આઝમ ખાનને લોકસભામાં રહેવાનો કોઈ હક નથી : રમાદેવી

27 July, 2019 09:23 AM IST  |  નવી દિલ્હી

આઝમ ખાનને લોકસભામાં રહેવાનો કોઈ હક નથી : રમાદેવી

રમાદેવી

આઝમ ખાન વિરુદ્ધ કાર્યવાહી માટે લોકસભામાં સર્વસંમતિથી પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. તેમની વિરુદ્ધ ઍક્શન લેવા માટે સ્પીકરને અધિકાર આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગુરુવારે લોકસભામાં ટ્રિપલ તલાક બિલ પર ચર્ચા દરમ્યાન રામપુરથી એસપી સંસદસભ્ય આઝમ ખાને સભાપતિની ખુરસી પર બેઠેલાં રમાદેવી પર અંગત અને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. એને લઈને સંસદમાં હોબાળો મચી‌ ગયો હતો.

આઝમ ખાન મામલામાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે તેઓ તમામ પક્ષોના નેતાઓ સાથે બેઠક કરીને આ વિશે કોઈક નિર્ણય લેશે.

લોકસભામાં ટ્રિપલ તલાક બિલ પર ચર્ચા દરમ્યાન ગુરુવારે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને બીજેપીનાં સંસદસભ્ય રમાદેવી પર વાંધાજનક ટિપ્પણી કરતાં હોબાળો મચ્યો છે. બીજેપીના સભ્યોએ તેના આવા વ્યવહાર સામે આકરો વિરોધ દર્શાવ્યો છે અને આઝમ ખાનને માફી માગવા માટે પણ કહ્યું છે. આજે રમાદેવીએ આઝમ ખાનની ટિપ્પણી પર પોતે આપત્તિ વ્યક્ત કરી છે.

આઝમ ખાન પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે ‘તેમણે ક્યારેય મહિલાઓનું સન્માન નથી કર્યું. આપણને બધાને ખબર છે કે જયા પ્રદા વિશે તેમણે કેવી શરમજનક વાત કરી હતી અને હવે મારા વિશે આવી આપત્તિજનક ટિપ્પણી કરી છે. આવી નિમ્ન કક્ષાની વિચારસરણી રાખનાર વ્યક્તિને લોકસભામાં રહેવાનો કોઈ હક નથી. હું સ્પીકરને આગ્રહ કરીશ કે આઝમ ખાનને સંસદમાંથી બહાર જવાનો રસ્તો બતાવી દે. તેમણે મારી માફી માગવી જોઈએ.’

સ્મૃતિ ઈરાની સહિત મહિલા સંસદસભ્યોએ આઝમ ખાનનો વિરોધ કરી માફી માગવા જણાવ્યું છે. સ્મૃતિએ કહ્યું કે ‘આ પુરુષ સહિતના તમામ સંસદસભ્યો પર કલંક સમાન છે. આ મુદ્દે ચૂપ બેસી રહેવું ન જોઈએ. તમામ સંસદસભ્યોએ એકસૂરમાં કહેવું પડશે કે આ અસ્વીકાર્ય ઘટના છે.’

આઝમ ખાનના મુદ્દે સ્પીકર કડક નિર્ણય લે : નિર્મલા સીતારમણ

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાન વિશે કરેલી ટિપ્પણી વિશે સવાલ ઉઠાવતાં જણાવ્યું હતું કે ‘આઝમ ખાને કરેલી ટિપ્પણી વિશે લોકસભાના સ્પીકર નિર્ણય લે. આઝમ ખાન મહિલાઓનું સંસદમાં અપમાન કરી રહ્યા છે જેથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને એ માટે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.’

આ પણ વાંચો : મૉબ લિન્ચિંગના મુદ્દે દેશમાં જાણીતી હસ્તીઓના બે જૂથ સામસામે

આઝમ ખાન અશોભનીય ભાષા બદલ મહિલાઓની માફી માગે: માયાવતી

બહુજન સમાજવાદી પાર્ટી (બીએસપી)નાં પ્રમુખ માયાવતીએ આઝમ ખાનની ટિપ્પણીને અશોભનીય ગણાવતાં તમામ મહિલાઓની માફી માગવાનું કહ્યું છે. માયાવતીએ ટ્‌વીટ કરીને કહ્યું કે ‘યુપીથી એસપીના સાંસદ આઝમ ખાને ગઈ કાલે લોકસભામાં અધ્યક્ષની ચૅર પર બિરાજમાન મહિલા વિરુદ્ધ જે પ્રકારે અશોભનીય ભાષાનો ઉપયોગ કર્યો એ ગરિમા અને સન્માનને ઠેસ પહોંચાડનારી તથા અતિનિંદનીય છે. એ માટે તેમણે સંસદમાં જ નહીં, તમામ મહિલાઓની માફી માગવી જોઈએ.’

smriti irani mayawati Lok Sabha national news