બિહારના ગયામાં માઓવાદીઓએ શાળાનું બિલ્ડિંગ ફૂંકી માર્યું

20 February, 2020 07:14 PM IST  |  Mumbai Desk

બિહારના ગયામાં માઓવાદીઓએ શાળાનું બિલ્ડિંગ ફૂંકી માર્યું

સંદિગ્ધ માઓવાદીઓએ બિહારના ગયા જિલ્લામાં એક શાળાનું બિલ્ડિંગ ફૂંકી માર્યું હતું અને ત્યાં નાગરિકતા સુધારણા કાયદા (સીએએ) વિરોધી પત્રિકા ફેંકવામાં આવી હોવાનું એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

બિહારના ગયાના એસપી રાજીવ મિશ્રાએ જણાવ્યા મુજબ સીઆરપીએફની ૧૫૩ બટૅલ્યનની એક ટુકડી ગઈ ૧૮ માર્ચથી અહીં પડાવ નાખીને રહી છે. લોકસભાની ચૂંટણી અગાઉ નક્સલીઓએ કરેલા હુમલા બાદથી અહીં સુરક્ષા સઘન બનાવવામાં આવી હતી. ૮ ફેબ્રુઆરીએ સીઆરપીએફની ટુકડીને જંગલ નજીક તેમના કૅમ્પ પાસે ખસેડવામાં આવી હતી.

મંગળવારે રાતે બાંકે બઝાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી શાળાના ખાલી મકાનને બ્લાસ્ટ કરીને ઉડાવી દેવામાં આવ્યું હતું. જોકે સદ્નસીબે એમાં કોઈને ઈજા પહોંચી નથી. નક્સલીઓએ બ્રાહ્મણવાદી, હિન્દુત્વવાદી ફાસીવાદી બીજેપી સરકાર એવાં સૂત્રો પોકાર્યાં હતાં અને ત્યાં પેમ્ફ્લૅટ પણ ફેંક્યાં હતાં જેમાં લોકોને સીએએ, એનઆરસી અને એનપીઆર જેવા રાક્ષસી કાયદા સામે એક થવાનું આહ્‍વાન કરાયું હતું.

એસએસપીના મતે રવિવારે ૯ મહિલાઓની નક્સલીઓ સાથે સંપર્ક હોવાની આશંકાએ પૂછપરછ કરાઈ હતી. પૂછપરછમાં એક મહિલાએ પોતે પ્રતિબંધિત સીપીઆઇ (માઓઇસ્ટ)ની સભ્ય હોવાનું સ્વીકાર્યું હતું. આ ઉપરાંત શાંતિબાગ વિરોધમાં હાજર રહેવા માટે ૩૦૦-૪૦૦ રૂપિયા આપવામાં આવ્યા હોવાનું અન્ય કેટલીક મહિલાઓએ કબૂલ્યું હતું.

bihar national news