકૃતિ આપશે તો અહીંના લોકોને પણ આ યોજનાઓનો લાભ મળવા લાગશે.

કલકત્તા પોર્ટ હવે શ્યામાપ્રસાદ મુખરજીના નામે ઓળખાશે
મોદીએ કલકત્તા પોર્ટને ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીના નામથી ઓળખવાની પણ જાહેરાત કરી છે. મોદીએ અહીં આયુષ્માન ભારત અને પીએમ કિસાન સન્માન યોજના પશ્ચિમ બંગાળમાં લાગુ ન કરવા બાબતે મમતા સરકાર પર કટાક્ષ કર્યો. વડા પ્રધાને હસતા-હસતા કહ્યું કે મને એ વાતનો ખ્યાલ નથી કે રાજ્ય સરકાર આયુષ્માન ભારત યોજના માટે પરવાનગી આપશે કે નહીં, જો પરવાનગી મળશે તો લોકોને સ્વાસ્થ્ય યોજનાઓ સાથે જોડાયેલા લાભ મળવા લાગશે. નીતિ નક્કી કરનારને ઈશ્વર સદ્બુદ્ધિ આપે.

caa 2019 narendra modi national news cab 2019 citizenship amendment act 2019