બિહારમાં પૂરનું તાંડવઃ ૨૯ લોકોનાં મોત, ૮૦ ટકા ઘરોમાં પાણી ભરાયાં

01 October, 2019 01:48 PM IST  |  પટના

બિહારમાં પૂરનું તાંડવઃ ૨૯ લોકોનાં મોત, ૮૦ ટકા ઘરોમાં પાણી ભરાયાં

પટનામાં ભારે વરસાદ બાદ જેસીબીમાં લોકોને સલામત સ્થળે લઈ જવાયા હતા. તસવીર - પીટીઆઇ

પટના : (જી.એન.એસ.) બિહારના ઘણા વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસમાં ભારે વરસાદ થયો છે. રાજ્યમાં પૂર અને વરસાદની દુર્ઘટનાના કારણે અત્યાર સુધી ૨૯ લોકોનાં મોત થયાં છે. બિહારના પાટનગર પટણામાં ૮૦ ટકા ઘરોમાં પાણી ભરાઈ ગયાં છે. પ્રશાસને મંગળવાર સુધી સ્કૂલ-કૉલેજોમાં રજા જાહેર કરી દીધી છે. નીતિશ સરકારે રેસ્ક્યુ ઑપરેશન માટે વાયુસેનાના બે હેલિકૉપ્ટરની મદદ માગી છે. બીજી બાજુ હવામાન વિભાગે જણાવ્યું છે કે પટણા સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ હજી ભારે વરસાદ થઈ શકે છે. જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે ત્યાં પૂરપીડિતોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. પૂર પ્રભાવિત ઉપ મુખ્ય પ્રધાન સુશીલ મોદીના પરિવારને પણ ૩ દિવસ પછી રેસ્ક્યુ કરવામાં આવ્યો છે.

હવામાન વિજ્ઞાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સક્રિય થવાના કારણે અને બંગાળની ખાડીમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન થયું હોવાથી ભારે વરસાદની આશંકા છે. તેની અસર સંપૂર્ણ બિહાર ઉપર જોવા મળશે. ૧૪ જિલ્લાઓને રેડ અલર્ટની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. તેમાં સુપૌલ, અરરિયા, કિશનગંજ, બાંકા, સમસ્તીપુર, મધેપુરા, સહરસા, પૂર્ણિયા, દરભંગા, ભાગલપુર, ખગડિયા, કટિહાર, વૈશાલી અને મુંગેર સામેલ છે.
બિહારમાં પૂરની સ્થિતિ છે. આ દરમ્યાન રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી ૨ હેલિકૉપ્ટરની માગણી કરી છે. પટણામાં પૂર પ્રભાવિત લોકોની મદદ માટે બિહાર સરકારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસે બે હેલિકૉપ્ટરની મદદ માગી છે. તે સિવાય કોલ ઈન્ડિયા પાસે પાણી કાઢવા માટે પંપની માગણી કરી છે. બિહાર સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે પૂરના કારણે અત્યાર સુધી કુલ ૨૯ લોકોનાં મોત થયાં છે.
પટણામાં જળ કરફ્યુ જેવી સ્થિતિ છે. પાટનગરના ૮૦ ટકા ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે. એટલું જ નહીં, રાજેન્દ્રનગર સહિત ઘણા વિસ્તારોમાં ૩૬ કલાકથી વીજળી-પાણી નથી. પાટનગરમાં ચોમાસાનો ૪૦ ટકા વરસાદ ૪૮ કલાકમાં જ થઈ ગયો છે. પટણા નજીકની ચારેય નદીઓ સોન, ગંગા, ગંડક અને પુનપુન જોખમી નિશાન ઉપર પહોંચી ગઈ છે. તેનાથી પણ સતત જોખમ વધી રહ્યું છે. મુખ્ય પ્રધાન નીતિશ કુમારે કહ્યું છે કે પુનપુન નદીથી સતર્ક રહો, તેનાથી સ્થિતિ ખરાબ થઈ શકે છે.
બિહારની સાથે-સાથે યુપીની હાલત પણ ખરાબ છે. અહીં વરસાદના કારણે ૧૦૦થી વધારે લોકોના જીવ ગયા છે. હૉસ્પિટલો-રહેણાક વિસ્તાર જેવી દરેક જગ્યાએ ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયાં છે. યુપીમાં છેલ્લા ૪ દિવસમાં વરસાદના કારણે ૬૩ લોકોના જીવ ગયા છે. યુપીમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં ગાઝીપુર, ચંદૌલી, આંબેડકરનગર, આઝમગઢ, મિર્ઝાપુર, જૌનપુર, બલિયા, ફતેહપુર, અયોધ્યા અને રાયબરેલી જેવાં શહેરોનો સમાવેશ થાય છે.

patna bihar