મોદીને ડિવાઇડર ઇન ચીફ કહેનાર લેખક પાકિસ્તાની છે : સંબિત પાત્રા

12 May, 2019 10:49 AM IST  | 

મોદીને ડિવાઇડર ઇન ચીફ કહેનાર લેખક પાકિસ્તાની છે : સંબિત પાત્રા

સંબિત પાત્રા

બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત સંબિત પાત્રા ગઈ કાલે જણાવ્યું હતું કે ‘ટાઇમ મૅગેઝિનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘ડિવાઇડર ઇન ચીફ’ રૂપે વર્ણવનાર લેખક પાકિસ્તાની છે. આતંકવાદી છાવણીઓ નષ્ટ કરવા માટેની સર્જિકલ સ્ટ્રાઇક્સ અને ઍર સ્ટ્રાઇક્સને કારણે પાકિસ્તાનીઓ આપણા વડા પ્રધાનને ધિક્કારતા હોવાથી એ પ્રકારનો લેખ લખવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પૂર્વે પણ નરેન્દ્ર મોદી વિરુદ્ધ લેખો લખાતા હતા અને એવું ફરી બની રહ્યું છે. ૧૭ પ્રકારના કરવેરાને એકત્રિત કરીને ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સનો અમલ કરનારા મોદી સૌને જોડનારા છે, વિભાજિત કરનારા નથી.’

બીજેપી છોડીને કૉંગ્રેસમાં જોડાયેલા નવજોત સિંહ સિદ્ધુનાં વિધાનો વિશે મહાપાત્રે જણાવ્યું હતું કે ‘સૅમ પિત્રોડાની ૧૯૮૪ના સિખ વિરોધી રમખાણો સંબંધી ટિપ્પણો બાબતે સિદ્ધુ કંઈ કહેતા નથી. ઊલટું તેમણે ૧૯૮૪નાં એ રમખાણોના આરોપી એવા મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલ નાથની સાથે હાથ મિલાવ્યા છે. સિદ્ધુએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપીના નેતાઓનો ઉલ્લેખ ‘કાલે અંગ્રેજ’ કહીને કર્યો. એવું કહીને સિદ્ધુએ દેશની જનતાનું અપમાન કર્યું છે, કારણકે જનતા મોદીને ચાહે છે અને મોદી રાષ્ટ્રપ્રેમી છે. કૉંગ્રેસીઓ અને એ પક્ષના નેતા ઇટાલિયન રંગનો ગર્વ ન કરે. એ રંગ ૨૩ મે પછી ઊડી જશે.’

કૉંગ્રેસ મોદીને ભારતમાંથી હટાવશે : સુરજેવાલા

કૉંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર દેશમાં વિભાજનનું રાજકારણ ખેલવાનો આરોપ મૂકતાં આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતા ‘ટાઇમ’ મૅગેઝિનની આંતરરાષ્ટ્રીય આવૃત્તિના કવરપેજનું ઉદાહરણ આપ્યું હતું. અમેરિકાથી પ્રકાશિત ‘ટાઇમ’ મૅગેઝિનના તાજા અંકના કવરપેજ પર નરેન્દ્ર મોદી માટે મુખ્ય હેડલાઇન ‘ડિવાઇડર ઇન ચીફ’ અને સેકન્ડરી હેડલાઇન ‘મોદી ધ રિફૉર્મર’ આપવામાં આવી છે.

આ પણ વાંચો : આજે છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની 59 બેઠકો પર મતદાન

રણદીપ સુરજેવાલાએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર હિન્દી ભાષામાં લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘કૉંગ્રેસે બ્રિટિશર્સને દેશમાંથી ભગાડ્યા છે. હવે નરેન્દ્ર મોદીનો વારો છે. મોદીની વ્યાખ્યા ‘ભાગલા પાડીને રાજ કરો’ છે.’

navjot singh sidhu national news