બિહારમાં મૉબ લિન્ચિંગ : ત્રણ લોકોની માર મારીને હત્યા કરી

20 July, 2019 08:55 AM IST  |  છપરા

બિહારમાં મૉબ લિન્ચિંગ : ત્રણ લોકોની માર મારીને હત્યા કરી

મૉબ લિન્ચિંગ

બિહારમાં મૉબ લિન્ચિંગના અહેવાલ આવી રહ્યા છે. છપરાના બનિયાપુર વિસ્તારમાં ભેગી થયેલી ભીડે શુક્રવારે ત્રણ જણને પશુચોરીના આરોપસર ઢોરમાર મારીને હત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતકોનાં શબોને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યાય છે. એ મામલે પોલીસ-તપાસ ચાલી રહી છે. ત્રણેય મૃતકોની ઓળખ થઈ છે અને તેમનાં નામ રાજુકુમાર, દિનેશકુમાર અને મોહમ્મદ નૌશાદ છે. આ ત્રણેય નજીકના ગામ પયગંબરપુર અને કન્હૌલીના રહેવાસી છે. નોંધનીય છે કે ગુરુવારે મધ્ય પ્રદેશના નીમચમાં ભીડે બકરીચોરીના આરોપસર ત્રણ જણની ક્રૂરતાપૂર્વક મારઝૂડ કરી હતી.

મળતી જાણકારી મુજબ સ્થાનિક લોકોએ પશુચોરીની આશંકા માત્રથી શુક્રવારે સવારે ત્રણ જણને માર મારીને હત્યા કરી હતી. કહેવાય છે કે સ્થાનિક લોકોને આ લોકો પશુચોર હોવાની જાણ થઈ હતી. ત્યાર બાદ તેઓએ મામલામાં કોઈ પૂરતી માહિતી મેળવ્યા વગર આ લોકોની મારઝૂડ કરવાનું શરૂ કરી દીધું હતું જેને કારણે તેમનાં મોત થયાં હતાં. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં તણાવભરી સ્થિતિ છે. બીજી તરફ મૃતકોના પરિવારજનો આ ઘટનાથી ઘેરા આઘાતમાં છે.

મૂળે નંદલાલ ટોલામાં ગઈ રાતે પિકઅપથી આવીને પાળેલાં પશુઓની ચોરી કરવાના આરોપસર ગામલોકો હોબાળો મચાવીને ભેગા થયા હતા અને એ દરમ્યાન ચાર જણ ટોળાના હાથમાં આવી ગયા હતા, જેમની ગામના લોકોએ ખૂબ મારઝૂડ કરી હતી. જોકે ચોથી વ્યક્તિ ભાગી જવામાં સફળ રહી હતી.

આ મામલામાં પોલીસે ત્રણ જણની ધરપકડ કરી છે. સમગ્ર ગામ પોલીસ-છાવણીમાં ફેરવાઈ ગયું છે. મૉબ લિન્ચિંગનો ભોગ બનેલા ત્રણ જણનું ગામ ઘટનાસ્થળથી લગભગ ત્રણ કિલોમીટર દૂર છે. ગામમાં પહેલાંથી પશુચોરીની ઘટનાઓ બની રહી હતી અને એ દરમ્યાન જ પશુચોરીની આશંકામાં પિકઅપને જોઈને લોકોએ ત્રણેયને ચોર સમજીને મારવાનું શરૂ કર્યું જેમાં ઘટનાસ્થળે જ બેનાં મોત થયાં હતાં તો એક વ્યક્તિનું હૉસ્પિટલ લઈ જતાં મોત થયું હતું.

આ પણ વાંચો : 1 કિલો પ્લાસ્ટિકનો કચરો આપો અને 1 ટંકનું ભોજન ફ્રી મેળવો

એસપી હરિકિશોર રાયે કહ્યું કે પ્રાથમિક તપાસ પ્રમાણે ત્રણેય યુવકો ગૌતસ્કરી માટે ગામમાં આવ્યા હતા. એક ભેંસ પણ ઘટનાસ્થળેથી મળી આવી છે. ડીએસપીના નેતૃત્વમાં પોલીસ-ટીમ આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે દરોડા પાડી રહી છે.

bihar national news