પીઠમાં છરી મારવાની વેરવૃત્તિનો જડબાતોડ જવાબ આપીશું: આર્મી ચીફ

16 January, 2019 07:55 AM IST  | 

પીઠમાં છરી મારવાની વેરવૃત્તિનો જડબાતોડ જવાબ આપીશું: આર્મી ચીફ

આર્મી ચીફ બિપિન રાવતે

આર્મી ડે નિમિત્તે લશ્કરના જવાનોને સંબોધતી વખતે આર્મી ચીફ જનરલ બિપિન રાવતે પાકિસ્તાનને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે ‘આપણી પશ્ચિમની સરહદે પાડોશી આતંકવાદને પોષણ આપે છે. LoC પર સામે પારથી હુમલા કરવાની પ્રવૃત્તિ અને પીઠમાં છરી મારવાની ઝેરીલી વેરવૃત્તિનો જડબાતોડ જવાબ આપવા માટે સખત પગલાં લેતાં અમે ખચકાવાના નથી. ભારતનું લશ્કર જમ્મુ-કાશ્મીરમાં LoC પર વર્ચસ જાળવી રાખવાને સમર્થ છે અને સમર્થ રહેશે. આતંકવાદના સમર્થક પાડોશી દેશની ખાનાખરાબી કરતાં અમે ખચકાટ અનુભવવાના નથી.’

બિપિન રાવતે ભારતની શક્તિ વિશે જણાવ્યું હતું કે ‘ભારતના સૈન્યે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ભારે નુકસાન કર્યું છે. એ રાજ્યના યુવાનોને ડરાવી-ધમકાવીને આતંકવાદી બનાવવામાં આવે છે. જમ્મુ-કાશ્મીરના લોકો પરેશાન થાય એવું અમે ઇચ્છતા નથી. ભાંગફોડિયા હિંસક પ્રવૃત્તિઓમાં પાડોશી દેશનો હાથ હોવાનું સ્પષ્ટ થયું છે. પાડોશી દેશ આતંકવાદીઓને તાલીમ અને શસ્ત્રો આપે છે. આખી દુનિયા કોઈ એક દેશની સરકાર દ્વારા પ્રાયોજિત આતંકવાદ તરીકે આ હિંસક પ્રવૃત્તિને ઓળખે છે.’

ચીનની સરહદે તંગદિલી ઘટાડવા ભારત અને ચીન બન્ને દેશોએ એમની ટુકડીઓને સંયમ જાળવવાની સૂચના આપી હોવાનું જનરલ બિપિન રાવતે જણાવ્યું હતું. બિપિન રાવતે જણાવ્યું હતું કે ‘પૂર્વ સરહદે શાંતિ જાળવવાના પ્રયાસો ચાલે છે. ત્યાં આપણા સૈનિકો સરહદના રક્ષણમાં કોઈ બાંધછોડ કરતા નથી. સરકારના આદેશોનું સખતાઈથી પાલન કરવામાં આવશે.’

આ પણ વાંચો : મેં જે લોકોની બ્લેકમની રોકી તેઓ વેર વાળવા એક થઈ રહ્યા છે: મોદી

પાકિસ્તાનના સ્નાઇપર અટૅકમાં BSFનો જવાન શહીદ

ગઈ કાલે સવારે ૧૦.૫૦ વાગ્યે જમ્મુ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં સરહદ પાર પાકિસ્તાન તરફથી થયેલા સ્નાઇપર અટૅકમાં BSFના અસિસ્ટન્ટ કમાન્ડન્ટ વિનય પ્રસાદ શહીદ થયા હતા. BSFની ટુકડી આંતરરાષ્ટ્રીય સરહદે પૅટ્રોલિંગ કરતી હતી ત્યારે વિનય પ્રસાદને બુલેટ વાગી હતી. જમ્મુ પ્રાંતની આંતરરાષ્ટ્રીય સરહદે પૅટ્રોલિંગની જવાબદારી BSF સંભાળે છે.

indian army national news