BJP પાસે દેખાડવા જેવા ચહેરાઓ નથી એટલે હેમા માલિનીને નચાવે છે: MP પ્રધાન

28 January, 2019 07:55 AM IST  | 

BJP પાસે દેખાડવા જેવા ચહેરાઓ નથી એટલે હેમા માલિનીને નચાવે છે: MP પ્રધાન

હેમા માલિની

કૉંગ્રેસના સક્રિય રાજકારણમાં પ્રિયંકા ગાંધીના પ્રવેશના પ્રત્યાઘાતરૂપે સામસામી બયાનબાજીનો દોર અટકતો નથી. ‘કૉંગ્રેસ હવે ચૉકલેટી ચહેરા વડે ચૂંટણી જીતવા માગે છે’ એવા BJPના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયના બયાનના જવાબમાં કૉંગ્રેસ તરફથી મધ્ય પ્રદેશ સરકારના પ્રધાન સજ્જન સિંહ વર્માએ જણાવ્યું હતું કે BJP પાસે સુંદર ચહેરા ન હોવાથી હેમા માલિની પાસે નૃત્ય કરાવતા ફરે છે.

ગઈ કાલે સજ્જન સિંહે જણાવ્યું હતું કે ‘માનવી ઈશ્વરનું સર્જન છે. ઈશ્વરે પ્રિયંકા ગાંધીને એટલાં સુંદર ઘડ્યાં છે કે તેમના વ્યક્તિત્વમાંથી મમતા અને સ્નેહ છલકાય છે. આવા શબ્દો વડે BJP અને કૈલાસ વિજયવર્ગીય તેમનું માન ઘટાડે છે.’

દરમ્યાન કૈલાસ વિજયવર્ગીયે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ‘મેં ચૉકલેટી ચહેરાનો ઉલ્લેખ ફક્ત બૉલીવુડના ઍક્ટર્સના સંદર્ભમાં કર્યો હતો, કોઈ રાજકીય નેતાની બાબતમાં કર્યો નહોતો. ક્યારેક કોઈ કૉંગ્રેસી નેતા કરીના કપૂરને ભોપાલથી ચૂંટણી લડાવવાની વાતો કરે છે અને ક્યારેક ઇન્દોરમાં ચૂંટણીના ઉમેદવારરૂપે સલમાન ખાનનું નામ ચર્ચાય છે. એવી જ રીતે પ્રિયંકા ગાંધીને રાજકારણમાં લાવવામાં આવે છે. લોકસભાની આગામી ચૂંટણી માટે કૉંગ્રેસ પાસે કોઈ મજબૂત નેતા નથી. એ કારણે ચૉકલેટી ચહેરાની મદદથી ચૂંટણી લડવા ઇચ્છે છે. જો કૉંગ્રેસમાં રાહુલ ગાંધીના નેતૃત્વ બાબતે આત્મવિશ્વાસ હોત તો પ્રિયંકાને સક્રિય રાજકારણમાં લાવ્યા ન હોત.’

આ પણ વાંચો : આડકતરી રીતે ગડકરીના પ્રહાર,'સપના એ જ બતાવો, જે પૂરા થાય'

પ્રિયંકા ગાંધીને માનસિક બીમારી છે? સુબ્રહ્મણ્યમ સ્વામી

BJPના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ પ્રિયંકા ગાંધી વિશે જુદો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે કહ્યું હતું કે ‘કૉંગ્રેસનાં નવા મહાસચિવને ‘બાયપોલર મેન્ટલ ડિસઑર્ડર’ નામે ઓળખાતી માનસિક બીમારી છે. એ બીમારીને કારણે પ્રિયંકા ગાંધીનો મૂડ સ્વિંગ થતો હોવાથી તેઓ ખૂબ ક્રોધિત થતાં હોય છે અને લોકોની નિર્દયતાથી મારઝૂડ પણ કરે છે.’

hema malini bharatiya janata party madhya pradesh national news