પારલે કંપની 10,000 કર્મચારીઓને છુટા કરશે

22 August, 2019 09:03 AM IST  |  બૅન્ગલોર

પારલે કંપની 10,000 કર્મચારીઓને છુટા કરશે

પારલે

દેશની અગ્રણી બિસ્કિટ ઉત્પાદક કંપની પારલે પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ ધીમી આર્થિક વૃદ્ધિ અને મહત્ત્વપૂર્ણ ગ્રામીણ પ્રદેશોમાં ઘટતી માગને પગલે ઉત્પાદનમાં કાપની સંભવિતતાને જોતાં ૧૦,૦૦૦ કર્મચારીઓને છૂટા કરે એવી શક્યતા છે એમ કંપનીના એક્ઝિક્યુટિવે બુધવારે જણાવ્યું હતું.

એશિયાની ત્રીજા ક્રમની સૌથી વિશાળ અર્થવ્યવસ્થામાં વર્તાઈ રહેલી મંદીને પગલે કારથી લઈને વસ્ત્રો સુધીની તમામ ચીજવસ્તુઓનાં વેચાણમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે જેને પગલે કંપનીઓને ઉત્પાદન પર કાપ મૂકવાની ફરજ પડી છે.

પારલેનાં બિસ્કિટ વેચાણ ક્ષેત્રે તીવ્ર ઘટાડો નોંધાતાં એનો સીધો અર્થ એ થાય છે કે કંપનીનાં ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે જેના પરિણામરૂપે ૮૦૦૦-૧૦,૦૦૦ લોકોની છટણી થઈ શકે છે.

સ્થિતિ એટલી ખરાબ છે કે જો સરકારે તત્કાળ દરમ્યાનગીરી ન કરી તો અમને આ હોદ્દાઓની છટણી કરવાની ફરજ પડી શકે છે એમ તેમણે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ૧૯૨૯માં સ્થપાયેલી પારલે કંપનીની માલિકીની ૧૦ સુવિધાઓ તથા ૧૨૫ કૉન્ટ્રૅક્ટ મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્ટ્સમાં પ્રત્યક્ષ અને કરાર સહિતના આશરે ૧,૦૦,૦૦૦ કર્મચારીઓ ધરાવે છે.

જોકે ઘટતી માગની સમસ્યાનો સામનો કરી રહેલી પારલે એકમાત્ર કંપની નથી.

પારલેની મુખ્ય પ્રતિસ્પર્ધી બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર વરુણ બેરીએ આ મહિનાના પ્રારંભમાં જણાવ્યું હતું કે ગ્રાહકો ફક્ત પાંચ રૂપિયાનાં ઉત્પાદનો ખરીદતાં પહેલાં બે વખત વિચારે છે.

આ પણ વાંચો : વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદને ફરી મિગ-21 ઉડાવવાનું શરૂ કર્યું

નિઃશંકપણે અર્થતંત્રમાં કોઈ ગંભીર સમસ્યા પ્રવર્તી રહી છે એમ બેરીએ વિશ્લેષકો સાથેના કૉન્ફરન્સ કૉલમાં જણાવ્યું હતું.

national news